12 July, 2026 03:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૂર્યકુમાર યાદવ
દેવિશા શેટ્ટીએ હાલમાં દીકરી માટે ડૅડ-ડ્યુટી નિભાવતા ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવનો ફોટો શૅર કર્યો હતો. આ ફોટોમાં સૂર્યાની જર્સીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ જર્સી પર કૅપ્ટન શબ્દ પર ચોકડી મારીને લીડર લખવામાં આવ્યું છે.
નવા કૅપ્ટન શ્રેયસ ઐયરની આગેવાનીમાં ભારતીય T20 ટીમના સૌથી ખરાબ પ્રદર્શન સાથે આ જર્સીને જોડવામાં આવી રહી છે. કૅપ્ટન નહીં લીડર આવી જર્સી પહેરીને સૂર્યા ભારતીય ક્રિકેટ બોર્ડના સિલેક્ટર્સ અને મૅનેજમેન્ટને ટૉન્ટ મારી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. મેન્સ T20 વર્લ્ડ કપ 2026 જીત્યા બાદ સૂર્યા પાસેથી કૅપ્ટન્સી અને ટીમમાંથી સ્થાન પણ છીનવી લેવામાં આવ્યું હતું.
છત્તીસગઢના ૨૩ વર્ષના દોડવીર અનિમેષ કુજુરે ઇતિહાસ રચ્યો છે. જર્મનીમાં રમાયેલી ‘પુમા ફાસ્ટ આર્મ્સ ફાસ્ટ લેગ્સ’ ઇવેન્ટની ફાઇનલમાં ૧૦.૧૪ સેકન્ડમાં ૧૦૦ મીટરની રેસ પૂરી કરીને અનિમેષ કુજુર બીજા ક્રમે રહ્યો હતો. વિદેશી ધરતી પર સૌથી ઝડપી ૧૦૦ મીટર રેસ પૂરી કરનાર ભારતીય તરીકે અનિમેષ કુજુરે પોતાનું નામ સ્થાપિત કર્યું છે. ૧૦૦ મીટરની રેસમાં ભારતીય તરીકે આ બીજું બેસ્ટ પ્રદર્શન હતું, જે ફક્ત ગુરિન્દરવીર સિંહના ૧૦.૦૯ સેકન્ડના નૅશનલ રેકૉર્ડથી પાછળ છે.
બંગલાદેશ સામેની ત્રણ વન-ડે મૅચની સિરીઝ ૨-૧ની સ્કોરલાઇન સાથે યજમાન ઝિમ્બાબ્વેને નામે થઈ છે. ત્રીજી મૅચ ૭ વિકેટે જીતીને બંગલાદેશે ક્લીન સ્વીપ રોકી હતી. ઝિમ્બાબ્વેએ ૪૮.૧ ઓવરમાં ઑલઆઉટ થઈને ૧૯૯ રન કર્યા હતા. જવાબમાં બંગલાદેશ ૩૬ ઓવરમાં ત્રણ વિકેટના નુકસાન સાથે ૨૦૦ રન કરીને જીત્યું હતું.
સાઉથ આફ્રિકાના મિડફીલ્ડર જેડેન ઍડમ્સે ગઈ કાલે પચીસ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. કેપટાઉનમાં જેડેન ઍડમ્સ તેના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે તપાસ શરૂ કરી છે અને મૃત્યુનું કારણ હજી જાહેર કરવામાં આવ્યું નથી. કેટલાક અહેવાલોમાં આત્મહત્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેડેન ઍડમ્સ ફુટબૉલ વર્લ્ડ કપની ત્રણેય ગ્રુપ-સ્ટેજ મૅચમાં સાઉથ આફ્રિકા માટે રમ્યો હતો. મેક્સિકો અને ચેક રિપબ્લિક સામેની મૅચમાં તે શરૂઆતથી રમ્યો હતો જ્યારે સાઉથ આફ્રિકા સામેની મૅચમાં તે સબસ્ટિટ્યુટ ખેલાડી તરીકે રમ્યો હતો.