પાકિસ્તાની ટીમ વર્લ્ડ કપમાં શું ઉકાળશે?: શાહિદ આફ્રિદી

14 October, 2014 05:37 AM IST  | 

પાકિસ્તાની ટીમ વર્લ્ડ કપમાં શું ઉકાળશે?: શાહિદ આફ્રિદી




ઑસ્ટ્રેલિયા સામે ૩-૦થી મળેલી હાર બાદ પાકિસ્તાનના સ્ટૅન્ડ-ઇન કૅપ્ટન શાહિદ આફ્રિકીએ કહ્યું હતું કે જો આપણે આવી પિચ પર પણ ન જીતી શકીએ તો વર્લ્ડ કપમાં આપણે કેવી રીતે સારું પ્રદર્શન કરી શકવાના. ગ્લેન મૅક્સવેલે ૫૦મી ઓવરમાં બે વિકેટ લેતાં ઑસ્ટ્રેલિયાએ પાકિસ્તાનની ત્રીજી તથા છેલ્લી વન-ડેમાં એક રને હરાવીને સિરીઝ ૩-૦થી જીતી લીધી હતી. ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરતાં ઑસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને જીતવા માટે ૨૩૨ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પાકિસ્તાનને છેલ્લી ઓવરમાં બે રનની જરૂર હતી, પરંતુ ગ્લેન મૅક્સવેલે સોહેલ તનવીરને ૧૦ તથા મોહમ્મદ ઇરફાનને શૂન્ય પર આઉટ કરતાં પાકિસ્તાન આ મૅચ હારી ગયું હતું. ગ્લેન મૅક્સવેલને મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો.

શાહિદ આફ્રિદીએ કહ્યું હતું કે ‘બોલરોએ કરેલી મહેનત પર ફરી એક વાર બૅટ્સમેનોએ પાણી ફેરવી દીધું હતું. બોલરોએ ઑસ્ટ્રેલિયાને ૫૦ ઓવરમાં નવ વિકેટના ભોગે માત્ર ૨૩૧ રન જ કરવા દીધા હતા. આ પિચ પર તેઓ ૨૮૪ રન કરતાં વધુ રન કરી શક્યા હોત. વ્૨૦ હોય કે વન-ડે મૅચ પાકિસ્તાન માટે પાર્ટનરશિપ મોટી સમસ્યા છે. આપણે સારી પાર્ટનરશિપ કરવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે વિકેટ પડવા માંડે છે.’

ઑસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને આપેલી આ ત્રીજી ક્લીન સ્વીપ હતી. આ અગાઉ ૧૯૯૮માં ઑસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને એની ધરતી પર હરાવીને ૩-૦થી વિજય મેળવ્યો હતો તેમ જ ઑસ્ટ્રેલિયામાં ચાર વર્ષ પહેલાંની વન-ડે સિરીઝ ૫-૦થી જીતી હતી. રવિવારની હાર સાથે પાકિસ્તાન સતત પાંચ વન-ડેમાં હાર્યું છે. રવિવારે અબુધાબીમાં રમાયેલી ગઈ કાલની મૅચમાં પાકિસ્તાન જીતની ઘણી નજીક હતું. એને જીતવા માટે ૨૮ રનની જરૂર હતી તેમ જ એની ચાર વિકેટ બાકી હતી, પરંતુ એમ છતાં બૅટ્સમેનોએ ખરાબ દેખાવ કરતાં પાકિસ્તાન આ મૅચ હારી ગયું હતું.

ત્રીજી વન-ડેમાંથી કૅપ્ટન મિસ્બાહને કેમ હટાવ્યો?

પાકિસ્તાની ક્રિકેટ-ટીમ ફરી પાછી વિવાદોમાં સપડાઈ છે. ઑસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડેમાં કૅપ્ટન મિસ્બાહ-ઉલ-હકને આરામ આપવાના નિર્ણયનો ઘણો વિરોધ થઈ રહ્યો છે. પરિણામે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચૅરમૅન શહરયારખાને આ મામલે મધ્યસ્થી કરવી પડી છે. ટીમ-મૅનેજમેન્ટે મિસ્બાહ-ઉલ-હકને ન રમાડવાની સલાહ આપી હતી. પરિણામે આ મૅચમાં શાહિદ આફ્રિદીએ કૅપ્ટન્સી સંભાળી હતી. 

પાકિસ્તાનના ભૂતપૂર્વ બોલર શોએબ અખ્તરે કહ્યું હતું કે ‘આ બધું શું ચાલી રહ્યું છે? વર્લ્ડ કપને માત્ર ચાર મહિનાનો સમય છે એમ છતાં આપણી ટીમનો કૅપ્ટન કોણ હશે એ બાબતે હજી પણ અનિશ્ચિતતા કેમ છે?’

ભૂતપૂર્વ ખેલાડી રમીઝ રાજાએ કહ્યું હતું કે ‘વળી શાહિદ આફ્રિદી કઈ રીતનો કૅપ્ટન છે એ વાતની તમામને ખબર જ છે. એથી તેને બદલે બીજો કોઈને કૅપ્ટન બનાવવો જોઈતો હતો.’

જોકે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચૅરમૅન શહરયાર ખાને કહ્યું હતું કે ‘મેં અથવા તો મૅનેજમેન્ટે મિસ્બાહને કૅપ્ટનપદેથી ખસી જવા માટે દબાણ કર્યું નહોતું. તે જાતે જ ખસી ગયો હતો.’