ભારતને ચાંદી સાથે વિજયને ચાંદી જ ચાંદી

04 August, 2012 07:37 AM IST  | 

ભારતને ચાંદી સાથે વિજયને ચાંદી જ ચાંદી

 

 

ગગનના બ્રૉન્ઝ પછી લશ્કરનો ૨૬ વર્ષનો શાર્પ શૂટર તીવ્ર હરીફાઈ વચ્ચે જીતી ગયો સિલ્વર મેડલ


લંડન ઑલિમ્પિક્સમાં ગઈ કાલે બૅડમિન્ટન પ્લેયર સાઇના નેહવાલ અને રાઇફલ શૂટર ગગન નારંગે ભારતને નિરાશ કર્યું હતું, પરંતુ પિસ્તોલ શૂટિંગમાં વિજય કુમારે સિલ્વર મેડલ જીતીને આ રમતોત્સવમાં હજી બાકીની હરીફાઈઓની રાહ જોઈ રહેલા ભારતીય ઍથ્લીટોનો ઉત્સાહ અનેકગણો વધારી દીધો હતો.

 

વિજય કુમારે પચીસ મીટર રૅપિડ ફાયર પિસ્તોલની ઇવેન્ટમાં રશિયાના વર્લ્ડ ચૅમ્પિયન ઍલેક્સી ક્લિમોવ તેમ જ ચીની અને જર્મન શૂટરો સહિતના કુલ પાંચ હરીફોને જોરદાર લડત આપીને રજતચંદ્રક હાંસલ કરી લીધો હતો.

 

તેના પિતા સુબેદાર કુમારે સાંજે પત્રકારોને કહ્યું હતું કે ‘વિજયની જીતનો બધો યશ હું ભારતીય લશ્કરને આપું છું. આર્મીએ મારા પુત્રને જે તાલીમ આપી હતી અને તેનામાં શિસ્તની ભાવના જગાડી હતી એને લીધે જ તેની સિદ્ધિ શક્ય બની છે. અમારો પરિવાર મિડલ-ક્લાસ છે. મારો પુત્ર ઑલિમ્પિક્સનો મેડલ જીતશે એવી તો મેં કલ્પના પણ નહોતી કરી. મેં વિજયને ફાઇનલ રાઉન્ડ પહેલાં ફોન પરની વાતચીતમાં ‘ઝોર લગાના’ એટલું જ કહ્યું હતું અને તેણે મને જવાબમાં કહ્યું કે પપ્પા, હું મેડલ સાથે જ પાછો આવીશ.’


સહારા તરફથી ૯૦ લાખનું સોનું

 

સહારા ઇન્ડિયા પરિવારે ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનારને પાંચ કિલો, સિલ્વર મેડલ જીતનારને ત્રણ કિલો અને બ્રૉન્ઝ મેડલ જીતનારને બે કિલો સોનું આપવાની જાહેરાત કરી છે જે મુજબ વિજય કુમારને ત્રણ કિલો સોનું (અંદાજે ૯૦ લાખ રૂપિયા) મળશે.

 

વિજય કુમાર કોણ છે?

૨૬ વર્ષના વિજય કુમારનો જન્મ હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લામાં થયો હતો.

તે ભારતીય લશ્કરમાં સુબેદારનો હોદ્દો ધરાવે છે અને શાર્પ શૂટર છે. ૨૦૦૭ના વર્ષમાં તેને અજુર્ન અવૉર્ડ મળ્યો હતો.

તે છેલ્લા છ વર્ષમાં ૮ મેડલ જીત્યો હતો. તેણે ૨૦૦૬માં પચીસ મીટર રૅપિડ ફાયર પિસ્તોલની હરીફાઈમાં બે ગોલ્ડ મેડલ, ૨૦૦૭માં એશિયન ગેમ્સમાં બ્રૉન્ઝ મેડલ, ૨૦૦૯ના વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ, ૨૦૧૦ની કૉમનવેલ્થ ગેમ્સમાં પચીસ મીટરની રૅપિડ ફાયર પિસ્તોલ સ્પર્ધા તેમ જ પચીસ મીટરની સેન્ટર ફાયર પિસ્તોલ સ્પર્ધામાં કુલ ત્રણ ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ મેળવ્યા હતા.

 

સાઇના સેમીમાં હારી, પણ આજે બ્રૉન્ઝ જીતી શકે : ગગને નિરાશ કર્યા


શૂટિંગ : પચીસ મીટર રૅપિડ ફાયર પિસ્તોલની હરીફાઈમાં વિજય કુમારે પાંચ શૉટવાળા કુલ આઠ રાઉન્ડમાં ૪૦માંથી ૩૦ વખત ટાર્ગેટ હાંસલ કરીને સિલ્વર જીતી લીધો હતો. ક્યુબાનો લ્યુરિસ પુપોએ વર્લ્ડ રેકૉર્ડ જેટલા ૩૪ શૉટ સાથે ગોલ્ડ જીતી લીધો હતો. જૉયદીપ કરમારકર ૫૦ મીટર રાઇફલ પ્રૉન ઇવેન્ટમાં ૬૯૯.૧ પૉઇન્ટ સાથે ચોથા નંબરે આવતાં બ્રૉન્ઝ ચૂક્યો હતો. ગગન નારંગ ૫૦ મીટર રાઇફલ પ્રૉન ઇવેન્ટની ફાઇનલ્સ માટે ક્વૉલિફાય નહોતો થઈ શક્યો.

 

બૅડમિન્ટન : સિંગલ્સમાં સાઇના નહેવાલ વર્લ્ડ નંબર વન ચીનની યિહાન વાન્ગ સામેની સેમી ફાઇનલ ૧૩-૨૧, ૧૩-૨૧થી હારી ગઈ હતી. આજે સાઇના બ્રૉન્ઝ મેડલ માટેની પ્લે-ઑફમાં રમશે.

 

બૉક્સિંગ : વિજેન્દર સિંહ મિડલવેઇટના ૭૫ કિલો વર્ગમાં અમેરિકાના ટેરેલ ગૌશા સામે ૧૬-૧૫થી જીતીને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગયો હતો.

 

હૉકી : જર્મની સામે ૨-૫થી પરાજય થવાને પગલે ભારત સેમી ફાઇનલની રેસમાંથી બહાર ફેંકાઈ ગયું હતું. બીજી એક મૅચમાં વર્લ્ડ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા અને આર્જેન્ટિનાની મૅચ ૨-૨થી ડ્રૉ થઈ હતી.

 

સ્વિમિંગ : ભારતનો એકમાત્ર સ્વિમર ગગન ઉલાલમથ પુરુષોની ૧૫૦૦ મીટર ફ્રીસ્ટાઇલ હરીફાઈના શરૂઆતના રાઉન્ડમાં છેલ્લા સાતમા નંબરે આવતાં સ્પર્ધાની બહાર થઈ ગયો હતો.

 

નોંધ : ઑલિમ્પિક્સન મુખ્ય હરીફાઈઓ ઈએસપીએન તથા ડીડી સ્પોર્ટ્સ પર બપોરે ૧૨.૩૦થી અને ઈએસપીએન એચડી તથા સ્ટાર સ્પોર્ટ્સ પર બપોરે ૧.૨૫થી લાઇવ જોવા મળશે.