09 September, 2026 08:41 AM IST | Amritsar | Gujarati Mid-day Correspondent
શુભમન ગિલ
સોમવારે શેર-એ-પંજાબ T20 લીગમાં શુભમન ગિલની ટીમ ફાઝિલ્કા ફાલ્કન્સ અને અભિષેક શર્માની ટીમ અમૃતસર સૂરમાઝ વચ્ચે રસપ્રદ મૅચ રમાઈ હતી. ફાઝિલ્કા ફાલ્કન્સે ૧૯૧/૬નો સ્કોર કર્યો હતો અને જવાબમાં અમૃતસર સૂરમાઝે ૧૯.૩ ઓવરમાં ૧૯૫/૬નો સ્કોર કરીને ૪ વિકેટે જીત નોંધાવી હતી.
ઓપનર શુભમન ગિલે ૩૫ બૉલમાં ૮ ફોર અને ત્રણ સિક્સની મદદથી ૬૭ રન કર્યા હતા. શુભમન ગિલે પોતાના દોસ્તાર અભિષેક શર્મા સામે ૧૦ બૉલમાં ૧ ફોર અને બે સિક્સની મદદથી ૧૯ રન કર્યા હતા. અભિષેક શર્મા સામે દસમી ઓવર દરમ્યાન પહેલા પાંચ બૉલ પર ફટકાબાજી બાદ શુભમન ગિલ છેલ્લા બૉલે કૅચઆઉટ થયો હતો.
બીજી ઇનિગ્સમાં અભિષેક શર્માએ ઓપનિંગ દરમ્યાન ૧૫ બૉલમાં ૬ ફોર અને ૪ સિક્સની મદદથી ૪૯ રન ફટકાર્યા હતા. શુભમન ગિલે કૅચ પકડીને એક રનથી અભિષેક શર્માને ફિફ્ટી બનાવતાં રોક્યો હતો.
શુભમન ગિલે ગઈ કાલે ૮ સપ્ટેમ્બરે શેર-એ-પંજાબ T20 લીગમાં ફાઝિલ્કા ફાલ્કન્સ માટે રમતી વખતે પોતાની ૨૭મી વર્ષગાંઠ તેના પરિવાર સાથે ઊજવી હતી. ભારતની વન-ડે અને ટેસ્ટ-ટીમનો કૅપ્ટન શુભમન ગિલ આગામી ૨૭ સપ્ટેમ્બરથી વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં ભારત માટે રમતો જોવા મળશે.