12 August, 2026 06:33 PM IST | Dubai | Gujarati Mid-day Correspondent
ડેવિડ મિલર અને હેનરિક ક્લાસેન
સાઉથ આફ્રિકાના કેટલાક ટૉચના ખેલાડીઓએ યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ની T20 લીગમાં એન્ટ્રી કરી છે. આગામી સીઝન માટે ઇન્ટરનૅશનલ લીગ T20 (ILT20) અને સાઉથ આફ્રિકાની SA20ની વિન્ડો વચ્ચે ટક્કર ટાળી દેવામાં આવી હોવાથી આ ઘટના બની છે. ૨૦૨૩થી બન્ને લીગ એકબીજા સાથે ઓવરલૅપ થઈ રહી હતી.
ILT20ની આગામી સીઝન બાવીસ નવેમ્બરથી ૨૦ ડિસેમ્બર વચ્ચે રમાશે જ્યારે SA20 આવતા વર્ષે ૧૭ જાન્યુઆરીથી ૨૧ ફેબ્રુઆરી સુધી રમાશે. ILT20ની પાંચમી સીઝનમાં સાઉથ આફ્રિકાનો ડેવિડ મિલર અને હેન્રિક ક્લાસેન પહેલી વખત રમતા જોવા મળશે.
મિલર અને ક્લાસેને ગલ્ફ જાયન્ટ્સ સાથે કરાર કર્યો છે. ન્યુ ઝીલૅન્ડનો ફિન ઍલન પણ અબુ ધાબી નાઇટ રાઇડર્સ તરફથી પહેલી વખત આ લીગમાં રમશે. ઑસ્ટ્રેલિયન માર્કસ સ્ટૉઇનિસ દુબઈ કૅપિટલ્સ માટે રમશે અને ત્રણ વર્ષ બાદ આ લીગમાં ફરી રમશે.
MI એમિરેટ્સે પ્રી-ઑક્શન સાઇનિંગમાં નિકોલસ પૂરન, રાશિદ ખાન, રોમારિયો શેફર્ડ અને શેરફેન રધરફોર્ડને ટીમમાં સામેલ કર્યા છે.