T20 વર્લ્ડ કપના સ્ટાર-સ્પિનરની ઈજાથી શ્રીલંકન ટીમ ખૂબ ચિંતિત

22 October, 2012 05:33 AM IST  | 

T20 વર્લ્ડ કપના સ્ટાર-સ્પિનરની ઈજાથી શ્રીલંકન ટીમ ખૂબ ચિંતિત



કોલંબો: T20 વર્લ્ડ કપની રનર્સ-અપ શ્રીલંકાની ક્રિકેટ ટીમ ન્યુ ઝીલૅન્ડ સામે ઘરઆંગણે શરૂ થનારી સિરીઝોની રાહ જોઈ રહી છે, પરંતુ સ્પિનર અજંથા મેન્ડિસની ઈજા એને સતાવી રહી છે. મેન્ડિસને ૧૮ સપ્ટેમ્બરે T20 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે સામેની પ્રથમ મૅચ દરમ્યાન કમરના સ્નાયુઓનો દુખાવો શરૂ થયો હતો જેમાંથી તે હજી મુક્ત નથી થયો. ડૉક્ટરે તેને થોડા દિવસ સતત આરામ કરવાની સલાહ આપી છે.

મેન્ડિસ ૧૮ સપ્ટેમ્બરની એ મૅચ પછી ૭ ઑક્ટોબરની વેસ્ટ ઇન્ડીઝ સામેની ફાઇનલ સુધી પેઇનકિલર્સ લઈને રમતો રહ્યો હતો. તેની ૧૫ વિકેટ ટુર્નામેન્ટના બધા બોલરોમાં હાઇએસ્ટ હતી.

શ્રીલંકાની ટીમ ૩૦ ઑક્ટોબરે કિવીઓ સામે પલ્લેકેલમાં એકમાત્ર T20 મૅચ રમશે. ત્યાર પછી બન્ને ટીમો વચ્ચે પાંચ વન-ડે અને બે ટેસ્ટમૅચ રમાશે.

શ્રીલંકાના સિલેક્ટરો આ અઠવાડિયે ટીમ સિલેક્ટ કરશે. માહેલા જયવર્દને T20 ટીમની કૅપ્ટન્સી છોડી ચૂક્યો છે અને તેના સ્થાને કદાચ ઍન્જેલો મૅથ્યુઝને સુકાન સોંપવામાં આવશે. જોકે જયવર્દને વન-ડે અને ટેસ્ટનું નેતૃત્વ સંભાળવાનું ચાલુ રાખશે. પસંદગીકારોએ સાઉથ આફ્રિકાની ચૅમ્પિયન્સ લીગમાં રમી રહેલા જયવર્દને, લસિથ મલિન્ગા અને નુવાન કુલસેકરા સહિતના સિનિયર પ્લેયરો માટે પ્રૅક્ટિસ-સેશન ફરજિયાત નથી રાખ્યું, પરંતુ બાકીના ખેલાડીઓને દરરોજ નેટમાં બોલાવવામાં આવે છે.