ફિલ હ્યુઝના મોતથી ક્રિકેટજગત શોકમગ્ન

28 November, 2014 05:52 AM IST  | 

ફિલ હ્યુઝના મોતથી ક્રિકેટજગત શોકમગ્ન

કાળજાનો કટકો : ૨૫ વર્ષના પુત્રના અકાળ નિધનને કારણે ભાંગી પડેલા ફિલિપ હ્યુઝના પિતા ગ્રેગ અને માતા વર્જિના તથા પરિવારના અન્ય સભ્યો.



દુખદ સમાચાર : આંસુ લૂછતો ઑસ્ટ્રેલિયન કૅપ્ટન માઇકલ ક્લાર્ક.


આંસુ છુપાવવા માટે કાળાં ચશ્માં : સેન્ટ વિન્સેન્ટ હૉસ્પિટલમાંથી બહાર આવતો બૅટ્સમૅન ડેવિડ વૉર્નર તથા તેની પાર્ટનર કૅન્ડિસ ફાલ્ઝન, વિકેટકીપર મૅથ્યુ વેડ તથા તેની પાટર્નર જુલિયા બૅરી.



ભાવુક ખેલાડીઓ : સિડનીની સેન્ટ વિન્સેન્ટ હૉસ્પિટલમાંથી બહાર આવી રહેલો ઑસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ કૅપ્ટન રિકી પૉન્ટિંગ, વર્તમાન ખેલાડી જ્યૉર્જ બેઇલી.


નિમિત્ત માત્ર : જેનો બાઉન્સર વાગવાને કારણે ફિલિપ હ્યુઝ મરણ પામ્યો હતો તે બોલર સીન ઍબોટ પણ પોતાનાં આંસુને છુપાવવાનો પ્રયત્ન કરતો નજરે પડ્યો હતો.



ઑસ્ટ્રેલિયા શોકાતુર : સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં ફરકતો ઑસ્ટ્રેલિયન ધ્વજ ગઈ કાલે અડધી કાઠીએ હતો (ઉપર) અને સિડની ક્રિકેટ ગ્રાઉન્ડના ગેટ પર મૂકવામાં આવેલાં ફૂલો.






માથામાં બૉલ વાગતાં ઘાયલ થયેલા ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅન ફિલિપ હ્યુઝનું ગઈ કાલે હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું. ૨૫ વર્ષના બૅટ્સમૅને ૨૦૦૯થી ૨૦૧૩ દરમ્યાન ઑસ્ટ્રેલિયા વતી ૨૬ ટેસ્ટ-મૅચોમાં ભાગ લીધો હતો. મંગળવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં સ્થાનિક શેફીલ્ડ શીલ્ડ ટુર્નામેન્ટની મૅચ દરમ્યાન ન્યુ સાઉથ વેલ્સના ફાસ્ટ બોલર સીન ઍબોટનો એક બાઉન્સર તેના માથામાં વાગતાં ખોપડીમાં ફ્રૅક્ચર થયું હતું, જેના પરિણામે મગજમાંથી લોહી નીકળ્યું હતું. તેને મેદાનમાંથી જ સ્ટ્રેચર પર નાખીને હૉસ્પિટલમાં લઈ જવો પડ્યો હતો. જ્યાં તેના પર સર્જરી કરવામાં આવી હતી. આ ઘટના બાદ મૅચને મોકૂફ રાખવામાં આવી હતી.

સર્જરી બાદ તેના મગજ પર દબાણ ન વધે એ માટે સિડનીની સેન્ટ વિન્સેન્ટ હૉસ્પિટલમાં તેને કોમામાં રાખવામાં આવ્યો હતો. ઑસ્ટ્રેલિયન ડૉક્ટર પીટર બ્રુકનરે કહ્યું હતું કે ‘ઈજા બાદ તે ભાનમાં આવી શક્યો નહોતો. તે મરણ પામ્યો ત્યારે તેને કોઈ દુખાવો નહોતો. તેના પરિવાર તથા મિત્રો તેની આસપાસ હતા. તેના પરિવાર, ખેલાડીઓ તથા અન્ય કર્મચારીઓની અંગતતા જાળવી રાખવાની તમામને અપીલ કરવામાં આવી છે.’

ઑસ્ટ્રેલિયા વતી તેણે ત્રણ સદી પણ ફટકારી હતી. તાજેતરમાં જ પાકિસ્તાન સામેની ટેસ્ટ-સિરીઝ માટેની ટીમમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને રમાડવામાં નહોતો આવ્યો.

