આયરલૅન્ડ સામે લાજ બચાવવા ભારત આજે જીત સાથે સિરીઝ ડ્રૉ કરવા ઊતરશે

28 June, 2026 02:38 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

જાન્યુઆરી ૨૦૨૪થી સતત ૧૨ T20 સિરીઝ જીતવાનો સિલસિલો આખરે અટક્યો, છેલ્લે ડિસેમ્બર ૨૦૨૩માં રમી હતી ડ્રૉ સિરીઝ, મૅચનો સમય સાંજે ૬.૦૦ વાગ્યાથી.

T20 સિરીઝની ટ્રોફી સાથે ભારતીય કૅપ્ટન શ્રેયસ ઐયર અને આયરલૅન્ડનો કૅપ્ટન લૉર્કન ટકર.

આજે બેલફાસ્ટમાં શ્રેયસ ઐયરની આગેવાનીમાં ભારતીય ટીમ આયરલૅન્ડ સામે બીજી T20 મૅચ રમવા ઊતરશે. ભારત સામેની પહેલવહેલી ઇન્ટરનૅશનલ જીત મેળવીને યજમાન આયરલૅન્ડ આ બે મૅચની સિરીઝમાં ૧-૦થી આગળ છે. ભારત આજે બીજી મૅચ જીતીને સિરીઝને ૧-૧થી ડ્રૉ કરવાના ટાર્ગેટ સાથે મેદાન પર ઊતરશે. ભારતીય ટીમે છેલ્લે ડિસેમ્બર ૨૦૨૩માં સાઉથ આફ્રિકા સામે ત્રણ મૅચની સિરીઝમાં ૧-૧થી ડ્રૉનો સામનો કર્યો હતો. જાન્યુઆરી ૨૦૨૪થી રમાયેલા બે T20 વર્લ્ડ કપ અને એક એશિયા કપ ટુર્નામેન્ટ સહિત ભારતે સતત ૧૨ T20 સિરીઝ જીતી હતી. આયરલૅન્ડ સામેની આજની સિરીઝ ડ્રૉ અથવા હારને કારણે ભારતનો સતત ૧૨ T20 સિરીઝથી જીતવાનો સિલસિલો અટકશે. ભારતને ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ઓછામાં ઓછું એક વખત હરાવનાર આયરલૅન્ડ ૧૧મી ટીમ બની છે. આયરલૅન્ડ ફુલ મેમ્બર ટીમોમાંથી માત્ર હવે ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડ અને શ્રીલંકા સામે જીત નોંધાવી શક્યું નથી. અન્ય આઠ ફુલ મેમ્બર ટીમો સામે આયરલૅન્ડ ઓછામાં ઓછી એક જીત મેળવી ચૂક્યું છે. 

વર્લ્ડ કપ જીત્યા બાદ સતત ત્રીજી વખત વર્લ્ડ કપ ચૅમ્પિયનને પહેલી મૅચમાં મળી હાર

મેન્સ T20 વર્લ્ડ કપ ટાઇટલ જીત્યા બાદ સતત ત્રીજી વખત વર્લ્ડ ચૅમ્પિયન ટીમ પોતાની પહેલી T20 મૅચમાં હારી છે. ૨૦૨૩નો વર્લ્ડ કપ જીત્યો બાદ ઇંગ્લૅન્ડને બંગલાદેશ સામેની પહેલી T20 મૅચમાં ૬ વિકેટે હાર મળી હતી. બંગલાદેશે ૧૮ ઓવરમાં ૪ વિકેટે ૧૫૮ રન કરીને અંગ્રેજ ટીમનો ૧૫૭ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. મેન્સ T20 વર્લ્ડ કપ 2024માં રોહિત શર્માએ વર્લ્ડ કપ જીત્યો ત્યાર બાદ ભારતે શુભમન ગિલની આગેવાનીમાં ઝિમ્બાબ્વે સામેની મૅચમાં ૧૩ રને હારનો સામનો કર્યો હતો. ઝિમ્બાબ્વેના ૧૧૬ રનના ટાર્ગેટ સામે ભારત ૧૯.૫ ઓવરમાં ૧૦૨ રન જ કરી શક્યું હતું. હવે સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ૨૦૨૬નો વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતને શ્રેયસ ઐયરની કૅપ્ટન્સીમાં પહેલી મૅચમાં હાર મળી છે. 

indian cricket team ireland sports news sports cricket news t20 international shreyas iyer