ચેન્નઈના સન ટીવી નેટવર્કે હૈદરાબાદની ટીમ ખરીદી લીધી

26 October, 2012 05:50 AM IST  | 

ચેન્નઈના સન ટીવી નેટવર્કે હૈદરાબાદની ટીમ ખરીદી લીધી



ચેન્નઈના સન ટીવી નેટવર્કે ગઈ કાલે આઇપીએલની હૈદરાબાદની ટીમ વર્ષદીઠ ૮૫.૦૫ કરોડ રૂપિયાના ભાવે ખરીદી લીધી હતી. ક્રિકેટ બોર્ડ સાથે આ નેટવર્કનો પાંચ વર્ષનો કૉન્ટ્રૅક્ટ થયો છે જે મુજબ બોર્ડને કુલ મળીને ૪૨૫.૨ કરોડ રૂપિયા મળશે.

સન ટીવીને આ ટીમ વેચવાનો નિર્ણય ગઈ કાલે આઇપીએલની ગવર્નિંગ કાઉન્સિલે લીધો હતો. હૈદરાબાદની ટીમ મૂળ ડેક્કન ક્રૉનિકલ હોલ્ડિંગ્સ લિમિટેડની માલિકીની હતી અને એ ટીમ ડેક્કન ચાર્જર્સ તરીકે ઓળખાતી હતી. ડેક્કન ક્રૉનિકલ કરોડો રૂપિયાના પેમેન્ટ કરવામાં નિષ્ફળ જતાં અને મુંબઈ હાઈ કોર્ટમાં ૧૦૦ કરોડ રૂપિયાની બૅન્ક ગૅરન્ટી ન આપી શક્તાં બોર્ડે ડેક્કન ચાર્જર્સનો કૉન્ટ્રૅક્ટ રદ કરી નાખ્યો હતો અને નવું ટેન્ડર બહાર પાડ્યું હતું.

સન ટીવી ઉપરાંત પીવીપી વેન્ચર્સ નામની કંપનીએ પણ હૈદરાબાદની ટીમ ખરીદવા બિડ મોકલી હતી. જોકે એની વાર્ષિક ૬૯.૦૩ કરોડ રૂપિયા અને પાંચ વર્ષ પ્રમાણે ૩૪૫.૧૫ કરોડ રૂપિયાના ભાવની બિડ સન નેટવર્ક કરતાં નીચી હોવાથી સન નેટવર્કને ટીમ વેચી દેવામાં આવી હતી. પીવીપી વેન્ચર્સની માલિકી આંધþ પ્રદેશના પ્રસાદ વારા પોટલુરી નામના ઉદ્યોગપતિ પાસે છે.

સ્ટેન-સંગકારાની હાજરીથી આનંદ


સન ટીવીના ચીફ ફાઇનૅન્શિયલ ઑફિસર એસ. એલ. નારાયણને ગઈ કાલે પીટીઆઈને કહ્યું હતું કે ‘અમને સારા ભાવે બહુ સારા પ્લેયરો ધરાવતી ટીમ મળી છે. અમે બોર્ડને વર્ષે ૮૫ કરોડ રૂપિયા આપીશું. બોર્ડનો આ પહેલાંનો પુણે વૉરિયર્સ સાથેનો સોદો ૧૭૦ કરોડ રૂપિયાના વાર્ષિક ભાવે થયો હતો એ જોતાં અમને ૫૦ ટકાના ભાવે સારી ટીમની માલિકી મળી છે. આ ટીમમાં કુમાર સંગકારા, ડેલ સ્ટેન, કૅમેરન વાઇટ, જીન-પૉલ ડુમિની, શિખર ધવન અને ઇશાન્ત શર્મા જેવા સારા પ્લેયરો છે.’

ક્રિકેટ બોર્ડના પ્રમુખ અને ચેન્નઈ સુપર કિંગ્સની ટીમના માલિક એન. શ્રીનિવાસન પણ ગઈ કાલે સન ગ્રુપ સાથેના સોદાથી ખુશ હતા. તેમણે કહ્યું હતું કે ‘૨૦૦૮ની સાલમાં ડેક્કન ક્રૉનિકલ સાથે અમે ૧૦ વર્ષનો કરાર ૪૨૮ કરોડ રૂપિયાના ભાવે સાઇન કયોર્ હતો. એની સરખામણીમાં સન ગ્રુપ સાથે અમે પાંચ વર્ષનો કરાર ૪૨૫ કરોડ રૂપિયામાં કયોર્ છે. એ રીતે અમને બમણો ભાવ મળ્યો છે. ૨૦૦૮ની બધી ટીમ સાથે અમે ૧૦ વર્ષનો કરાર કયોર્ છે, પરંતુ સન સાથેનો કૉન્ટ્રૅક્ટ પાંચ વર્ષનો છે. એ રીતે પણ અમને નવી ટીમ માટે વધુ મૂલ્ય મળ્યું કહેવાય. સન ગ્રુપ મિડિયામાં બહુ જાણીતું અને પ્રતિષ્ઠિત છે.’

૩૧ ઑક્ટોબરની ડેડલાઇન

બોર્ડપ્રમુખ શ્રીનિવાસને ગઈ કાલે કહ્યું હતું કે ‘ડેક્કન ચાર્જર્સના પ્લેયરોને તેમની બાકી નીકળતી રકમ ચૂકવી દેવામાં આવી છે. સન ગ્રુપ આ ટીમના વર્તમાન પ્લેયરોને જાળવી રાખવા કે નહીં

એનો નિર્ણય ૩૧ ઑક્ટોબર સુધીમાં લઈ શકશે. જે ખેલાડીઓને આ ગ્રુપ નહીં જાળવે તેમની આવતા વર્ષે હરાજી થશે.’

સન ગ્રુપની ૩૨ ચૅનલ અને ૪૫ એફએમ સ્ટેશન

સન ટીવી નેટવર્ક્સ લિમિટેડનું હેડક્વૉર્ટર ચેન્નઈમાં છે અને આ ગ્રુપ ભારતના સૌથી મોટા ટીવી નેટવકોર્માં ગણાય છે. સન ગ્રુપ દક્ષિણ ભારતની મુખ્ય ચાર ભાષાઓ પર આધારિત ૩૨ ટીવી ચૅનલો અને ૪૫ એફએમ રેડિયો સ્ટેશનો ધરાવે છે. આ ગ્રુપના નેટવર્કમાં ખાસ કરીને ન્યુઝ, એન્ટરટેઇનમેન્ટ, ફિલ્મ, ડૉક્યુમેન્ટરી અને મ્યુઝિકની ચૅનલોનો સમાવેશ છે. આ ગ્રુપ સ્પાઇસજેટ ઍરલાઇન્સની માલિકી પણ ધરાવે છે.

સન ટીવી નેટવર્કની સ્થાપના ૧૯૯૩માં થઈ હતી. કલાનિધિ મારન આ ગ્રુપના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેકટર છે. કલાનિધિ મારન કેન્દ્રના ભૂતપૂર્વ કૉમર્સ મિનિસ્ટર મુરાસોલી મારનના પુત્ર ભૂતપૂર્વ ટેક્સટાઇલ મિનિસ્ટર દયાનિધિ મારનના ભાઈ છે. કલાનિધિ મારનનાં દાદી તામિલનાડુના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એમ. કરુણાનિધિનાં બહેન છે.

આઇપીએલ = ઇન્ડિયન પ્રીમિયર લીગ, ટીવી = ટેલિવિઝન,

એફએમ = ફ્રીક્વન્સી મૉડ્યુલેશન