Sports in shorts : T20 એશિયા કપ માટે પાવર-હિટિંગ કોચ જુલિયન વુડની નિમણૂક કરી બંગલાદેશે

28 July, 2025 11:39 AM IST  |  Dhaka | Gujarati Mid-day Correspondent

પહેલાં ઇંગ્લૅન્ડની લિમિટેડ ઓવર્સની ટીમ સહિત બંગલાદેશ પ્રીમિયર લીગ અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પણ ટીમ સાથે કામ કરી ચૂક્યો છે.

જુલિયન વુડ

T20 એશિયા કપ 2025 માટે બંગલાદેશ ક્રિકેટ બોર્ડે વિશ્વવિખ્યાત પાવર-હિટિંગ કોચ જુલિયન વુડની નિમણૂક કરી છે. ઇંગ્લૅન્ડનો આ ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર ૬ ઑગસ્ટથી ઢાકામાં આયોજિત એશિયા કપ માટેના કૅમ્પમાં જોડાશે. તે ત્રણ અઠવાડિયાં સુધી બંગલાદેશી પ્લેયર્સની શૉટની રેન્જ સુધારવામાં મદદ કરશે. તે આ પહેલાં ઇંગ્લૅન્ડની લિમિટેડ ઓવર્સની ટીમ સહિત બંગલાદેશ પ્રીમિયર લીગ અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પણ ટીમ સાથે કામ કરી ચૂક્યો છે. અહેવાલ અનુસાર બંગલાદેશ ક્રિકેટ બોર્ડ ક્રિકેટર્સના માનસિક પાસાને ઉકેલવા માટે સાઇકોલૉજિસ્ટને પણ લાવવાની તૈયારી કરી રહ્યા છે. 

 ખુરસી માટે લડો નહીં, પોતાની ખુરસી જાતે બનાવો

ભારતીય ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ગઈ કાલે એક રસપ્રદ ફોટો શૅર કર્યો હતો જેમાં તે જિમમાં વર્કઆઉટ દરમ્યાન દીવાલનો ટેકો લઈને ખુરસી પર બેઠો હોય એ રીતે શરીરને બૅલૅન્સ કરી રહ્યો હતો. તેણે આ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું, ‘ખુરસી માટે ક્યારે પણ લડો નહીં, પોતાની ખુરસી જાતે બનાવો.’

ભારતની બૅડ્મિન્ટન સ્ટાર પી. વી. સિંધુએ ટ્રેડિશનલ લુકમાં બોનાલુ પરંપરાની વિધિ કરી

હૈદરાબાદમાં ભારતની બૅડ્‌મિન્ટન સ્ટાર પી. વી. સિંધુ હાલમાં ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી. તે તેલંગણના પારંપરિક તહેવાર બોનાલુની વિધિ કરતી જોવા મળી હતી જેમાં તે ચોખા, દૂધ, ગોળ અને દહીંથી બનેલો પ્રસાદ (બોનમ) પિત્તળ અથવા માટીના વાસણમાં લઈને શ્રી સિંહવાહિની મહાકાલી મંદિર પહોંચી હતી. આ અવસરે તેના પરિવારના સભ્યો પણ હાજર રહ્યા હતા. ખાસ કરીને નવપરિણીત મહિલાઓ આશીર્વાદ, સુરક્ષા અને શક્તિ માટે આ વિધિમાં ભાગ લે છે.

bangladesh t20 asia cup 2025 cricket news t20 asia cup dhaka sports news sports