ગજબનો ગાઝી

21 November, 2012 06:27 AM IST  | 

ગજબનો ગાઝી



ખુલના (બંગલા દેશ): બંગલા દેશનું ખુલના શહેર આ દેશના ૨૧ વર્ષની ઉંમરના નવા ઑફ સ્પિનર સોહાગ ગાઝીનું જન્મસ્થળ છે અને આ જ સિટીમાં તેણે ફસ્ર્ટ-ક્લાસ ક્રિકેટની કરીઅર શરૂ કરી હતી. આજે આ શહેરના શેખ અબુ નાસર સ્ટેડિયમમાં વેસ્ટ ઇન્ડીઝ સામે બંગલા દેશની બીજી ટેસ્ટમૅચ શરૂ થઈ રહી છે અને એમાં ગાઝી ૧૭ નવેમ્બરે પૂરી થયેલી કરીઅરની પ્રથમ ટેસ્ટમૅચ જેવું જ પર્ફોમ કરશે એવી અપેક્ષા બંગલા દેશીઓએ રાખી છે.

બંગલા દેશ મીરપુરની ફસ્ર્ટ ટેસ્ટમૅચ હારી ગયું હતું, પરંતુ એમાં ગાઝીએ ૯ વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો. કૅરિબિયનોની પ્રથમ દાવમાં જે ચાર વિકેટ પડી હતી એમાંથી ત્રણ ગાઝીએ લીધી હતી. બીજા દાવમાં વેસ્ટ ઇન્ડિયનો દસમાંથી છ વિકેટ ગાઝીને આપી બેઠા હતા.

મીરપુરમાં ગાઝીએ ક્રિસ ગેઇલની સિક્સરથી કરીઅરનો પ્રારંભ કરવો પડ્યો હતો. કૅપ્ટન મુશફીકુર રહીમને સ્પિનર ગાઝી પર બેહદ વિશ્વાસ હતો એટલે તેણે સિરીઝની પ્રથમ ઓવર તેને આપી હતી. ગાઝીના પહેલા જ બૉલમાં ગેઇલે સિક્સર ફટકારી હતી. ચોથા બૉલમાં પણ આ કૅરિબિયન ઓપનરે છગ્ગો માર્યો હતો, પરંતુ તે ગાઝીને તેની ત્રીજી ઓવરમાં વિકેટ આપી બેઠો હતો.

ગાઝીએ ગેઇલ પછી સેન્ચુરિયન કાઇરન પોવેલ અને ડૅરેન બ્રાવોને પણ આઉટ કર્યા હતા અને પછી બીજા દાવમાં છ વિકેટ લીધી હતી. વેસ્ટ ઇન્ડીઝની છેલ્લી વિકેટ ઈજાગ્રસ્ત શિવનારાયણ ચંદરપૉલની હતી અને એ વિકેટ ગાઝીએ લીધી હતી.

ગાઝી સરકારી અધિકારીનો પુત્ર છે. ગાઝીએ ગઈ કાલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘નાનપણમાં હું પેસબોલિંગ જ કરતો હતો. જોકે મારી બહુ સ્પીડ નહોતી અને ઑફ સ્પિન સારા કરતો હતો એટલે મારા કોચની સલાહથી ઑફ સ્પિન બોલિંગ પર જ બધુ ધ્યાન આપ્યું હતું. હું વર્ષોથી માનું છું કે સ્પિનરે માત્ર બૉલ ટર્ન કરવા ધ્યાન ન આપવું જોઈએ, તેણે પોતાની એક અલગ ખાસિયત પણ વિકસાવવી જોઈએ.’

દેશના નાના શહેરનો પ્લેયર પણ આંતરરાષ્ટ્રીય ટીમ સુધી પહોંચી શકે છે એ વાત ભારત માટે અજાણી નથી, પરંતુ બંગલા દેશ માટે ગાઝીએ એ સાબિત કરી આપ્યું છે.