શ્રીલંકન મહિલા ક્રિકેટરોનો આરોપ : ટીમમાં સ્થાન મેળવવાના બદલામાં સેક્સની ડિમાન્ડ કરાય છે

30 October, 2014 03:26 AM IST  | 

શ્રીલંકન મહિલા ક્રિકેટરોનો આરોપ : ટીમમાં સ્થાન મેળવવાના બદલામાં સેક્સની ડિમાન્ડ કરાય છે


શ્રીલંકાની મહિલા ક્રિકેટ ખેલાડીઓનો ફાઇલ ફોટો



બિપિન દાણી

શ્રીલંકાની મહિલા ક્રિકેટરોએ એવો આરોપ મૂક્યો છે કે તેમણે નૅશનલ ટીમમાં સ્થાન મેળવવા માટે સિલેક્ટરો સાથે શારીરિક સંબંધો બનાવવા જેવી માગણીનો સામનો કરવો પડતો હતો. કોલંબોના એક સ્થાનિક અખબારમાં પ્રગટ થયેલા અહેવાલ મુજબ કેટલીક મહિલા ખેલાડીઓ ટીમમાં સ્થાન મેળવવા સિલેક્ટરો તથા અન્ય સંબધિત અધિકારીઓ સાથે શારીરિક સંબંધો બાંધવાની તૈયારી બતાવતી હતી. આ વિવાદમાં હજી સુધી સત્તાવાર રીતે કોઈ ફરિયાદ મળી નથી, પરંતુ પેપરમાં પ્રગટ થયેલા અહેવાલમાં કેટલું સત્ય છે એ ચકાસવા માટે ટીમના કોચ, પસંદગી સમિતિના સભ્યો અને કેટલાક ખેલાડીઓને બોલાવવામાં આવ્યા છે.

સમગ્ર મામલાની ચકાસણી માટે પુરુષ ટીમના ચીફ સિલેક્ટર સનથ જયસૂર્યા, બોર્ડના સેક્રેટરી નિશાંત રણતુંગા તથા જૉઇન્ટ સેક્રેટરી હિરાંત પરેરાની સમિતિ બનાવવામાં આવી છે. શ્રીલંકાની મહિલા ટીમની પસંદગી સમિતિમાં ચાર ભૂતપૂર્વ પુરુષ ખેલાડીઓ અને એક ભૂતપૂર્વ મહિલા ખેલાડી છે. પુરુષ ખેલાડીઓને રમતનો અનુભવ વધુ હોવાથી પસંદગી સમિતિમાં તેમનો સમાવેશ કરવામાં આવતો હોય છે. મહિલા ટીમના કોચ તરીકે પુરુષ ખેલાડી જીવા કલતુંગા છે.