પૅટિન્સનનો બાઉન્સર વૉટ્સનની હેલ્મેટમાં લાગતાં ગભરાટ મચ્યો

24 December, 2014 03:36 AM IST  | 

પૅટિન્સનનો બાઉન્સર વૉટ્સનની હેલ્મેટમાં લાગતાં ગભરાટ મચ્યો




મેલબર્ન: એક ઘાતક બાઉન્સરે ફિલિપ હ્યુઝનો ભોગ લીધાના આઘાતમાંથી બહાર આવી રહેલા ઑસ્ટ્રેલિયન ક્રિકેટમાં ગઈ કાલે ફરી ગભરાટ મચી ગયો હતો. શુક્રવારથી ભારત સામે બૉક્સિંગ ડે ટેસ્ટ-મૅચ શરૂ થવાની છે અને ગઈ કાલે પ્રૅક્ટિસ સેશનના પહેલા જ દિવસે યુવા પેસબોલર જેમ્સ પૅટિન્સનનો એક બાઉન્સર ઑલરાઉન્ડર શેન વૉટસનની હેલ્મેટને લાગતાં એ ઘૂંટણિયે પડી જતાં સોપો પડી ગયો હતો. કોચ ડેરેન લીમેન, ડૉક્ટર અને અન્ય ખેલાડીઓ વૉટસન પાસે પહોચી ગયા હતા. ડૉક્ટરે તેને કોઈ ઈજા થઈ છે કે નહીં એ તપાસ્યું હતું અને નેટની બહાર લઈ જઈને થોડી વાર તેની સાથે વાતચીત કરી હતી. જોકે બાઉન્સરના ફટકાને લીધે વૉટસન ભારે ગભરાઈ ગયો હતો અને એકદમ ગુમસૂમ થઈ ગયો હતો. ઑસ્ટ્રેલિયન કૅમ્પે આ બનાવ બાદ પ્રૅક્ટિસ તરત સમેટી લીધી હતી. ઑસ્ટ્રેલિયન ટીમના પ્રવક્તાએ ત્યાર બાદ સ્પષ્ટતા કરી હતી કે વૉટસનને સ્વાભાવિક રીતે થોડો આઘાત જરૂર લાગ્યો છે પણ તે સંપૂર્ણ સ્વસ્થ છે.

બોલર પૅટિન્સન પણ ગભરાઈ ગયો હતો અને વૉટસનની સ્થિતિ વિશે વારંવાર પૂછપરછ કરી રહ્યો હતો.

વૉટસન સાંજે ટીમ સાથેના એક ફૅમિલી ડે કાર્યક્રમમાં પણ સામેલ નહોતો થયો અને હૉટલની રૂમમાં જ આરામ કરવાનું પસંદ કર્યું હતું.

વૉટ્સનને વન-ડાઉનમાં જાળવી રાખો : પૉન્ટિંગ


રિકી પૉન્ટિંગના રિટાયરમેન્ટ બે વર્ષ બાદ ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટેસ્ટ-ટીમમાં વન-ડાઉનના સ્થાન માટે યોગ્ય ઉમેદવાર હજી સુધી શોધી નથી શકી. ભારત સામેની બે ટેસ્ટમાં વન-ડાઉનમાં શેન વૉટ્સનના નબળા પર્ફોર્મન્સ બાદ ત્રીજી ટેસ્ટમાં સામેલ કરવામાં આવેલા નવા ખેલાડી જો બન્ર્સને ત્રીજા નંબરે ઉતારીને વૉટ્સનને છઠ્ઠા નંબરે ધકેલવામાં આવશે એવી ચર્ચાઓ થવા લાગી છે. જોકે પૉન્ટિંગે ગઈ કાલે વૉટસનને જ વન-ડાઉનમાં જાળવી રાખવાની ભલામણ કરી હતી. પૉન્ટિંગે કહ્યું હતું કે ‘છેલ્લી થોડી મૅચોમાં વૉટ્સનનો પફોર્મન્ર્સ નિરાશાજનક રહ્યો છે પણ એ એક વલ્ર્ડ ક્લાસ ખેલાડી છે અને ટૂંક સમયમાં જ ફરી સાબિત કરી આપશે. ટીમ પાસે વન-ડાઉનના સ્થાન માટે તેના કરતા શ્રેષ્ટ પ્રયાસ ન મળે ત્યાં સુધી એમાં બદલાવ ન કરવો જોઈએ. મને આશા છે કે બૉક્સિંગ ડેમાં આપણને વૉટ્સનનો વટ જોવા મળશે.’