આઉટ થયા બાદ ફરી વાર બૅટિંગ કરવા આવ્યો સ્ટોક્સ

11 February, 2019 10:37 AM IST  | 

આઉટ થયા બાદ ફરી વાર બૅટિંગ કરવા આવ્યો સ્ટોક્સ

નો બૉલે બચાવ્યો : આઉટ થયા બાદ પૅવિલિયનમાં જતો બેન સ્ટોક્સ.

સેન્ટ લ્યુસિયાના ડૅરેન સૅમી નૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રીજી અને છેલ્લી ટેસ્ટ-મૅચમાં બીજા દિવસે ઇંગ્લૅન્ડ ૨૭૭ રન બનાવીને ઑલઆઉટ થયું હતું. બૉલર કીમાર રૉચે ૪ વિકેટ લીધી હતી. ઇંગ્લૅન્ડ તરફથી બેન સ્ટોક્સે ૭૯ અને વિકેટકીપર-બૅટ્સમૅન જૉસ બટલરે ૬૭ રન બનાવ્યા હતા. ક્રિકેટ-મૅચમાં એક વખત કોઈ બૅટ્સમૅન આઉટ થાય એટલે તેણે ફરી બૅટિંગ કરવા બીજી ઇનિંગ્સ અથવા બીજી મૅચ સુધી રાહ જોવી પડે છે. જોકે ટેસ્ટના પહેલા દિવસના ત્રીજા સેશનમાં ઇંગ્લૅન્ડના બૅટ્સમૅન બેન સ્ટોક્સનો શાનદાર કૅચ અલ્ઝારી જોસેફે પોતાની બોલિંગમાં પકડીને આઉટ કર્યો હતો. ટીવી રિપ્લેમાં જોતાં ખબર પડી કે જોસેફનો પગ પોપિંગ ક્રીઝની બહાર હતો એટલે તેને નો બૉલ જાહેર કરવામાં આવતાં સ્ટોક્સને ફરી મેદાનમાં આવવા માટે કહેવામાં આવ્યું. ડ્રેસિંગ રૂમમાં જઈને તે બેઠો હતો અને પેડ કાઢ્યા નહોતા ત્યાં તેને બહારથી ફરી પાછી બૅટિંગ કરવા માટેની બૂમો સાંભળી અને તે ફરી બૅટિંગ કરવા આવ્યો હતો.

૨૦૧૭માં ICC દ્વારા નિયમમાં ફેરબદલ કરવામાં આવ્યો હતો જે મુજબ બૅટ્સમૅન ભલે પૅવિલિયનમાં જતો રહ્યો હોય, પરંતુ તેને ફરી રમવા માટે બોલાવી શકાય. અગાઉ આવું શક્ય નહોતું. આ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝની ફીલ્ડિંગ ખૂબ ખરાબ હતી. બે કૅચ ડ્રૉપ થયા હતા અને ૪ ઓવર થ્રો થયા હતા. પહેલા દિવસના પહેલા સેશનમાં જેસન હોલ્ડરના સ્થાને રમી રહેલા કીમો પૉલે શાનદાર સ્પેલ ફેંકી હતી. જોકે બોલરોએ આપેલા ૩૦ એક્સ્ટ્રા રનમાંથી ૧૫ વાઇડ હતા. યજમાન વેસ્ટ ઇન્ડીઝની ટીમે વર્તમાન સિરીઝની પહેલી બે ટેસ્ટ જીતીને સિરીઝ કબજે કરી લીધી છે. તેમણે બાર્બેડોઝમાં પહેલી ટેસ્ટ આર્યજનક રીતે ૩૮૧ રનથી અને ઍન્ટિગામાં બીજી ટેસ્ટ ૧૦ વિકેટથી જીતી હતી. આ ટેસ્ટ જીતીને વિન્ડીઝ વાઇટવૉશ કરવાની કોશિશ કરશે. બરાબર ૩૩ વર્ષ પહેલાં ૧૯૮૬માં ડેવિડ ગોવરની ઇંગ્લૅન્ડની ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે હારી હતી. એ ટૂરમાં પ્રવાસી ઇંગ્લૅન્ડની ટીમ ૧૪માંથી ૧૦ મૅચ હારી હતી જેમાં ટેસ્ટ-સિરીઝનો વાઇટવૉશ સામેલ છે.

ben stokes england cricket news sports news