16 April, 2025 10:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રેયસ ઐયર
ભારતની ચૅમ્પિયન્સ ટ્રોફી 2025ની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવનાર મુંબઈમાં જન્મેલા શ્રેયસ ઐયરને ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા માર્ચ મહિનાનો મેન્સ પ્લેયર ઑફ ધ મન્થ જાહેર કરવામાં આવ્યો છે. તેણે આ અવૉર્ડ જીતવાની રેસમાંથી ન્યુ ઝીલૅન્ડના ફાસ્ટ બોલર જેકબ ડફી અને કિવી બૅટર રચિન રવીન્દ્રને પાછળ છોડ્યા હતા. ૩૦ વર્ષના ભારતીય બૅટરે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારત માટે સૌથી વધુ ૨૪૩ રન ફટકાર્યા હતા.
ગયા વર્ષે BCCIના સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ લિસ્ટમાંથી બહાર થયા બાદ શ્રેયસ ઐયરે વારંવાર પોતાની જાતને સાબિત કરી છે. તેણે ફેબ્રુઆરી ૨૦૨૨ બાદ ICCનો આ અવૉર્ડ જીતીને અનોખો રેકૉર્ડ પણ પોતાને નામે કર્યો છે. તેણે ૧૧૨૭ દિવસ બાદ આ અવૉર્ડ જીત્યો છે. એક પ્લેયર દ્વારા બે ICC પ્લેયર ઑફ ધ મન્થ અવૉર્ડ જીતવા વચ્ચે આ સૌથી લાંબો તફાવત છે. ભારત માટે શુભમન ગિલે ત્રણ વાર અને જસપ્રીત બુમરાહે બે વાર આ મેન્સ પ્લેયર ઑફ ધ મન્થ અવૉર્ડ જીત્યો છે.