09 April, 2026 03:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૌરવ ગાંગુલી
ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીએ સિલેક્ટરોને મોહમ્મદ શમીને ફરી ટીમ ઇન્ડિયામાં સામેલ કરવાની વિનંતી કરી છે. બંગાળમાં એક T20 લીગની ત્રીજી સીઝનના લૉન્ચ દરમ્યાન ગાંગુલીએ તેનો મત વ્યક્ત કર્યો હતો. ૨૦૨૩ના વન-ડે વર્લ્ડ કપ બાદ સિલેક્ટરો શમીની સતત અવગણના કરી રહ્યા છે અને તે ડોમેસ્ટિક ક્રિકેટ બાદ હવે IPLમાં પણ તેનામાં હજી દમ છે એવું સિદ્ધ કરી રહ્યો છે. IPLની આ સીઝનમાં અત્યાર સુધી બે મૅચમાં તેણે ૩ વિકેટ લીધી છે, પણ છેલ્લી મૅચમાં હૈદરાબાદ સામે ૪ ઓવરમાં માત્ર ૯ રન આપીને બન્ને ઓપનરો અભિષેક શર્મા અને ટ્રૅવિસ હેડની વિકેટ લઈને બધાને ખૂબ પ્રભાવિત કર્યા હતા. તે મૅન ઑફ ધ મૅચ પણ બન્યો હતો. શમીના આ ફૉર્મને લીધે ગાંગુલીને લાગે છે કે ભારતીય ટીમમાં નવા બૉલ સાથે જો એક તરફ બુમરાહ અને બીજી તરફ શમી રમશે તો ભલભલા હરીફોને ટકવું મુશ્કેલ થઈ જશે.
સૌરવ ગાંગુલીએ વધુમાં કહ્યું હતું કે ‘શમીએ બંગાળની ટીમ વતી રણજી ટ્રોફીમાં ખૂબ જ સારું પર્ફોર્મ કર્યું હતું. મને સેમી-ફાઇનલની મૅચ આજે પણ યાદ છે. અમે ભલે એ મૅચ હારી ગયા હતા, પણ શમીએ ૮ વિકેટ સાથે શાનદાર બોલિંગ કરી હતી. અમને સેમી-ફાઇનલ સુધી પહોંચાડવામાં શમીનો મહત્ત્વનો રોલ હતો. મને લાગે છે કે ભારતીય ટીમમાં તેનો ફરી સમાવેશ કરવો જોઈએ.’