ન્યુ ઝીલૅન્ડ ગયેલી પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ૬ પ્લેયર્સ કોરોના-પૉઝિટિવ

27 November, 2020 02:50 PM IST  |  Christchurch | PTI

ન્યુ ઝીલૅન્ડ ગયેલી પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ૬ પ્લેયર્સ કોરોના-પૉઝિટિવ

પ્રતીકાત્મક તસવીર

ન્યુ ઝીલૅન્ડના પ્રવાસે પહોંચેલી પાકિસ્તાન ક્રિકેટ ટીમના ૬ પ્લેયર્સ કોરોના-પૉઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. પાકિસ્તાનની ક્રિકેટ ટીમના પ્લેયર્સ દ્વારા બાયો સિક્યૉર પ્રોટોકૉલનું ઉલ્લંઘન થયું હોવાને લીધે પ્લેયર્સ કોરોના-પૉઝિટિવ થયા હતા. પાકિસ્તાનની ક્રિકેટ ટીમની ટ્રેઇનિંગ પણ આ ઘટનાને લીધે અટકાવી દેવામાં આવી હતી. બાબર આઝમના નેતૃત્વમાં ૫૩ પાકિસ્તાની પ્લેયર્સની ટીમ મંગળવારે ન્યુ ઝીલૅન્ડ પહોંચી હતી જ્યાં તેઓ ૧૪ દિવસ માટે ફરજિયાત ક્વૉરન્ટીન પિરિયડમાં મુકાયા હતા.
ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટે જણાવ્યું કે ‘૬માંથી બે પ્લેયરોની કોરોના-હિસ્ટરી હતી જ્યારે ૪ નવા પ્લેયરને કોરોના થયો છે. આ પરિસ્થિતિને જોતાં જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી પાકિસ્તાન ક્રિકેટ ટીમની ટ્રેઇનિંગ અટકાવી દેવામાં આવી છે. જોકે અલગથી ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ બોર્ડને જાણવા મળ્યું છે કે પાકિસ્તાનની ટીમના કેટલાક પ્લેયર્સ દ્વારા આઇસોલેશનના પહેલા દિવસે પ્રોટોકૉલનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. અમે મહેમાન ટીમ સાથે ચર્ચા કરી રહ્યા છીએ અને તેમની જરૂરિયાતો પૂરી કરવામાં તેમની મદદ કરી રહ્યા છીએ.’
આ સાથે જાણવા મળ્યું છે કે પાકિસ્તાનની ક્રિકેટ ટીમને ફાઇનલ વૉર્નિંગ આપવામાં આવી છે. આ પહેલાં વર્ષની શરૂઆતમાં ન્યુ ઝીલૅન્ડ માટે રવાના થનારી પાકિસ્તાનની ટીમના લગભગ ૧૦ પ્લેયર કોરોના-પૉઝિટિવ હતા. આ વખતે લાહોરથી નીકળતાં પહેલાં પાકિસ્તાની ક્રિકેટ ટીમના પ્લેયર્સની ચાર વખત કોર-ના ટેસ્ટ કરવામાં આવી હતી જે નેગેટિવ હતી. બન્ને દેશો વચ્ચે ૧૮ ડિસેમ્બરથી ત્રણ ટી૨૦ અને બે ટેસ્ટ મૅચની સિરીઝ રમાવાની છે.

cricket news pakistan