હવે કાંદા, ટમેટાં ને ખાંડના ભાવ જાણતો થઈ ગયો છું : રાહુલ દ્રવિડ

11 November, 2012 05:27 AM IST  | 

હવે કાંદા, ટમેટાં ને ખાંડના ભાવ જાણતો થઈ ગયો છું : રાહુલ દ્રવિડ



ભુવનેશ્વર : રાહુલ દ્રવિડ વિના ગુરુવારે અમદાવાદમાં શરૂ થનારી ટેસ્ટસિરીઝમાં ઇંગ્લૅન્ડનો પડકાર ઝીલવા માટે ગઈ કાલે એક તરફ ભારતીય ક્રિકેટરો મુંબઈમાં પ્રૅક્ટિસ કરવામાં બિઝી હતા ત્યાં બીજી બાજુ ભુવનેશ્વરમાં ‘ધ વૉલ’ તરીકે જગવિખ્યાત ખુદ આ પ્લેયર પત્રકારો સાથે પોતાની કેટલીક અંગત વાતો કરવામાં વ્યસ્ત હતો.

આ વર્ષે જાન્યુઆરીમાં રિટાયર થયેલા દ્રવિડે ભુવનેશ્વરના એક સમારંભમાં જર્નલિસ્ટોને કહ્યું હતું કે ‘હાશ! હવે મારે બધો સમય ક્રિકેટ વિશે વિચારવામાં કે ક્રિકેટના પડકારોનો સામનો કરવા શું કરવું એની યોજના ઘડવા માટે નથી આપવો પડતો. થોડા મહિનાઓથી હું મોટા ભાગનો સમય મારા પરિવારને આપું છું. કાંદા, ટમેટાં અને ખાંડના શું ભાવ છે એ હું હવે જાણવા લાગ્યો છું. કમસે કમ અઠવાડિયામાં એક વાર રોજબરોજની આવી બધી ચીજોનો ભાવ જાણી જ લઉં છું.’

બન્ને પુત્રો ગેઇલના ફૅન

દ્રવિડ જાન્યુઆરીમાં ૪૦ વર્ષ પૂરા કરશે. તેનો મોટો પુત્ર સમિત સાત વર્ષનો અને નાનો દીકરો અન્વય ત્રણ વર્ષનો છે. દ્રવિડ દરરોજ બન્ને સાથે ક્રિકેટ રમે છે. દ્રવિડે ક્રિકેટની કરીઅર દરમ્યાન ઘણા વિવેચકોનો સામનો કર્યો હતો, પરંતુ હવે તેણે પોતાના પુત્રો દ્વારા થતી ટીકા ઝીલવી પડી રહી છે. જોકે તેને આ બાળ-ટીકાકારોનાં તીરનાં નિશાન બનવું ખૂબ ગમી રહ્યું છે. દ્રવિડે ગઈ કાલે તેમની વાત કરતી વખતે વેસ્ટ ઇન્ડીઝના આક્રમક બૅટ્સમૅન ક્રિસ ગેઇલનો ઉલ્લેખ કર્યો હતો.

દ્રવિડે જર્નલિસ્ટોને ઇન્ટરેસ્ટિંગ વાત કરતા કહ્યું હતું કે ‘મારા બન્ને પુત્રો મને કહે છે કે પપ્પા, તમે બૅટિંગ કરતી વખતે તમારા જેવું ઓછું રમો. તમે બને એટલું ક્રિસ ગેઇલની જેમ રમો.’

દ્રવિડે આવું કહીને પત્રકારોને હસાવતાં કહ્યું હતું કે આપણા દેશમાં દરેક વ્યક્તિને ક્રિકેટ વિશેના ગુણદોષ કાઢતાં આવડતું હોય છે એવું વર્ષોથી કહેવાય છે એ ખોટું નથી.

પૅરન્ટ-ટીચર મીટિંગમાં પણ જાય છે

દ્રવિડનો મોટો પુત્ર સમિત સ્કૂલે જતો થઈ ગયો છે, પરંતુ નાનો દીકરો અન્વય હજી પ્લે-ગ્રુપમાં છે. જોકે દ્રવિડ બન્ને દીકરાની પૅરન્ટ-ટીચર મીટિંગમાં અચૂક હાજરી આપે છે અને તેમને સમયસર હોમવર્ક પણ કરાવે છે.