રિષભ પંત વર્લ્ડ કપમાં ચોથા સ્થાને પર્ફેક્ટ : રિકી પૉન્ટિંગ

20 March, 2019 10:44 AM IST  | 

રિષભ પંત વર્લ્ડ કપમાં ચોથા સ્થાને પર્ફેક્ટ : રિકી પૉન્ટિંગ

રિકી પૉન્ટિંગ

 ૨૦૦૩ અને ૨૦૦૭માં ઑસ્ટ્રલિયાને વર્લ્ડ કપ જિતાડનાર રિકી પૉન્ટિંગે કહ્યું હતું કે ‘૨૧ વર્ષનો રિષભ પંત ભારતની બૅટિંગ લાઇન-અપમાં ચોથા સ્થાને શ્રેષ્ઠ છે અને તે ટીમનો મૅચ-વિનર બનવા સક્ષમ છે.’

ભારતને ૨૦૦૩ના વર્લ્ડ કપમાં ફાઇનલ સુધી પહોંચાડનાર સૌરવ ગાંગુલીએ પંતને ભવિષ્યની મોટી આશા ગણાવી હતી. ગાંગુલીએ કહ્યું હતું કે ‘ઇંગ્લૅન્ડમાં રમાનારા આગામી ૧૨મા વર્લ્ડ કપને બે મહિના બાકી છે ત્યારે ભારતની બૅટિંગ લાઇન-અપમાં ચોથા સ્થાને કોણ રમશે એ હજી નક્કી નથી થઈ શક્યું એટલે IPLના પર્ફોર્મન્સને આધારે ચોથા સ્થાનનો ખેલાડી સિલેક્ટ કરવો જોઈએ.’

જોકે પૉન્ટિંગને ચોથા સ્થાને પંતને સિલેક્ટ ન કરવાનું કોઈ કારણ દેખાતું નથી. પૉન્ટિંગે કહ્યું હતું કે ‘સૌથી પહેલાં તો હું પંતને ભારતની વર્લ્ડ કપ ટીમમાં સિલેક્ટ કરીશ અને બૅટ્સમૅન તરીકે ચોથા ક્રમે તેને રમાડીશ. તેનામાં ભારતને વર્લ્ડ કપ જિતાડી આપવાની પૂરી ક્ષમતા છે.’

પંતની ટેસ્ટ-કરીઅરની શરૂઆત ધમાકેદાર રહી છે. તે ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયામાં સેન્ચુરી ફટકારનાર પહેલો વિકેટકીપર-બૅટ્સમૅન બન્યો હતો. તેણે સિડની ટેસ્ટમાં ૧૮૯ બૉલમાં નૉટઆઉટ ૧૫૯ રન ફટકાર્યા હતા.

સૌરવ ગાંગુલીએ દિલ્હી કૅપિટલ્સની ટીમ-મીટિંગમાં કહ્યું હતું કે ‘જો પંતને ચોથા ક્રમે મોકલવામાં આવે તો તે જરૂર સફળ થશે, કારણ કે તેની પાસે જબરદસ્ત ટૅલન્ટ છે અને ચોથા ક્રમે રમવાને કારણે તેની પાસે રન બનાવવાની વધારે તક રહેશે. તે ગયા વર્ષે IPLમાં ૧૪ મૅચમાં રમ્યો હતો અને સેકન્ડ હાઇએસ્ટ રન-સ્કોરર હતો. ટૂંકા ફૉર્મેટમાં તેની સાથે સમસ્યા એ છે કે ચૅમ્પિયન મહેન્દ્ર સિંહ ધોની લગભગ બધી મૅચો રમે છે અને તે ટીમમાં આવ-જા કરે છે. તે ટેસ્ટમાં એટલા માટે સફળ થઈ રહ્યો છે, કારણ કે તે સતત સારું રમી રહ્યો છે. વર્લ્ડ કપની પ્લેઇંગ ઇલેવન નક્કી થઈ ગઈ છે, હવે ફક્ત એક સ્થાન માટે ફેરફાર થઈ શકે છે. જ્યારે હાર્દિક ટીમમાં કમબૅક કરશે ત્યારે બૅટિંગ વધુ સ્ટ્રૉન્ગ બનશે અને બોલિંગમાં વિકલ્પ વધશે.’

આ પણ વાંચો : કોહલી કૅપ્ટન તરીકે રોહિત કે ધોની જેટલો હોશિયાર નથી : ગૌતમ ગંભીર

IPL વખતે ભારતના સિલેક્ટરો ટ્રાવેલ નહીં કરે, પણ તેમની નજર વર્લ્ડ કપ ટીમના ખેલાડીઓના પર્ફોર્મન્સ પર હશે. ચોથા ક્રમ માટે પંત-અંબાતી રાયુડુ-વિજય શંકર વચ્ચે હરીફાઈ છે. બીજા વિકેટકીપર માટે પંત-દિનેશ કાર્તિક, ત્રીજા સ્પેશ્યલિસ્ટ સ્પિનર અથવા ચોથા પેસ બોલર માટે રવીન્દ્ર જાડેજા-ઉમેશ યાદવ-સિધ્ધાર્થ કૌલ વચ્ચે હરીફાઈ છે.

ricky ponting sourav ganguly cricket news world cup sports news