વિશ્વ કપ જીતી ન શકતાં બલિનો બકરો બન્યા સિલેક્ટર્સ

04 December, 2022 05:55 PM IST  |  Mumbai | Yashwant Chad

ઑસ્ટ્રેલિયાના પ્રવાસ માટે જ્યારે ટી૨૦ વર્લ્ડ કપ ટીમ માટે ભારતીય ટીમની પસંદગી થઈ ત્યારે એકાદ અપવાદ સિવાય ક્રિકેટ સમીક્ષકો, ભૂતપૂર્વ ખેલાડી તથા ક્રિકેટરસિકોએ ટીમની પસંદગીને વધાવી લીધી હતી

વિશ્વ કપ જીતી ન શકતાં બલિનો બકરો બન્યા સિલેક્ટર્સ

ફુટબૉલ વર્લ્ડ કપે રમતગમતના શોખીનોમાં એવું તો ઘેલું લગાડ્યું છે કે ન્યુ ઝીલૅન્ડમાં રમાયેલી ટી૨૦ અને ૫૦ ઓવરની વન-ડે મૅચમાં ભારતીય ટીમ ઊતરી હોવા છતાં લોકો ફક્ત ફુટબૉલ, ફુટબૉલ અને ફુટબૉલની ચર્ચામાં જ પડ્યા હતા. ભારતમાં મુખ્યત્વે સ્પોર્ટ્સ એટલે ક્રિકેટ અને ક્રિકેટ એટલે સ્પોર્ટ્સ, રમતગમતનું સમીકરણ જાણે હાંસિયામાં ધકેલાઈ ગયું. ચોરે ને ચૌટે જ્યારે ફુટબૉલ વર્લ્ડ કપની ચર્ચા ચાલી રહી છે ત્યારે ભારતીય ક્રિકેટ બોર્ડે ઑસ્ટ્રેલિયામાં સમાપ્ત થયેલા ટી૨૦ વર્લ્ડ કપમાં ભારતીય ટીમે ચૅમ્પિયન બનેલી ઇંગ્લિશ ટીમ વિરુદ્ધ ૧૦ વિકેટની કારમી હાર જોવી પડી હતી અને એના જવાબદાર તરીકે ખેલાડીઓ નહીં, હાં જી, ખેલાડીઓ નહીં, ટીમના પસંદગીકારોને બલિના બકરા બનાવ્યા છે એ સમાચારની ખાસ નોંધ લેવાઈ નથી.

ચેતન શર્માના નેતૃત્વવાળી ટીમને કહેવામાં આવ્યું કે તમારી મુદત વધારવામાં નહીં આવે. તેમને સામસામે કહેવામાં આવ્યું કે તમે માનભેર સ્વેચ્છાએ પસંદગીકારની જવાબદારીમાંથી મુક્ત થવા માટે રાજીનામું આપી દો. ટૂંકમાં કહીએ તો પસંદગી સમિતિને જ બરખાસ્ત કરવામાં આવી. હજી તો આપણા ક્રિકેટરો ઠરીને ઠામ થાય એ પહેલાં જ વજ્રાઘાત પસંદગીકારો પર પડ્યો, જાણે પાડાના વાંકે પખાલીને ડામ. બરખાસ્ત થયેલા પસંદગી સમિતિમાં ચેતન શર્મા, દેવાશિષ મોહંતી અને અરવિંદર સિંહ હતા અને એ બધા ફાસ્ટ બોલર હતા, એકમાત્ર સુનીલ જોશી ડાબેરી સ્પિનર-ઑલરાઉન્ડર હતો, જેમાં અનુભવી બૅટ્સમૅનની ખામી હતી એવી સતત ટીકા થતી હતી. વેસ્ટ ઝોનનું પ્રતિનિધિત્વ કરનાર અભી કુરુવિલા બાદ એ જગ્યા ભરાઈ નહોતી.

ઑસ્ટ્રેલિયાના પ્રવાસ માટે જ્યારે ટી૨૦ વર્લ્ડ કપ ટીમ માટે ભારતીય ટીમની પસંદગી થઈ ત્યારે એકાદ અપવાદ સિવાય ક્રિકેટ સમીક્ષકો, ભૂતપૂર્વ ખેલાડી તથા ક્રિકેટરસિકોએ ટીમની પસંદગીને વધાવી લીધી હતી. વિદેશ જનારી ભારતીય ટીમની પસંદગી ક્રિકેટ બોર્ડના પ્રમુખની સહી થયા બાદ જ જાહેર કરવામાં આવે એવી પ્રથા છે. આજ સુધી એવા સમાચાર નથી કે ઑસ્ટ્રેલિયાની પ્રવાસી ટીમ વિશે કોઈને પણ કશો વાંધોવચકો હતો. આમ જ્યારે ટીમની પસંદગી પર ક્રિકેટ બોર્ડના પ્રમુખે મંજૂરીની મહોર મારી હોય ત્યારે સેમી ફાઇનલ, હા, વર્લ્ડ કપમાં સેમી ફાઇનલ સુધી પહોંચવું એ કાંઈ નાનીસૂની વાત નથી, તો શા માટે ભારતીય ટીમ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઇસીસીની એક ટ્રોફી વર્લ્ડ કપ જીતી ન શકવાથી પસંદગી સમિતિ પર દોષનો ટોપલો ઢોળી દઈને એનો ભોગ લેવાયો એ કળાતું નથી.

ક્રિકેટરસિયાઓને યાદ હશે કે ૧૯૮૩ના વર્લ્ડ કપની સેમી ફાઇનલ અને ફાઇનલમાં મૅન ઑફ ધ મૅચ બનેલા મોહિન્દર જિમી અમરનાથના અધ્યક્ષપદવાળી પસંદગીકારોની સમિતિએ એમ. એસ. ધોનીની સુકાનીપદેથી હકાલપટ્ટી કરીને વીરેન્દર સેહવાગને સુકાની બનાવવાનું મંતવ્ય વ્યક્ત કરી ટીમ પસંદ કરી હતી. જોકે વિદેશપ્રવાસે જતાં પહેલાં ટીમની પસંદગીની જાણ કરવા અને બોર્ડના પ્રમુખને સહી કરવા ધોનીની હકાલપટ્ટીવાળી ટીમની નામાવલિ મોકલી ત્યારે એ વખતના બોર્ડના પ્રમુખ શ્રીનિવાસને સહી કરવાની ના પાડી અને ધોનીને જ કૅપ્ટન રહેવા કહ્યું એથી મોહિન્દર અમરનાથે  પસંદગી સમિતિના અધ્યક્ષ તરીકે રાજીનામું આપી દીધું હતું એનો ઉલ્લેખ અસ્થાને નહીં લેખાય.

ભારતીય ક્રિકેટ બોર્ડે નવી પસંદગી સમિતિની નિમણૂક કરવાની જાહેરાત કરી છે અને એમાં પસંદગી સમિતિના ઉમેદવારની લાયકાત માટે અમુક ટેસ્ટ મૅચ, વન-ડે મૅચો કે રણજી મૅચો રમનાર પ્લેયર્સ હોવા જોઈએ. પસંદગીકાર બનવા માટે અત્યારે ૬૦થી વધુ ખેલાડીઓએ અરજી કરી છે. 

sports news indian cricket team cricket news