કૅપ્ટન ધોનીનો ધમાકો પણ ઝારખંડને જીત ન અપાવી શક્યો

19 March, 2017 07:09 AM IST  | 

કૅપ્ટન ધોનીનો ધમાકો પણ ઝારખંડને જીત ન અપાવી શક્યો



દિલ્હીના ફિરોજશા કોટલા મેદાન પર વિજય હઝારે ટ્રોફીની બીજી સેમી ફાઇનલમાં ગઈ કાલે બંગાળે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વવાળા ઝારખંડને રોમાંચક મૅચમાં ૪૧ રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. આવતી કાલે ફાઇનલમાં બંગાળનો મુકાબલો તામિલનાડુ સામે થશે. શુક્રવારે ઝારખંડની ટીમ જે હોટેલમાં રોકાઈ હતી એમાં આગ લાગતાં બીજી સેમી ફાઇનલ પોસ્ટપોન કરીને ગઈ કાલે રમાઈ હતી અને ફાઇનલ મૅચ આજને બદલે આવતી કાલે રમાશે.

બન્ને ઓપનરોની સેન્ચુરી

ટૉસ જીતીને ચેઝ-માસ્ટર મહેન્દ્ર સિંહ ધોનીએ પહેલાં ફીલ્ડિંગનો નિર્ણય લીધો હતો. બંગાળે બન્ને ઓપનરો અભિમન્યુ ઇશવારણ (૧૨૧ બૉલમાં ૧૦૧) અને શ્રીવત્સ ગોસ્વામી (૯૯ બૉલમાં ૧૦૧ રન)એ સેન્ચુરી ફટકારીને ૩૪.૨ ઓવરમાં ૧૯૮ રનની સૉલિડ ઓપનિંગ પાર્ટનરશિપ કરીને ટીમને મજબૂત શરૂઆત કરાવી આપી હતી. ત્યાર બાદ કૅપ્ટન મનોજ તિવારીના અણનમ ૭૫ રનના જોરે ટીમે ૫૦ ઓવરમાં ૪ વિકેટે ૩૨૯ રન ખડકી દીધા હતા.

ચાર સિક્સર સાથે ધોનીના ૭૦ રન

૩૩૦ રનના ટાર્ગેટ સામે ઝારખંડે ૫૬ રનમાં બન્ને ઓપનરો ગુમાવી દીધા હતા અને ૧૫૩ રનમાં ચાર વિકેટ ગુમાવીને એ મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું. ધોનીએ ત્યાર બાદ ૬૨ બૉલમાં ચાર સિક્સર અને બે ફોર સાથે ૭૦ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમીને ટીમની આશા જીવંત રાખી હતી, પણ ૪૩મી ઓવરમાં ૨૫૦ રનના સ્કોર પર તે આઉટ થઈ જતાં ટીમની હાર નક્કી થઈ ગઈ હતી. ધોનીને વિકેટકીપર ઈશાન કિશને ૪૩ બૉલમાં ૫૯ રન બનાવીને ઉપયોગી સાથ આપ્યો હતો. બંગાળ વતી અનુભવી સ્પિનર પ્રજ્ઞાન ઓઝાએ ૭૧ રનમાં મહત્વની ધોની સહિત પાંચ વિકેટ લીધી હતી.