શ્રીલંકાને મળી ઐતિહાસિક જીત, પરેરા છવાઈ ગયો

07 August, 2016 06:53 AM IST  | 

શ્રીલંકાને મળી ઐતિહાસિક જીત, પરેરા છવાઈ ગયો



શ્રીલંકા ૧૭ વર્ષ બાદ ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટ-સિરીઝ જીત્યું છે. ગૉલ ટેસ્ટમાં શ્રીલંકાએ મહેમાન ઑસ્ટ્રેલિયાને ત્રણ દિવસમાં ૨૨૯ રનથી હરાવ્યું હતું. બીજા દિવસે શ્રીલંકાએ કાંગારૂઓની ત્રણ વિકેટ લીધી હતી અને જીતથી એ ૭ વિકેટ દૂર હતી. ગઈ કાલે લંચ બાદ તેણે જીત અંકે કરી લીધી હતી. રેકૉર્ડની રીતે જોઈએ તો ટેસ્ટ-ઇતિહાસની આ ૧૦મી સૌથી નાની ટેસ્ટ હતી. આ ટેસ્ટમાં ૧૨૯૭ બૉલ જ નખાયા હતા. શ્રીલંકાનો ઑફ સ્પિનર દિલરુવાન પરેરા આ મૅચમાં ૯૯ રનમાં ૧૦ વિકેટ લઈને મૅન ઑફ ધ મૅચ બન્યો હતો. બીજા દિવસે રંગાના હેરાથે હૅટ-ટ્રિક લઈને જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને આમ વૉર્ન-મુરલીધરન ટ્રૉફી શ્રીલંકાએ જીતી લીધી છે.

નંબર વન ટીમની હાલત બગડી


જીત માટે ૪૧૩ રન બનાવવા ઊતરેલી ઑસ્ટ્રેલિયન ટીમ સ્પિન બોલરોને સમજવામાં નિષ્ફળ રહી હતી અને ૧૮૩ રન પર જ ઑલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ઉપમહાખંડમાં ઑસ્ટ્રેલિયાની આ સતત આઠમી હાર છે. ઑસ્ટ્રેલિયા છેલ્લે ૨૦૧૧માં આ જ મેદાન પર જીત્યું હતું.

વિશેષ છે આ જીત

વિજય બાદ શ્રીલંકાના કૅપ્ટન ઍન્જેલો મૅથ્યુઝે કહ્યું હતું કે ‘તમે દર વખતે નંબર વન ટીમને હરાવી શકતા નથી. ટૉસ જીત્યા બાદ હું દબાણમાં હતો. છેલ્લી ટેસ્ટમાં સારું પ્રદર્શન ન કર્યા છતાં પરેરાને ટીમમાં સમાવાયો હતો. આ જીત અમારે માટે ખાસ છે.’

પરેરા સૌથી ઝડપી ૫૦ વિકેટ લેનાર શ્રીલંકન બોલર બન્યો છે. બન્ને દેશો વચ્ચે આ ૧૨મી ટેસ્ટ-સિરીઝ છે, એમાંથી શ્રીલંકા માત્ર બે જ જીતી છે. છેલ્લે ૧૯૯૯માં શ્રીલંકાએ ઑસ્ટ્રેલિયાને ત્રણ ટેસ્ટ મૅચની સિરીઝમાં ૧-૦થી હરાવ્યું હતું.