હું જૂના સાથીઓ વચ્ચે સરમુખત્યાર નહીં પણ તેમનો દોસ્ત બનીને રહીશ : બોન્ડ

20 October, 2012 06:30 AM IST  | 

હું જૂના સાથીઓ વચ્ચે સરમુખત્યાર નહીં પણ તેમનો દોસ્ત બનીને રહીશ : બોન્ડ



વેલિંગ્ટન: ન્યુ ઝીલૅન્ડના ક્રિકેટ બોર્ડે ૩૭ વર્ષની ઉંમરના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શેન બૉન્ડને ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડની ટીમના બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યો હતો. આ હોદ્દાને બૉન્ડે પોતાના અનેરા ગર્વ તરીકે સ્વીકાર્યો હતો અને પછી પત્રકારોને કહ્યું હતું કે ‘૨૦૦૧માં શરૂ થયેલી મારી ઇન્ટરનૅશનલ કરીઅરનો ઈજાઓને કારણે ૨૦૧૦ની સાલમાં જ અંત આવી ગયો ત્યાર પછીના બે વર્ષ દરમ્યાન મેં કોચ બનવા ખૂબ મહેનત કરી હતી અને એનું ફળ હવે મળ્યું છે. મારી જવાબદારીઓને મેં બરાબર સમજી લીધી છે અને ટીમ માટે હું શું કરવા માગું છું એ પણ મેં નક્કી કરી લીધું છે. હું મારા જૂના સાથીઓ વચ્ચે કોચ બનીને જઈ રહ્યો છું એનો મને બેહદ આનંદ છે. અમે એકબીજાનું ખૂબ માન રાખીએ છીએ. હું તેમની વચ્ચે સરમુખત્યાર બનીને નહીં, પણ તેમનો દોસ્ત બનીને રહીશ અને તેમનામાંથી બેસ્ટ પફોર્ર્મન્સ બહાર લાવવા પૂરી કોશિશ કરીશ.’

શરૂઆતની ત્રણેય સિરીઝ ટફ

કોચ શેન બૉન્ડની આગામી મહિનાઓમાં આકરી કસોટી થશે. ન્યુ ઝીલૅન્ડની ટીમની આગામી ત્રણેય સિરીઝ શક્તિશાળી ટીમો સામે છે. પહેલો મુકાબલો શ્રીલંકા સાથે થશે જેમાં T20 વર્લ્ડ કપની આ રનર્સ-અપ અને T20 જગતની વર્લ્ડ નંબર વન ટીમ સાથેની ૩૦ ઑક્ટોબરની T20 મૅચ સાથે કિવીઓ એક મહિનાનો શ્રીલંકાનો પ્રવાસ શરૂ કરશે. ત્યાર પછી ન્યુ ઝીલૅન્ડની ટીમ ટેસ્ટના નંબર વન અને વન-ડેના નંબર ટૂ સાઉથ આફ્રિકાના મહિનાના પ્રવાસે જશે. ત્યાર બાદ કિવીઓ ઘરઆંગણે ટેસ્ટના નંબર ટૂ અને વન-ડેના નંબર વન ઇંગ્લૅન્ડ સામે સિરીઝો રમશે.