19 June, 2026 10:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ભારતની T20 ટીમમાંથી સ્થાન અને કૅપ્ટન્સી ગુમાવ્યા બાદ સૂર્યકુમાર યાદવ હાલમાં ડૅડ-ડ્યુટીમાં વ્યસ્ત છે. આ વર્ષે મે મહિનામાં જન્મેલી દીકરી રિદ્ધિમાની સંભાળ રાખતા સૂર્યાનો ફોટો હાલમાં તેની પત્ની દેવિશા શેટ્ટીએ શૅર કર્યો હતો. આ કપલે બુધવારે દીકરીના ઑફિશ્યલ નામકરણ સમારોહની સાથે ભજનસંધ્યાનું પણ આયોજન કર્યું હતું.
IPL 2026માં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) તરફથી રમતા સમયે ગુજરાત ટાઇટન્સ સામેની મૅચમાં શ્રીલંકાનો યંગ ફાસ્ટ બોલર મથીશા પથિરાના ઇન્જર્ડ થયો હતો. ૮ બૉલ ફેંક્યા બાદ તેને હૅમસ્ટ્રિંગ ઇન્જરી થઈ હતી અને તે આખી સીઝનમાંથી બહાર થઈ ગયો હતો. શ્રીલંકા ક્રિકેટ અને કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી મળેલી મદદને કારણે મથીશા પથિરાના ડાબા પગની હૅમસ્ટ્રિંગ ઇન્જરીની સર્જરી માટે ફ્રાન્સ પહોંચ્યો હતો. તેણે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પરથી જાહેરાત કરી હતી કે ‘મારી સર્જરી સફળ રહી છે અને હવે સ્વસ્થ થવાના માર્ગ પર આગળ વધી રહ્યો છું.’
અમેરિકામાં ફુટબૉલ વર્લ્ડ કપ વચ્ચે આજથી ક્રિકેટનો રોમાંચ પણ શરૂ થઈ રહ્યો છે. અમેરિકામાં ૧૮ જૂનથી ૧૮ જુલાઈ વચ્ચે ૬ ટીમો વચ્ચે મેજર લીગ ક્રિકેટ T20 ટુર્નામેન્ટની ચોથી સીઝન રમાશે. ૬ ટીમો વચ્ચે ટુર્નામેન્ટની ૩૪ મૅચો ડૅલસ, કૅલિફૉર્નિયા અને પોમોનામાં તબક્કાવાર રમાશે. ઑસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ વૉશિંગ્ટન ફ્રીડમ, ઑસ્ટ્રેલિયાનો મૅટ શૉર્ટ સૅન ફ્રાન્સિસ્કો યુનિકૉર્ન્સ, વેસ્ટ ઇન્ડીઝનો નિકોલસ પૂરન MI ન્યૂ યૉર્ક, સાઉથ આફ્રિકાનો ફાફ ડુ પ્લેસી ટેક્સસ સુપર કિંગ્સ, ઑસ્ટ્રેલિયાનો માર્કસ સ્ટૉઇનિસ સીએટલ ઓર્કાસ અને વેસ્ટ ઇન્ડીઝનો જેસન હોલ્ડર લૉસ ઍન્જલસ નાઇટ રાઇડર્સની કમાન સંભાળશે. ૨૦૨૩ની પહેલી અને ૨૦૨૫ની છેલ્લી સીઝનમાં MI ન્યૂ યૉર્ક ચૅમ્પિયન બન્યું હતું, જ્યારે ૨૦૨૪માં વૉશિંગ્ટન ફ્રીડમે ટાઇટલ પોતાના નામે કર્યું હતું. સૅન ફ્રાન્સિસ્કો યુનિકૉર્ન્સ સાથે જોડાયેલો ભારતીય સ્પિનર રવિચન્દ્રન અશ્વિન આ લીગમાં રમનાર પ્રથમ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર બનશે. ગયા વર્ષે રિટાયરમેન્ટની જાહેરાત બાદ ૩૯ વર્ષનો આ ઑલરાઉન્ડર પહેલી વખત કોઈ લીગમાં રમતો જોવા મળશે.