શરૂઆતના બે-ત્રણ દિવસ અઘરા હતા, પછીથી મારું સ્વાસ્થ્ય સુધરી ગયું:આફ્રિદી

19 June, 2020 11:57 AM IST  |  Lahore | Agencies

શરૂઆતના બે-ત્રણ દિવસ અઘરા હતા, પછીથી મારું સ્વાસ્થ્ય સુધરી ગયું:આફ્રિદી

શાહિદ આફ્રિદી

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન શાહિદ આફ્રિદીનું કહેવું છે કે કોરોના પૉઝિટિવ થયા બાદ શરૂઆતના બે-ત્રણ દિવસ ખૂબ ખરાબ ગયા હતા. આફ્રિદીની કોરોના-ટેસ્ટ પૉઝિટિવ આવતાં તેના ચાહકોમાં ભારે નિરાશા પ્રસરી હતી. આફ્રિદીએ પોતે સોશ્યલ મીડિયામાં આ વાતની જાણકારી આપી હતી અને પોતાના સ્વાસ્થ્ય માટે લોકોને દુઆ કરવાની અપીલ કરી હતી. જોકે હવે તેનું સ્વાસ્થ્ય સુધરી રહ્યું છે અને કોરોનામાં અનુભવેલો પોતાનો અનુભવ તેણે જણાવ્યો છે. તાજેતરમાં ફેસબુક પર એક વિડિયો શૅર કરીને આફ્રિદીએ કહ્યું કે ‘હું આ વિડિયો બનાવી રહ્યો છું, કેમ કે છેલ્લા થોડા દિવસથી સોશ્યલ મીડિયા પર મને સ્વાસ્થ્યને લગતી અનેક વાતો સાંભળવા મળી છે. મારી વાત કરું તો શરૂઆતના બે-ત્રણ દિવસ મારા માટે ઘણા અઘરા હતા, પણ ત્યાર બાદ ધીમે-ધીમે મારું સ્વાસ્થ્ય સુધરતું ગયું. મારા માટે આ ઘણું અઘરું હતું, કેમ કે આ સમયમાં હું મારાં બાળકોનું ધ્યાન નહોતો રાખી શકતો અને તેમને હગ પણ નહોતો કરી શકતો. આ સમયમાં મેં મારાં બાળકોને ઘણાં યાદ કર્યાં, પણ મારી આસપાસના લોકોને સુરક્ષિત રાખવા માટે તેમનાથી ડિસ્ટન્સ જાળવી રાખવું જરૂરી હતું. આ બીમારીને કારણે વધારે ભયભીત થવાની જરૂર નથી. તમે પોતે જ્યાં સુધી આ બીમારી સામે લડો નહીં ત્યાં સુધી તમે એને પરાસ્ત નહીં કરી શકો. મને ખબર હતી કે મને કોરોના થઈ શકે છે, કારણ કે ચૅરિટીના કામકાજ માટે હું ઘણી ભાગમભાગ કરતો હતો. સારું થયું કે આ બીમારી મને મોડેથી થઈ, જેથી હું વધારે લોકોની મદદ કરી શક્યો. તમારા બધાની દુઆ બદલ શુક્રિયા. પાકિસ્તાનમાં અને પાકિસ્તાનની બહાર મારા માટે દુઆ કરનારા ઘણા બધા લોકો છે એ જાણીને મને ઘણું સારું લાગ્યું.’

shahid afridi pakistan cricket news sports news coronavirus covid19