આફ્રિદીનો ગોલ્ડન પિરિયડ

02 December, 2011 08:07 AM IST  | 

આફ્રિદીનો ગોલ્ડન પિરિયડ



આફ્રિદીએ છેલ્લી છમાંથી ત્રણ મૅચમાં મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મેળવ્યો છે. તે વન-ડેમાં કુલ ૨૭ અવૉર્ડ જીત્યો છે. વન-ડેમાં સૌથી વધુ ૬૨ અવૉર્ડ સચિન તેન્ડુલકરના નામે છે. જોકે પાકિસ્તાનીઓમાં સઈદ અનવર ૨૮ અવૉર્ડ સાથે પ્રથમ છે એટલે આફ્રિદીને તેની બરાબરીમાં આવવા એક જ મૅચવિનિંગ પરફોર્મન્સની જરૂર છે.

આફ્રિદીએ ગઈ કાલે વન-ડેમાં સાતમી વખત પાંચ વિકેટની સિદ્ધિ મેળવી હતી. આ લિસ્ટમાં તે પાકિસ્તાનીઓમાં સક્લેન મુશ્તાકને ઓળંગીને બીજા સ્થાને આવી ગયો છે. વકાર યુનુસની ૧૩ વખત પાંચ વિકેટની સિદ્ધિ વિશ્વવિક્રમ છે.

પાકિસ્તાને ગઈ કાલે પ્રથમ વન-ડેમાં બંગલા દેશને ૩૦.૩ ઓવરમાં માત્ર ૯૧ રનમાં ઑલઆઉટ કરી નાખ્યું હતું. જવાબમાં પાકિસ્તાને ૬૩ રનમાં પાંચ વિકેટ ગુમાવીને પોતાની જીત અઘરી બનાવી નાખી હતી. જોકે  મિસબાહ-ઉલ-હક(૧૬ નૉટઆઉટ) અને આફ્રિદી (૨૪ નૉટઆઉટ)એ ૨૬મી ઓવરમાં જીત અપાવી હતી.

બંગલા દેશ વન-ડેમાં ૧૩મી વખત ૧૦૦ કરતાં ઓછા ટોટલ પર ઑલઆઉટ થયું છે. આ સાથે એણે સૌથી વધુ ૧૨ વખત ૧૦૦થી ઓછા ટોટલ પર ઑલઆઉટ થનાર ઝિમ્બાબ્વેનો વિશ્વવિક્રમ તોડ્યો છે.