ઑસ્ટ્રેલિયા સામે પાકિસ્તાનની સૌથી મોટી જીત

27 October, 2014 06:05 AM IST  | 

ઑસ્ટ્રેલિયા સામે પાકિસ્તાનની સૌથી મોટી જીત




ડાબોડી સ્પિનર ઝુલ્ફિકાર બાબરની ૭૪ રનમાં પાંચ વિકેટ અને પોતાની પ્રથમ મૅચ રમી રહેલા લેગ સ્પિનર યાસીર શાહે ૫૦ રનમાં લીધેલી ૪ વિકેટને લીધે પાકિસ્તાને દુબઈમાં રમાતી ટેસ્ટ-મૅચના પાંચમા દિવસે ઑસ્ટ્રેલિયાને ૨૨૧ રનથી હરાવીને બે મૅચની સિરીઝમાં ૧-૦થી લીડ મેળવી લીધી છે. ઑસ્ટ્રેલિયાની ટીમ ૪૩૮ રનના લક્ષ્યાંક સામે બીજી ઇનિંગ્સમાં માત્ર ૨૧૬ રને ઑલઆઉટ થઈ ગઈ હતી. મિચેલ જૉન્સન ૬૧ રન તથા સ્ટીવન સ્મિથે ૫૫ રન કરીને થોડો પ્રતિકાર આપી પાકિસ્તાનને જીત માટે રાહ જોવડાવી હતી. ડાબોડી સ્પિનર ઝુલ્ફિકાર બાબરે કરીઅરનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. બીજી ટેસ્ટ-મૅચ ૩૦ ઑક્ટોબરથી અબુ ધાબીમાં રમાશે.

એક સમયે ઑસ્ટ્રેલિયાનો સ્કોર ૧૧૭ રને સાત વિકેટનો હતો, પરંતુ આઠમી વિકેટ માટે ૬૫ રનની પાર્ટનરશિપ સ્મિથ તથા જૉન્સને કરી હતી. જોકે ઝુલ્ફિકાર બાબરની બોલિંગમાં સ્મિથને બે જીવતદાન મળ્યાં હતાં. સ્મિથ અને જૉન્સનની વિકેટ યાસીર શાહે લીધી હતી, તો સિડલને આઉટ કરી ઝુલ્ફિકાર બાબરે પાકિસ્તાનની જીત નિશ્ચિત કરી દીધી હતી.

ઑસ્ટ્રેલિયાએ દિવસની શરૂઆત ચાર વિકેટે ૫૯ રનથી કરી હતી. ક્રિસ રૉજર્સ અને સ્મિથે પ્રથમ કલાકમાં ૩૨ રન કર્યા હતા, પરંતુ ફાસ્ટ બોલર ઇમરાન ખાને રૉજર્સને આઉટ કરીને તેમની ભાગીદારી તોડી નાખી હતી. સમગ્ર મૅચમાં પાકિસ્તાનનો દબદબો રહ્યો હતો. પ્રથમ ઇનિંગ્સમાં ૪૫૪ રન કર્યા બાદ ઑસ્ટ્રેલિયાને ૩૦૩ રનમાં ઑલઆઉટ કરી દીધી હતી અને ત્યાર બાદ સેકન્ડ ઇનિંગ્સમાં પાકિસ્તાને ૨૮૬ રન બનાવીને દાવ ડિક્લેર કર્યો હતો. બન્ને ઇનિંગ્સમાં શાનદાર સેન્ચુરી ફટકારનાર પાકિસ્તાનના બૅટ્સમૅન યુનુસ ખાનને મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો.

ચમકારા...

પહેલી જ ટેસ્ટ-મૅચમાં ઑસ્ટ્રેલિયાની ૬ વિકેટ લેનાર યાસીર શાહ પહેલો પાકિસ્તાની બોલર બન્યો હતો.

એક જ ઇનિંગ્સમાં ઑસ્ટ્રેલિયા સામે કોઈ બૅટ્સમૅને બે સદી ફટકારી હોય એવું યુનુસ ખાન પહેલાં ૪૦ વર્ષ પૂર્વે ૧૯૭૪માં બન્યું હતું.

પાકિસ્તાન ૧૯૯૪ બાદ ઑસ્ટ્રેલિયા સામે કદી ટેસ્ટ-સિરીઝ જીત્યું નથી. ૨૦ વર્ષમાં પાકિસ્તાન માત્ર ૩ ટેસ્ટ-મૅચ જીતી શક્યું છે.

રનના આધારે પાકિસ્તાનની ઑસ્ટ્રેલિયા સામેની આ સૌથી મોટી જીત હતી.