ઑસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ ડ્રૉ કરાવવામાં સાઉથ આફ્રિકા સફળ

14 November, 2012 05:17 AM IST  | 

ઑસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ ડ્રૉ કરાવવામાં સાઉથ આફ્રિકા સફળ



બ્રિસ્બેન: ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટમૅચ ગઈ કાલે ડ્રૉ થઈ હતી ત્યાર પછી સાઉથ આફ્રિકાના કોચ ગૅરી કસ્ર્ટન અને પ્લેયરોએ વેકેશન માટેનો પ્લાન બનાવ્યો હતો. હવે બીજી ટેસ્ટમૅચ બાવીસમી નવેમ્બરે એટલે ૮ દિવસ પછી ઍડીલેડમાં રમાશે એટલે તેમણે આજથી લઈને ચાર દિવસ સુધીનું વેકેશન મનાવવાનું નક્કી કર્યું હતું.

કસ્ર્ટન આજે કેપ ટાઉન પહોંચી જશે જ્યાં ત્રણ દિવસ પોતાના ઘરે પત્ની અને ત્રણ સંતાનો સાથે રહેશે અને પછી ઍડીલેડના પ્રવાસ માટે રવાના થશે. સાઉથ આફ્રિકન ટીમના પ્લેયરો અલગ ગ્રુપ બનાવીને ઑસ્ટ્રેલિયામાં ફરવાના સ્થળોની મુલાકાત લેશે.

ક્લાર્ક અણનમ ૨૫૯, હસીની પણ સદી


ઑસ્ટ્રેલિયાએ ગઈ કાલે પ્રથમ દાવ ૫૬૫ રનના ટોટલ પર ડિક્લેર કયોર્ હતો. માઇકલ ક્લાર્ક ઍન્ડ કંપનીએ ૧૧૫ રનની લીડ મેળવી હતી. સાઉથ આફ્રિકા સેકન્ડ ઇનિંગ્સમાં ૧૬૬ રનમાં પાંચ વિકેટ ગુમાવી બેસતાં મુસીબતમાં હતું, પરંતુ છેલ્લે ૧૧ ઓવર બાકી હતી ત્યારે બન્ને કૅપ્ટનો મૅચને ડ્રૉ કરાવવા સહમત થયા હતા. પ્રથમ દાવનો સેન્ચુરિયન હાશિમ અમલા ૩૮ રન બનાવીને અને જૅક કૅલિસ ૪૯ રન બનાવીને આઉટ થયો હતો. એ. બી. ડિવિલિયર્સ (૨૯) અને વનોર્ન ફિલૅન્ડર (૧) નૉટઆઉટ રહ્યા હતા. પેસબોલર જેમ્સ પૅટિન્સનને અને સ્પિનર નૅથન લાયને બે-બે વિકેટ લીધી હતી. એક સફળતા પીટર સીડલને મળી હતી.

એ પહેલાં ક્લાર્ક ગઈ કાલે ફસ્ર્ટ ઇનિંગ્સમાં ૨૫૯ રને નૉટઆઉટ રહ્યો હતો. તેની સાથે મૅથ્યુ વેડ ૧૯ રને અણનમ રહ્યો હતો. જોકે વેડની પહેલાં માઇક હસી (૧૦૦ રન, ૧૨૯ બૉલ, ૧૩ ફોર) ૧૭મી સદી ફટકારીને આઉટ થયો હતો. આઠ બોલરોમાંથી માત્ર મૉર્ની મૉર્કલ (૩ વિકેટ) અને ડેલ સ્ટેન (૧ વિકેટ) સફળ રહ્યા હતા.

ક્લાર્ક મૅન ઑફ ધ મૅચ


માઇકલ ક્લાર્કને ડબલ સેન્ચુરી બદલ મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.