18 October, 2024 09:51 AM IST | Dhaka | Gujarati Mid-day Correspondent
શાકિબ-અલ-હસન
બંગલાદેશના ભૂતપૂર્વ કૅપ્ટન અને સ્ટાર ઑલરાઉન્ડર શાકિબ-અલ-હસને ઘરઆંગણે ટેસ્ટમૅચ રમીને રિટાયરમેન્ટ લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેની ઇચ્છા પ્રમાણે ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામે રમાનારી ટેસ્ટ સિરીઝની આજથી શરૂ થતી પ્રથમ ટેસ્ટમાં તેનો સમાવેશ કર્યો હતો, પણ શાકિબને પોતાના દેશમાં પ્રવેશવામાં ડર લાગી રહ્યો હોવાથી તે મૅચ ગુમાવી શકે છે.
શાકિબ બુધવારે રાતે દુબઈ પહોંચી ગયો હતો, પણ તેને બંગલાદેશમાં પોતાની સલામતી સંદર્ભે ખતરો હોવાથી તેને ત્યાં જ રોકાઈ જવાની સલાહ આપવામાં આવી હતી. તાજેતરમાં બંગલાદેશમાં હસીના સરકાર સામે થયેલા બળવા દરમ્યાન હિંસામાં તેની સામે અનેક કેસ નોંધાયા છે એને લીધે શાકિબને ડર છે કે જો તે ટેસ્ટ રમવા બંગલાદેશ ગયો તો તેની ધરપકડ થઈ શકે છે. એવી પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે શાકિબને ઘરે પાછો બોલાવીને ધરપકડ કરવા માટે જ પ્રથમ ટેસ્ટની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. શાકિબ પદભ્રષ્ટ હસીના સરકારનો મેમ્બર હતો અને છેલ્લા ઇલેક્શનમાં જીતીને તે સંસદસભ્ય બન્યો હતો.
શાકિબને ટીમમાં સામેલ કર્યા બાદ મીરપુરમાં લોકોએ તેની વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું એને લીધે અધિકારીઓને લાગી રહ્યું છે કે જો શાકિબ આ ટેસ્ટમાં રમ્યો અને કોઈ દુર્ઘટના બની તો બંગલાદેશ માટે નીચાજોણું થઈ શકે છે. તેઓ પણ કોઈ રિસ્ક લેવા નથી માગતા.