News in Short: ઈરાની કપમાં સૌરાષ્ટ્રની હાલત કફોડી

02 October, 2022 07:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રેસ્ટ ઑફ ઇન્ડિયાએ સૌરાષ્ટ્રના ૯૮ રનના જવાબમાં સરફરાઝની નૉટઆઉટ સેન્ચુરીની મદદથી બનાવ્યા ૩ વિકેટે ૨૦૫ રન, ઉમરાન મલિકથી ડર્યા બૅટર્સ

વિકેટની ઉજવણી કરતો ઉમરાન મલિક

પહેલાં મિડિયમ પેશર મુકેશ કુમારની સ્વિંગ બોલિંગ અને ત્યાર બાદ સરફરાઝ ખાનની આક્રમક ઇ​નિંગ્સે રાજકોટમાં શરૂ થયેલી ઈરાની ટ્રોફી મૅચના પહેલા દિવસે રેસ્ટ ઑફ ઇન્ડિયા રણજી ચૅમ્પિયન સૌરાષ્ટ્ર સામે મજબૂત સ્થિતિમાં આવી ગયું હતું. રમતનો સમય પૂરો થયો ત્યારે સરફરાઝના ૧૨૬ બૉલમાં નૉટઆઉટ ૧૨૫ રનની મદદથી રેસ્ટ ઑફ ઇન્ડિયાએ ૩ વિકેટે ૨૦૫ રન બનાવ્યા હતા. મુકેશે (૧૦ ઓવરમાં ૪ વિકેટ) ઉપરાંત કુલદીપ સેને (૭ રન આપીને ૩ વિકેટ) અને ઉમરાન મલિકે (૫.૫ ઓવરમાં ૩ વિકેટ) ઝડપતાં ૨૦૧૯-’૨૦ની રણજી ચૅમ્પિયન સૌરાષ્ટ્રની ટીમ ૨૪.૫ ઓવરમાં ૯૮ રનમાં જ ઑલઆઉટ થઈ ગઈ હતી.

સિલેક્શન કમિટીના ચૅરમૅન ચેતન શર્મા અને સુનીલ જોશીની હાજરીમાં સરફરાઝે ૧૯ બાઉન્ડરી અને ત્રણ સિક્સર ફટકારી હતી. ૧૮ રનમાં ત્રણ વિકેટ ગુમાવનાર રેસ્ટ ઑફ ઇન્ડિયાએ ચોથી વિકેટ માટે નૉટઆઉટ ૧૮૫ રનની પાર્ટનરશિપ હનુમા વિહારી (૬૨) સાથે કરી હતી. સવારે પિચે અપેક્ષા કરતાં વધુ ફાસ્ટ બોલરોને યારી આપી હતી. ચેતેશ્વર પુજારાની વિકેટ કુલદીપ સેને લીધી હતી. ઉમરાન મલિકના ૧૪૫ કરતાં વધુ ઝડપથી આવતા બૉલ સામે સૌરાષ્ટ્રના બૅટરો ઈજાથી બચવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.

ઉન્મુક્ત ચંદ ઈજાગ્રસ્ત

૨૦૧૨માં ભારતની અન્ડર-19 વર્લ્ડ કપ વિજેતા ટીમના કૅપ્ટન ઉન્મુક્ત ચંદ અમેરિકામાં માઇનર લીગ ક્રિકેટમાં સિલિકૉન વૅલી સ્ટ્રાઇકર્સ તરફથી રમતાં ઈજાગ્રસ્ત થયો હતો. અમેરિકામાં રમવા માટે ભારતીય ક્રિકેટમાંથી નિવૃ‌ત્ત‌િ જાહેર કરનાર ૨૯ વર્ષના ઉન્મુક્ત ચંદે સોશ્યલ મીડિયામાં પોતાની સૂજેલી આંખનો ફોટો શૅર કર્યો હતો અને કહ્યું હતું કે ‘ઍથ્લીટ માટે ક્યારેય કોઈ વાત સરળ હોતી નથી. ક્યારેક ઈજાગ્રસ્ત થઈને ઘરે આવો છે.’

વિમેન્સ કબડ્ડી ફાઇનલમાં હિમાચલે મહારાષ્ટ્રને હરાવ્યું

નૅશનલ ગેમ્સની મહિલાઓની કબડ્ડી ફાઇનલમાં ગઈ કાલે હિમાચલ પ્રદેશે મહારાષ્ટ્રની ટીમને ૨૭-૨૨થી હરાવીને પહેલી વખત ગોલ્ડ જીત્યો હતો. અમદાવાદમાં રમાયેલી મૅચમાં શરૂઆતથી જ હિમાચલની ટીમે દબદબો જાળવી રાખ્યો હતો. હિમાચલની ટીમ સેમી ફાઇનલમાં હરિયાણાને હરાવીને ફાઇનલમાં આવી હતી. ટીમના કોચ સંજીવ ઠાકુરે કહ્યું હતું કે સાક્ષી શર્મા, નિધિ શર્મા, પુષ્પા અને જ્યોતી આગામી સમયમાં દેશનું ભવિષ્ય છે. 

sports news cricket news