શુભમન ગિલ બન્યો ભારતનો યંગેસ્ટ ફર્સ્ટ ક્લાસ ડબલ સેન્ચુરિયન

10 August, 2019 11:43 AM IST  |  ટ્રિનિદાદ

શુભમન ગિલ બન્યો ભારતનો યંગેસ્ટ ફર્સ્ટ ક્લાસ ડબલ સેન્ચુરિયન

શુભમન ગિલ

૧૯ વર્ષનો શુભમન ગિલ ઇન્ડિયા ‘એ’ વતી ૨૫૦ બૉલમાં નૉટઆઉટ ૨૦૪ રન ફટકારીને ભારતના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ઇતિહાસનો યંગેસ્ટ ડબલ સેન્ચુરિયન બન્યો છે. આ પહેલાં આ રેકૉર્ડ ગૌતમ ગંભીરના નામે હતો, જેણે ૨૦ વર્ષની ઉંમરે ૨૦૦૨માં બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવન વતી ઝિમ્બાબ્વે સામે રેકૉર્ડ બનાવ્યો હતો. ત્રીજી અનઑફિશ્યલ ટેસ્ટના ત્રીજા દિવસે તેની આ અફલાતૂન ઇનિંગે ઇન્ડિયા ‘એ’ને ડ્રાઇવિંગ સીટ પર પહોંચાડી દીધું હતું.

ત્રીજા દિવસે ભારતે ૩ વિકેટે ૨૩ રનથી આગળ રમવાનું શરૂ કરતાં ગિલે લંચ સુધીમાં સેન્ચુરી પૂરી કરી લીધી હતી. તેણે કૅપ્ટન હનુમા વિહારી સાથે ચોથી વિકેટની પાર્ટનરશિપમાં ૩૧૫ રન ઉમેર્યા હતા. ભારતે સેકન્ડ ઇનિંગ ૪ વિકેટે ૩૬૫ રને ડિક્લેર કરી હતી. ૩૭૩ના ટાર્ગેટ સામે ચોથા દિવસે ચાલુ રમતમાં વેસ્ટ ઇન્ડીઝે ત્રણ વિકેટે ૨૨૮ રન બનાવ્યા હતા. પહેલી ઇનિંગમાં પહેલા બૉલમાં આઉટ થયા પછી ગિલે સેકન્ડ ઇનિંગમાં ૮૨.૨૫ના સ્ટ્રાઇક-રેટથી ૧૯ ફોર અને બે સિક્સરની મદદથી ૨૦૪ રન ઝૂડી કાઢ્યા હતા. ભારતે સિરીઝમાં ૨-૦ની અજેય લીડ લઈ લીધી છે અને આજે જો ૧૦ વિકેટ લઈ લેશે તો ક્લીન-સ્વીપ થશે. ગિલ ભારતની ટીમમાં આવવાનો જોરદાર દાવેદાર છે. સપ્ટેમ્બરમાં ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં તેને મોકો મળે એવી શક્યતા છે.

sports news cricket news gautam gambhir