લાઇ-ડિટેક્ટર ટેસ્ટ રાખો, જૂના કેસોની ફાઇલ પાછી ખોલો : ગાંગુલી

06 November, 2011 01:09 AM IST  | 

લાઇ-ડિટેક્ટર ટેસ્ટ રાખો, જૂના કેસોની ફાઇલ પાછી ખોલો : ગાંગુલી



ફિક્સિંગમાં ભૂમિકા ભજવતા ક્રિકેટરોને જેલમાં પૂરવા યોગ્ય કહેવાય કે વધુપડતું કહેવાય?

પ્લેયરોનો આ ગુનો મોટો કહેવાય એટલે તેમને આ રીતે સજા કરવી એકદમ સાચું પગલું કહેવાય.

તમારી કૅપ્ટન્સીમાં ટીમ એકદમ ક્લીન હતી. જોકે એક સમયે કલકત્તા નાઇટ રાઇડર્સ વતી તમારા સુકાનમાં રમી ચૂકેલા સલમાન બટ વિશેની સ્પૉટ-ફિક્સિંગની સંડોવણીથી તમને આઘાત લાગ્યો હશે, ખરુંને?

મેં સલમાન બટનું નામ પહેલી વાર સાંભળ્યું ત્યારે મારા માનવામાં જ નહોતું આવતું. ત્યારે તો તે મને જેન્ટલમૅન લાગ્યો હતો.

૨૦૦૦માં તમે મૅચ-ફિક્સિંગના માહોલ વચ્ચે કૅપ્ટન બન્યા ત્યારે ટીમના દરેક મેમ્બરે મૅચ-ફિક્સિંગમાં ભૂમિકા ન ભજવવાના સોગંદ લેવા પડેલા, ખરુંને? એનાથી ફાયદો થયો છે, કેમ?

હા. અમે ચૅમ્પિયન્સ ટ્રોફી માટે કેન્યા ગયા એ પહેલાંની મીટિંગમાં અમે પાંચથી છ સિનિયર પ્લેયરોએ નક્કી કર્યું હતું કે આવી કોઈ ગેરરીતિમાં ક્યારેય પડવું જ નહીં. અમે નિર્ણય લીધો હતો કે જો ટીમના કોઈ ખેલાડી વિશે ફિક્સિંગની શંકા પણ થશે તો તેને ફરી ટીમમાં નહીં લઈએ.

નયન મોંગિયાને એ જ કારણસર નહોતો સિલેક્ટ કર્યો એ સાચી વાત છે?

ના. મોંગિયા તો તેના પરની શંકા પછી પણ ઘણી કેટલીક મૅચો રમ્યો હતો. જોકે બોર્ડે જ તેને સિલેક્ટ ન કરવાની સૂચના આપી હતી.

ફિક્સિંગના દોષીઓને કડક સજા થવી જોઈએ એ વાત સાથે તમે સંમત છો?

ગુનેગારોને સજા થવી જ જોઈએ. હું તો કહું છું કે જૂના કેસો પાછા ખોલવા જોઈએ. વર્તમાન પ્લેયરો અને ભાવિ પેઢીને મારી સલાહ છે કે તમને, તમારા દેશને અને સમગ્ર ક્રિકેટજગતને કલંક લાગે એવું કંઈ ન કરતા. માતા-પિતાએ પણ દરેક બાળકને ઘરમાં ક્રિકેટના ક્રાઇમને ધ્યાનમાં લઈને શું સારું અને શું ખરાબ એનું શિક્ષણ આપવું જોઈએ.

કસૂરવારોને કેવી રીતે પકડવા જોઈએ? તમે શું સૂચવો છો?

આઇસીસી (ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ)એ લાઇ-ડિટેક્ટરની મદદ લેવી જોઈએ. જેના પર શંકા જાય તેને લાઇ-ડિટેક્ટર સામે બેસાડી દેવો જોઈએ.

૩ નવેમ્બર ૨૦૧૧નો દિવસ ક્રિકેટ માટે સારો કહેવાય કે ખરાબ?

બન્ને. સારો અને ખરાબ પણ.

તમે પાંચ વર્ષ કૅપ્ટનપદે હતા. કોઈએ તમને પરેશાન કર્યા હતા?

ના. ક્યારેય નહીં.

સૌજન્ય : ‘આનંદબઝાર પત્રિકા’

આઇસીસીએ મૅચ-ફિક્સિંગ અને સ્પૉટ-ફિક્સિંગ બદલ છેલ્લા દોઢ દાયકામાં કયા પ્લેયર પર કેટલો પ્રતિબંધ મૂક્યો?

સલીમ મલિક (પાકિસ્તાન) - આજીવન પ્રતિબંધ

લાંચની રકમ ઑફર કરવા બદલ ૨૦૦૦ની સાલમાં બૅન મૂકવામાં આવ્યો જે ૨૦૦૮માં ઉઠાવી લેવામાં આવ્યો હતો.

અતા-ઉર-રહમાન (પાકિસ્તાન) - આજીવન પ્રતિબંધ

બુકીઓ સાથે સંબંધો રાખવા બદલ ૨૦૦૦ની સાલમાં મૂકવામાં આવેલો બૅન ૨૦૦૬માં પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.

