સ્મિથ કમબૅકમાં કમનસીબ, વૉટ્સન લકી અને મૅચવિનર

15 October, 2011 07:11 PM IST  | 

સ્મિથ કમબૅકમાં કમનસીબ, વૉટ્સન લકી અને મૅચવિનર

કાંગારૂઓએ ૧૯.૩ ઓવરમાં પાંચ વિકેટે ૧૪૭ રન કરીને સાઉથ આફ્રિકાના પ્રવાસની પહેલી જ મૅચ જીતી લીધી હતી. બાવન રન કરનાર શેન વૉટ્સનને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો.


સાઉથ આફ્રિકન ઓપનરનો પહેલાં ઝીરો અને પછી ખરાબ ફીલ્ડિંગ : ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડરે સ્મિથના હાથે જીવતદાન મળ્યા બાદ બનાવ્યા મૅચવિનિંગ બાવન રન

 

ઑસ્ટ્રેલિયાની માત્ર બીજી જીત

ઑસ્ટ્રેલિયા છેલ્લી નવ T20માંથી ગુરુવારે માત્ર બીજી મૅચ જીત્યું હતું. છેલ્લા છ બૉલમાં છ રન કરવાના બાકી હતા અને ઑસ્ટ્રેલિયાનો સ્કોર પાંચ વિકેટે ૧૪૧ રન હતો. રસ્ટી થેરૉનની એ છેલ્લી ઓવરના પ્રથમ બૉલમાં મૅથ્યુ વેડે એક રન લીધો હતો. બીજા બૉલમાં સ્ટીવન સ્મિથે ફોર ફટકારીને સ્કોરને સાઉથ આફ્રિકા જેટલા ૧૪૬ રને પહોંચાડ્યો હતો અને પછી સ્મિથે વિનિંગ સિંગલ પણ લઈ લીધો હતો.

ચારમાંથી ત્રણ ઓપનરો ફ્લૉપ

ગુરુવારની T20માં બન્ને ટીમના કુલ ચાર ઓપનિંગ બૅટ્સમેનોમાંથી ત્રણ (ગ્રેમ સ્મિથ, હાશિમ અમલા અને ડેવિડ વૉર્નર) ફ્લૉપ ગયા હતા, જ્યારે ચોથો ઓપનર (શેન વૉટ્સન) સુપરહિટ સાબિત થયો હતો. સાઉથ આફ્રિકાનો ગ્રેમ સ્મિથ ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ ગયો હતો અને હાશિમ અમલા પોતાની કૅપ્ટન્સીની આ પહેલી જ મૅચમાં ફક્ત ૪ રન કરી શક્યો હતો. રવિવારે પૂરી થયેલી ચૅમ્પિયન્સ લીગમાં હાઇએસ્ટ ૩૨૮ રન બનાવનાર ઑસ્ટ્રેલિયાનો ડેવિડ વૉર્નર પણ ગુરુવારે ખાતું ખોલાવતાં પહેલાં જ આઉટ થયો હતો. તેને મૉર્ની મૉર્કલે ડાયરેક્ટ થ્રોમાં રનઆઉટ કરી દીધો હતો.

શેન વૉટ્સને આફ્રિકન ઇનિંગ્સની ૨૦મી ઓવરમાં માત્ર ૮ રન આપ્યા હતા અને એક વિકેટ લીધી હતી. એ પહેલાંની ઓવરમાં તેણે ૬૭ રન બનાવનાર જીન-પૉલ ડુમિનીનો શાનદાર કૅચ પણ પકડ્યો હતો. ત્યાર પછી બૅટિંગમાં વૉટ્સન (બાવન રન, ૩૯ બૉલ, બે સિક્સર, છ ફોર) મૅચવિનર બન્યો હતો. તેની અને શૉન માર્શ (પચીસ રન, ૧૯ બૉલ, ૩ ફોર) વચ્ચેની બીજી વિકેટ માટેની ૮૨ રનની ભાગીદારી ઑસ્ટ્રેલિયાને જીતવામાં ખૂબ ઉપયોગી બની હતી.

વૉટ્સનનો બે રને કૅચ છૂટ્યો

વૉટ્સન માંડ બે રન પર હતો ત્યારે ફસ્ર્ટ સ્લિપમાં ગ્રેમ સ્મિથે તેનો કૅચ છોડ્યો હતો. વૉટ્સનને આ જીવતદાન મૉર્ની મૉર્કલના બૉલમાં મળ્યું હતું. ઑસ્ટ્રેલિયન બૅટ્સમેનોને આફ્રિકન ફીલ્ડરોને હાથે કુલ ત્રણ જીવતદાન મળ્યાં હતાં.

બોલિન્જરની પ્રથમ T20 ઇન્ટરનૅશનલ

આઇપીએલમાં સારું પફોર્ર્મ કરી ચૂકેલા ડગ બોલિન્જરને ફસ્ર્ટ ક્લાસ ક્રિકેટમાં છ વર્ષમાં બાવન T20 મૅચ રમ્યા પછી છેક ગુરુવારે પહેલી વાર ઇન્ટરનૅશનલ T20માં રમવા મળ્યું હતું.

ક્યુમિન્સની પહેલી મૅચમાં ત્રણ વિકેટ

ફાસ્ટ બોલર પૅટ ક્યુમિન્સે ગુરુવારે પહેલી જ આંતરરાષ્ટ્રીય મૅચમાં ૪ ઓવરમાં માત્ર ૨૫ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. આ ત્રણેય વિકેટ તેણે આફ્રિકન ઇનિંગ્સની ૧૯મી ઓવરમાં માત્ર ચાર બૉલમાં લીધી હતી. તે હૅટ-ટ્રિક પર હતો, પરંતુ યોહાન બોથાએ તેને સફળ નહોતો થવા દીધો.