20 June, 2026 09:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રીસાન્તે રિંગમાં ફાઇટ કરવા ઓપન ચૅલેન્જ કરી ભજ્જીને
ભારતના બે વખતના વર્લ્ડ કપ વિજેતા ભૂતપૂર્વ ફાસ્ટ બોલર એસ. શ્રીસાન્તે પોતાના બે જૂના સાથી ખેલાડીઓ પર શાબ્દિક હુમલો કર્યો છે. ભૂતપૂર્વ સ્પિનર હરભજન સિંહ અને ઓપનર ગૌતમ ગંભીર સાથેના જૂના વિવાદોને યાદ કરીને શ્રીસાન્તે ચોંકાવનારાં નિવેદનો આપ્યાં છે. રસપ્રદ વાત તો એ છે કે હાલમાં આ ત્રણેય ભૂતપૂર્વ ક્રિકેટર્સ BJPનો ભાગ છે.
હરભજન સિંહે એક જાહેરખબરમાં બરાબર થપ્પડ પડે તો બધું સીધું થઈ જાય છે એવા ડાયલૉગનો ઉપયોગ કર્યો હતો. એ બાદ ભજ્જીએ શ્રીસાન્તને આ વિડિયો ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શૅર કરવા કંપની પાસે પચીસ લાખ રૂપિયાની ઑફર પણ અપાવી હતી. જોકે આવી ઑફરને ફગાવી હોવાનો ખુલાસો કરનાર શ્રીસાન્ત કહે છે કે ‘શું તેની પાસે મારી સાથે રિંગમાં આવવાની હિંમત છે? શું તે સહન કરી શકે છે? આ મારો ખુલ્લો પડકાર છે.’
શ્રીસાન્તે આગળ કહ્યું કે ‘હું હાલમાં એક ફાઇટ લીગમાં છું. ભજ્જી, હું તને પડકાર ફેંકું છું. તમે ખૂબ કમાઓ છો, મને પણ કમાવા દો. રિંગમાં આવો. હું તને દિલથી બોલાવી રહ્યો છું. જો તારામાં આત્મસન્માન હોય તો જાહેરખબર છોડી દો અને ખરેખર રિંગમાં આવો. લલિત મોદીનો આભાર કે તેણે વર્ષ ૨૦૦૮ના થપ્પડકાંડનો વિડિયો જાહેર કરીને એ ઘટનાનો પર્દાફાશ કર્યો.’
શ્રીસાન્તે ભારતના હેડ કોચ ગૌતમ ગંભીર વિશે કહ્યું કે ‘ભારતને એવા કોચની જરૂર નથી જે ખેલાડીઓને સૂચનાઓનું પાલન કરવા પ્રેશર કરે અને જો તેઓ ન કરે તો તેમને કાઢી મૂકે. ધોનીભાઈએ ક્યારેય આ અભિગમ અપનાવ્યો નથી. ટીમને એક મેન્ટરની જરૂર છે અને માહીભાઈ એ ભૂમિકા માટે યોગ્ય વ્યક્તિ હશે.’
બાઉન્સરથી હેરાન થઈને ગૌતમ ગંભીરે રિટાયરમેન્ટ બાદની એક લીગમાં ચીટર-ચીટર કરીને ચીડવ્યો હતો એ ઘટનાનો ખુલાસો પણ શ્રીસાન્તે કર્યો હતો.