મોહમ્મદ અઝહરુદ્દીન (ભારત) - આજીવન પ્રતિબંધ

મૅચ-ફિક્સિંગના આક્ષેપોને પગલે ભારતીય ક્રિકેટ બોર્ડે દોષી જાહેર કયોર્ હતો. જોકે તેણે આક્ષેપો નકારીને અદાલતનો દરવાજો ખટખટાવ્યો હતો. તેના કેસ ઘણા વષોર્થી સબ-જુડિસ છે.

અજય જાડેજા (ભારત) - પાંચ વર્ષનો પ્રતિબંધ

બુકીઓ સાથેના કથિત સંબંધો બદલ મૂકવામાં આવેલો પાંચ વર્ષનો પ્રતિબંધ ૨૦૦૩માં ઉઠાવી લેવામાં આવ્યો હતો.

અજય શર્મા (ભારત) - આજીવન પ્રતિબંધ

બુકીઓ સાથેના સંબંધો બદલ ૨૦૦૦ની સાલમાં દોષી ઠર્યો હતો.

મનોજ પ્રભાકર (ભારત) - પાંચ વર્ષનો પ્રતિબંધ

૨૦૦૦ની સાલમાં તેણે ફિક્સિંગના આક્ષેપ સાથે કપિલ દેવ અને બીજા કેટલાક પ્લેયરો સામે આંગળી ચીંધી હતી, પરંતુ પરિણામ એ આવ્યું કે ખુદ પ્રભાકર જ દોષી જણાયો હતો.

હન્સી ક્રોન્યે (સાઉથ આફ્રિકા) - આજીવન પ્રતિબંધ

પિચ તેમ જ મૅચને લગતી વિવિધ પ્રકારની સ્થિતિઓ વિશેની તેમ જ મૅચના પરિણામ વિશેની માહિતી પૂરી પાડીને ફિક્સર પાસેથી પૈસા લેવા બદલ ૨૦૦૦માં ગુનેગાર ઠયોર્ હતો. ૨૦૦૧માં તેણે આજીવન પ્રતિબંધને પડકાયોર્ હતો અને પછીના વર્ષે રહસ્યમય વિમાન-અકસ્માતમાં તેનું મૃત્યુ થયું હતું.

હર્શેલ ગિબ્સ (સાઉથ આફ્રિકા) - છ મહિનાનો પ્રતિબંધ

નાગપુરની એક વન-ડેમાં ખરાબ રમવા ફિક્સર સાથે સંમત થયો હતો, પરંતુ નિર્ણય બદલીને સારું રમ્યો હતો અને ૫૩ બૉલમાં ૭૪ રન ફટકારી દીધા હતા.

હેન્રી વિલિયમ્સ (સાઉથ આફ્રિકા) - છ મહિનાનો પ્રતિબંધ

નાગપુરની એક વન-ડેમાં ખરાબ રમવા ફિક્સર સાથે સંમત થયો હતો.

મૉરિસ ઑડુમ્બે (કેન્યા) - પાંચ વર્ષનો પ્રતિબંધ

ફિક્સર પાસેથી પૈસા લીધા હતા.

માર્લન સૅમ્યુલ્સ (વેસ્ટ ઇન્ડીઝ) - બે વર્ષનો પ્રતિબંધ

ફિક્સર પાસેથી પૈસા લીધા હતા. ક્રિકેટને કલંક લાગી શકે એવી બીજી કેટલીક ફેવર પણ કરી હતી તેમ જ ભેટસોગાદો સ્વીકારી હતી. જોકે બૅન પૂરો કરીને થોડા મહિનાથી ફરી રમે છે અને હવે તો ભારત પણ આવ્યો છે.

સલમાન બટ (પાકિસ્તાન) - દસ વર્ષનો પ્રતિબંધ

સ્પૉટ-ફિક્સિંગમાં મુખ્ય ભૂમિકા ભજવવા બદલ ઇંગ્લૅન્ડમાં ૩૦ મહિનાની જેલની સજા પણ થઈ છે.

મોહમ્મદ આસિફ (પાકિસ્તાન) - સાત વર્ષનો પ્રતિબંધ

જાણી જોઈને નો બૉલ ફેંકવા જેવા સ્પૉટ-ફિક્સિંગમાં ભૂમિકા ભજવવા બદલ ઇંગ્લૅન્ડમાં ૧૨ મહિનાની જેલની સજા પણ થઈ છે.

મોહમ્મદ આમિર (પાકિસ્તાન) - પાંચ વર્ષનો પ્રતિબંધ

જાણી જોઈને નો બૉલ ફેંકવા સહિતના સ્પૉટ-ફિક્સિંગમાં ભૂમિકા ભજવવા બદલ ઇંગ્લૅન્ડમાં ૬ મહિનાની જેલની સજા પણ થઈ છે.

નોંધ : (૧) શેન વૉર્ન અને માર્ક વૉએ ૧૯૯૪માં એક ભારતીય બુકીને પિચ અને હવામાનને લગતી વિગતો પૂરી પાડવા બદલ પૈસા લીધા હતા. ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે શેન વૉર્નને ૧૦,૦૦૦ ઑસ્ટ્રેલિયન ડૉલરનો અને માર્ક વૉને પણ ૧૦,૦૦૦ ડૉલરનો દંડ કર્યો હતો. (૨) નયન મોંગિયા ફિક્સરો સાથે સંબંધ ધરાવતો હોવાની શંકાને પગલે તેને માર્ચ ૨૦૦૧ પછી રમવા નથી મળ્યું.