ભજ્જીની ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ માઈન્ડ ગેમ

19 February, 2017 05:11 AM IST  | 

ભજ્જીની ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ માઈન્ડ ગેમ



ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો થાય એ પહેલાં હંમેશાં ભૂતપૂર્વ અને સિનિયર ખેલાડીઓ દ્વારા માઇન્ડ ગેમ શરૂ થઈ જાય છે. ભારતની ધરતી પર પગ મૂકતાંની સાથે જ ઑસ્ટ્રેલિયન કૅપ્ટને જરૂર પડશે તો સ્લેજિંગનો સહારો લેતાં અચકાઈશું નહીં કહીને તેમનો ઇરાદો જાહેર કરી દીધો હતો. ઑસ્ટ્રેલિયા માટે હંમેશાં માથાનો દુખાવો બની રહેલા હરભજન સિંહે સામો પ્રહાર કરતાં ભારતમાં રમવા આવેલી સ્મિથ ઍન્ડ કંપનીને સૌથી નબળી ઑસ્ટ્રેલિયન ટીમ જાહેર કરીને તેમને ખાલી હાથે પાછા ફરવા તૈયાર રહેવાનું જણાવી દીધું હતું.

ચાર ટેસ્ટ મૅચની પહેલી મૅચ ગુરુવારથી પુણેમાં શરૂ થવાની છે. અનુભવી ઑફ સ્પિનરે કાંગારૂ ટીમને આડા હાથે લેતાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘હું મારી કરીઅરમાં શ્રેષ્ઠ ઑસ્ટ્રેલિયન ટીમ સામે રમ્યો છું. મારા મત પ્રમાણે અત્યારે ભારત આવેલી કાંગારૂઓની ટીમ પર નજર કરતાં એ ભારતમાં રમવા આવેલી અત્યાર સુધીની સૌથી નબળી ટીમ જણાઈ રહી છે. મને નથી લાગતું કે ભારતીય પરિસ્થિતિઓમાં આ ટીમ ભારત સામે ટક્કર ઝીલી શકશે. ૨૦૧૩ની જેમ આ વખતે પણ ભારતીય ટીમનો ૪-૦થી ભવ્ય વિજય થશે.’

સ્મિથ-વૉર્નરમાં જ છે દમ


૨૦૦૧માં ઑસ્ટ્રેલિયા સામેની ઐતિહાસિક સિરીઝમાં રેકૉર્ડ ૩૨ વિકેટ ઝડપનાર હરભજનને જ્યારે સ્મિથ ઍન્ડ કંપની સામેના આવા સ્ટ્રૉન્ગ મત વિશે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે ‘૨૦૦૧ની ટીમમાં મૅથ્યુ હેડન, માઇકલ સ્લેટર, ઍડમ ગિલક્રિસ્ટ, રિકી પૉન્ટિંગ અને સ્ટીવ વૉ જેવા કાબેલ અને અનુભવી ખેલાડીઓ હતા, જ્યારે અત્યારની ટીમમાંથી જો કૅપ્ટન સ્ટીવ સ્મિથ અને ડેવિડ વૉર્નરને બાદ કરીએ તો મને નથી લાગતું કે એક પણ ખેલાડી રવિચન્દ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજા સામે ટકી શકે.’

કાંગારૂઓ કરતાં અંગ્રેજો સારા હતા

હાલમાં ભારતમાં ૦-૪થી હારીને પાછી ફરેલી ઇંગ્લૅન્ડની ટીમને હરભજન સિંહ આ કાંગારૂ ટીમ કરતાં બહેતર ગણાવે છે. ભજી કહે છે કે ‘અત્યારે ભારત આવેલી ઑસ્ટ્રેલિયન ટીમની બૅટિંગ લાઇનઅપ કરતાં ઇંગ્લિશ ટીમની બૅટિંગ લાઇનઅપ મજબૂત હતી. ઇંગ્લિશ ટીમ બે-ત્રણ વાર ૪૦૦ પ્લસનો સ્કોર બનાવવામાં સફળ રહી હતી. મને નથી લાગતું કે આ સિરીઝમાં કાંગારૂઓની ટીમ આવું કરી શકશે.’

ત્ભ્ન્ના પર્ફોર્મન્સની તુલના ન કરો

સ્પિનરો સામે સારી રીતે રમી શકતો કાંગારૂ કૅપ્ટન સ્મિથ ત્ભ્ન્માં પણ સફળ રહ્યો હતો એ બાબતે હરભજન સિંહે કહ્યું હતું કે ‘ત્ભ્ન્ના પર્ફોર્મન્સની તુલના અત્યારે ન કરવી જોઈએ, કેમ કે એ બધી મૅચો સપાટ પિચ પર રમાતી હોય છે. સ્મિથની સ્પિનરો સામેની સફળતા અને મોટા ભાગની સેન્ચુરીઓ ઑસ્ટ્રેલિયન પિચ પર જ જોવા મળી છે. ઑસ્ટ્રેલિયન પિચો પર સ્પિનરો સામે રમવું ઘણું સહેલું હોય છે. ભારતમાં અશ્વિન-જાડેજાની જોડી સામે સ્મિથની ખરી પરીક્ષા થશે. વૉર્નરની વાત કરીએ તો તે હંમેશાં આક્રમક રમત રમતો હોય છે એટલે તે તમને વધુ મોકો આપતો હોય છે. વિરાટે વૉર્નર સામે અલગ ગેમપ્લાન ઘડવો જોઈએ. રનની ગતિ ધીમી કરવા સાથે યોગ્ય ફીલ્ડિંગની ગોઠવણ કરીને વૉર્નરને સપડાવી શકાય એમ છે.’

લાયન માટે છે આદર


ઑસ્ટ્રેલિયન ટીમના અનુભવી સ્પિનર નૅથન લાયન વિશે હરભજને કહ્યું હતું કે ‘મને નૅથન લાયન માટે ખૂબ આદર છે. લાયને ૨૦૦ કરતાં વધુ વિકેટો ઝડપી છે, પણ તેની મોટા ભાગની સફળતા ઑસ્ટ્રેલિયન ધરતી પર જોવા મળી છે. ભારતીય ધરતી પર મુરલી વિજય, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, ચેતેશ્વર પુજારા જેવા ખેલાડીઓ સામે બોલિંગ કરવી એ એક અલગ બાબત છે. ઑસ્ટ્રેલિયન ટીમના બાકીના બે સ્પિનરો સાવ બિનઅનુભવી છે.