ચાર દિવસમાં બીજી વાર હરીફના છગ્ગાથી હાર

26 December, 2012 03:05 AM IST  | 

ચાર દિવસમાં બીજી વાર હરીફના છગ્ગાથી હાર



બૅન્ગલોર: ભારત ગઈ કાલે પાકિસ્તાન સામેની બે મૅચવાળી T20 સિરીઝની પ્રથમ મૅચ બે બૉલ બાકી રહ્યા ત્યારે પાંચ વિકેટે હારી ગયું હતું. શોએબ મલિકે (૫૭ રન, ૫૦ બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર) રવીન્દ્ર જાડેજાની ૨૦મી ઓવરના ચોથા બૉલમાં સિક્સર ફટકારીને પાકિસ્તાનને ૧૩૪ રનનો ટાર્ગેટ અપાવી દીધો હતો. શનિવારે ઇંગ્લૅન્ડના કૅપ્ટન ઓઇન મૉર્ગને લાસ્ટ બૉલની સિક્સરથી ભારતને પરાજય અપાવ્યો હતો.

પાકિસ્તાનની પાંચમાંથી ત્રણ વિકેટ ભુવનેશ્વરકુમારે (૪-૦-૯-૩) લીધી હતી. ઇશાન્ત શર્માએ કામરાન અકમલ સાથેના ઘર્ષણ પછી તેનો કૅચ પકડીને સાટું વાળી લીધું હતું.

કૅપ્ટન મોહમ્મદ હફીઝ (૬૧ રન, ૪૪ બૉલ, બે સિક્સર, છ ફોર)ને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો. એ પહેલાં ભારતના ૯ વિકેટે બનેલા ૧૩૩ રનમાં ગૌતમ ગંભીરના ૪૩ અને અજિંક્ય રહાણેના ૪૨ રન હતા. ઉમર ગુલે ત્રણ, સઈદ અજમલે બે તથા પ્રથમ T20 મૅચ રમનાર ૭ ફૂટ ૧ ઇંચ ઊંચા પેસબોલર મોહમ્મદ ઇરફાન અને શાહિદ આફ્રિદીને એક-એક વિકેટ મળી હતી.

હવે શુક્રવારે અમદાવાદમાં છેલ્લી T20 મૅચ (સાંજે ૫.૦૦થી) રમાશે.