શોકમગ્ન ક્રિકેટ-આલમ

ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅન ફિલિપ હ્યુઝના અચાનક થયેલા અવસાનને કારણે સમગ્ર ક્રિકેટ-આલમમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. ન્યુ સાઉથ વેલ્સના મૅક્સવિલેમાં જન્મેલો ફિલિપ હ્યુઝ ૨૦૦૯માં જોહનિસબર્ગમાં સાઉથ આફ્રિકા સામે તેની પહેલી ટેસ્ટ-મૅચ રમ્યો હતો. વળી ડર્બનની બીજી મૅચમાં ટેસ્ટમાં બે સદી ફટકારનારો તે સૌથી યુવાન ક્રિકેટર બન્યો હતો. તેણે ૨૫ વન-ડેમાં બે સદી સહિત કુલ ૮૨૬ રન કર્યા હતા. 

ટીમ ઇન્ડિયાની શ્રદ્ધાંજલિ

હાલ ટીમ ઇન્ડિયા ઑસ્ટ્રેલિયાના ક્રિકેટપ્રવાસે છે. ગઈ કાલે એક સ્ટેટમેન્ટમાં એણે જણાવ્યું હતું કે ‘ફિલિપના અચાનક થયેલા નિધનને કારણે અમે તેના પરિવારને સાંત્વન પાઠવીએ છીએ. ઈશ્વર તેના પરિવારને અચાનક આવી પડેલી આપત્તિ સામે ઝઝૂમવાની શક્તિ આપે. એક સાથીક્રિકેટર તરીકે અમે તેણે ક્રિકેટની રમતને આપેલા યોગદાનને કાયમ યાદ રાખીશું.’

ICCની શ્રદ્ધાંજલિ

ICCના ચૅરમૅન એન. શ્રીનિવાસને એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ‘ફિલિપના અચાનક થયેલા નિધનને કારણે અમે બધા ભારે આઘાત પામ્યા છીએ. સમગ્ર ક્રિકેટ-આલમ વતી હું તેના પરિવાર તથા મિત્રોને સાંત્વન પાઠવું છું.’

ICCના CEO ડેવિડ રિચર્ડસને કહ્યું હતું કે ‘પોતાની આક્રમક રમતને કારણે તે ઘણા લોકોનું મનોરંજન કરતો હતો. તેની સાથે રમેલા અથવા તો કોઈ ને કોઈ રીતે સંકળાયેલા લોકો આ દુખદ સમાચારને કારણે ઘણા દુખી થયા છે. ’

ભારત-ઑસ્ટ્રેલિયાની પહેલી ટેસ્ટ રદ?

ફિલિપ હ્યુઝના નિધન બાદ ભારત તથા ઑસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ-સિરીઝની પહેલી મૅચ રદ થાય એવી શક્યતા છે. બ્રિસ્બેનમાં ટીમ ઇન્ડિયા તથા ઑસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ડિસેમ્બરથી મૅચ શરૂ થવાની છે. કદાચ મૅચને મોકૂફ રાખવામાં આવે અથવા તો પૂરેપૂરી કૅન્સલ કરવામાં આવે. ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસકરનું માનવું છે કે ક્રિકેટર હ્યુઝના મરણ બાદ કોઈ ખેલાડી મૅચ રમવાની માનસિક સ્થિતિમાં નથી. આજથી શરૂ થનારી બીજી પ્રૅક્ટિસ-મૅચ રદ કરવામાં આવી હતી.

ઑસ્ટ્રેલિયન ક્રિકેટને ખોટ

ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે ફિલિપ હ્યુઝને એક ઊગતો સિતારો ગણીને તેના આકસ્મિક નિધનને કારણે લાંબા ગાળાની ખોટ ગઈ હોવાનું જણાવ્યું હતું. ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના CEO જેમ્સ સધરલૅન્ડે એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ‘તેની ૨૬મી વરસગાંઠ નજીક હતી. તે અમારાથી ઘણી નાની ઉંમરે વિખૂટો પડી ગયો. એક ક્રિકેટર તરીકે તેનામાં અપાર ક્ષમતા હતી. તેણે ઇંગ્લૅન્ડમાં કાઉન્ટી ક્રિકેટ અને ભારતમાં ત્ભ્ન્ની મૅચોમાં પણ ભાગ લીધો હતો. તે ઊગતો સિતારો હતો. તેની ક્ષમતાનો પરચો હજી થયો નહોતો. નૅશનલ સિલેક્ટરોએ લાંબા ગાળા માટે તેના પર નજર રાખી હતી.’

મેદાનમાં થયેલી ઈજાને કારણ મૃત્યુ પામેલા ક્રિકેટરો

મેદાનમાં થયેલી ઈજાઓને કારણે માર્યા ગયેલા ક્રિકેટરોની યાદીમાં ગઈ કાલે ઑસ્ટ્રેલિયન પ્લેયર ફિલિપ હ્યુઝના નામનો ઉમેરો થયો હતો. મૅચમાં થયેલી ઈજાને કારણે માર્યા ગયેલાઓની યાદી આ મુજબ છે.