બોર્ડપ્રમુખે ધોનીને બચાવી લીધો : મોહિન્દર

13 December, 2012 05:41 AM IST  | 

બોર્ડપ્રમુખે ધોનીને બચાવી લીધો : મોહિન્દર



મોહિન્દર અમરનાથે ટીમ સિલેક્ટ કરવામાં ક્રિકેટ બોર્ડ દખલગીરી કરતું હોવાનું કહીને મંગળવારે સનસનાટી મચાવી ત્યાર પછી ગઈ કાલે ૧૯૮૩ વર્લ્ડ કપની સેમી ફાઇનલ અને ફાઇનલના હીરોએ બોર્ડપ્રમુખ અને ચેન્નઈ સુપર કિંગ્સ ટીમના માલિક એન. શ્રીનિવાસન સામે સીધી આંગળી ચીંધીને આંચકો આપ્યો હતો.

મોહિન્દર ભૂતપૂર્વ સાથીખેલાડી કૃષ્ણમાચારી શ્રીકાન્તના અધ્યક્ષસ્થાનવાળી અગાઉની સિલેક્શન કમિટીમાં હતા. મોહિન્દરે ગઈ કાલે સીએનએન-આઇબીએન ચૅનલને કહ્યું હતું કે ‘ગયા વર્ષે ભારતે ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટસિરીઝમાં ૦-૪થી પછડાટ ખાધી પછી ત્યાર પછી આ વર્ષે જાન્યુઆરીમાં ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટસિરીઝમાં પણ ૦-૪થી પરાજય થયો એટલે અમે પાંચેય સિલેક્ટરો ધોનીને ટેસ્ટના સુકાનીપદેથી દૂર કરવા સહમત થયા હતા, પરંતુ બોર્ડપ્રમુખે (શ્રીનિવાસને) અમારા નિર્ણયને મંજૂરી નહોતી આપી.’

મોહિન્દરે બોર્ડપ્રેસિડન્ટની આકરી ટીકા કરતા કહ્યું હતું કે ‘અમે ધોનીની જગ્યાએ બીજા કોઈને કૅપ્ટન બનાવવાનું નક્કી કર્યું હતું, પરંતુ એવું નહોતું થવા દેવામાં આવ્યું. ઑસ્ટ્રેલિયા અને શ્રીલંકા સામેની ટ્રાયેન્ગ્યુલર માટે અમે પાંચ સિલેક્ટરોએ ૧૭ પ્લેયરો સિલેક્ટ કર્યા હતા અને કૅપ્ટન નહોતો નીમ્યો. જોકે કૅપ્ટનની પસંદગી છઠ્ઠી જ વ્યક્તિએ કરી હતી. મારી દલીલ એ છે કે સિલેક્ટરોને સ્વતંત્ર રીતે નિર્ણય લેવાની છૂટ કેમ નથી મળતી? ભારતીય ટીમને પ્રગતિના પથ પર લઈ જવા અમે ટ્રાયેન્ગ્યુલર માટે કોઈ યુવાન પ્લેયરને કૅપ્ટન બનાવવા માગતા હતા. આપણે અત્યારથી આવા પ્રગતિશીલ પગલાં નહીં લઈએ તો ટીમ સ્ટ્રૉન્ગ બની જ નહીં શકે.’

મોહિન્દર બોર્ડના ટીમ સિલેક્શનની બાબતમાં બંધારણનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ‘બોર્ડનું બંધારણ શું છે એ જ કોઈને ખબર નથી. વર્તમાન સિલેક્શન કમિટીને પણ એની જાણ નહીં હોય. એક જ વ્યક્તિ જો નિર્ણય લેવાની હોય તો સિલેક્ટરો નીમવાની જરૂર જ શું છે. અમે ભરોસા પર આધાર રાખીને પ્રામાણિકપણે અમારું કામ કરતા હોઈએ છીએ.’

મોહિન્દરના આક્ષેપો ખોટા : ક્રિકેટ બોર્ડ

બોર્ડના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ ગઈ કાલે કહ્યું હતું કે ‘સિલેક્ટરોને સ્વતંત્ર રીતે જ કામ કરવા દેવામાં આવે છે. તેમના પર કોઈ પણ પ્રકારનું દબાણ નથી કરવામાં આવતું. મોહિન્દરે બોર્ડ વિશે આ રીતે નિવેદનો ન આપવા જોઈએ, કારણે એનાથી પ્લેયરો અને ક્રિકેટપ્રેમીઓના મનમાં બોર્ડ વિશેની ખોટી છાપ પડી જાય છે’