કરચોરીના મામલે મેસીની ૨૧ મહિનાની જેલની સજા સુપ્રીમ કોર્ટે પણ માન્ય રાખી

25 May, 2017 07:44 AM IST  | 

કરચોરીના મામલે મેસીની ૨૧ મહિનાની જેલની સજા સુપ્રીમ કોર્ટે પણ માન્ય રાખી

બાર્સેલોનાના ફુટબોલ સ્ટાર લિયોનેલ મેસી અને તેના પપ્પાને કરચોરીના કેસમાં ફરમાવવામાં આવેલી ૨૧ મહિનાના કારાવાસ અને ૨૦.૯ લાખ યુરો એટલે કે આશરે ૧૪.૪૫ કરોડ રૂપિયાના દંડની સજાને સ્પેનની સુપ્રીમ કોર્ટે ગઈ કાલે માન્ય રાખી હતી. જોકે લિયોનેલ મેસીએ કરચોરીનાં નાણાં સત્તાવાળાઓને ચૂકવી આપતાં તેના પપ્પાની સજામાં સુપ્રીમ કોર્ટે ૧૫ મહિનાનો ઘટાડો કર્યો હતો. નીચલી કોર્ટે કરેલી સજા સામે લિયોનેલ મેસીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. ૨૦૦૭થી ૨૦૦૯ દરમ્યાન લિયોનેલ મેસીના ઇમેજ રાઇટ્સમાંથી થયેલી આવકપેટે કર ચૂકવવાનું ટાળવા માટે બેલિઝે, બ્રિટન, સ્વિટ્ઝરલૅન્ડ અને ઉરુગ્વેમાંની કંપનીઓનો ઉપયોગ કરવા બદલ લિયોનેલ મેસી અને તેના પપ્પાને ૨૦૧૬ના જુલાઈમાં દોષી ઠરાવવામાં આવ્યા હતા.

સુપ્રીમ કોર્ટના આદેશ છતાં મેસી કે તેના પપ્પાએ જેલમાં નહીં જવું પડે, કેમ કે સ્પેનના કાયદા પ્રમાણે બે વર્ષ કરતાં ઓછી સજા ગુનેગાર જેલની બહાર રહીને પ્રોબેશનમાં કાપી શકે છે. સજા પ્રમાણેના પ્રોબેશન પિરિયડ દરમ્યાન સત્તાવાળાઓ બન્નેની વર્તણૂક પર નજર રાખશે અને જો ફરી સપડાયા તો જેલભેગા થવું પડશે.