24 September, 2025 11:29 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
સૌરવ ગાંગુલી
ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલી ક્રિકેટ અસોસિએશન ઑફ બેન્ગૉલ (CAB)ની ૯૪મી વાર્ષિક સામાન્ય સભામાં પ્રેસિડન્ટ પદ પર બિનહરીફ ચૂંટાયો છે. અગાઉ ૨૦૧૫થી ૨૦૧૯ સુધી CABના પ્રમુખ તરીકે સેવા આપનાર ગાંગુલીએ છ વર્ષ બાદ ફરી આ પદ પર વાપસી કરી છે. તે પોતાના મોટા ભાઈ સ્નેહાશિષ ગાંગુલીનું સ્થાન લેશે જેણે છ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા પછી પદ છોડ્યું છે.
અગાઉ ૨૦૧૯થી ૨૦૨૨ સુધી ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના પ્રમુખ રહેલા સૌરવ ગાંગુલીએ કલકત્તાના ઈડન ગાર્ડન્સની ક્ષમતા એક લાખ સુધી વધારવા અને આગામી વર્ષના મેન્સ T20 વર્લ્ડ કપ સહિતની મોટી મૅચોનું આયોજન કરવાને ટોચની પ્રાથમિકતા ગણાવી હતી. તેનો સૌથી મોટો પડકાર ૧૪થી ૧૮ નવેમ્બર દરમ્યાન ઈડન ગાર્ડન્સ પર ભારત અને સાઉથ આફ્રિકાની ટેસ્ટ-મૅચનું સફળ આયોજન કરાવવાનું રહેશે.