શોએબ અખ્તરને ભારતમાં ક્યારેય પગ નહીં મૂકવા દેતા

27 September, 2011 08:43 PM IST  | 

શોએબ અખ્તરને ભારતમાં ક્યારેય પગ નહીં મૂકવા દેતા

 

સરફરાઝ નવાઝે કહ્યું કે સચિન અને દ્રવિડને લાંછન લગાડનાર અમારા દેશનો આ વિવાદાસ્પદ ફાસ્ટ બોલર તદ્દન જુઠ્ઠો જ છે

હરિત એન. જોશી


મુંબઈ, તા. ૨૭


વસીમ અકરમ સહિત ઘણા ભૂતપૂર્વ પાકિસ્તાની પ્લેયરોએ શોએબને વિવાદાસ્પદ આત્મકથાના પુસ્તકો વેચીને પુષ્કળ પૈસા કમાવાની તરકીબ તરીકે ઓળખાવી ત્યાર બાદ ગઈ કાલે ભૂતપૂર્વ સ્વિંગ-સ્પેશ્યલિસ્ટ સરફરાઝ નવાઝે લાહોરથી ફોન પર ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં રાવલપિંડી તરીકે જાણીતા શોએબ અખ્તર વિશે કહ્યું હતું કે ‘ભારતીય મિડિયાએ તો શોએબના પુસ્તકના વિમોચનને લગતા કાર્યક્રમનો બહિષ્કાર કરવો જ જોઈએ, ભારત સરકારે ભારતમાં તેની બુકની એકેય નકલ ન વેચાય એની ખાસ તકેદારી રાખવી જોઈએ. હું તો કહું છું કે શોએબને હવે પછી ભારતમાં આવવા જ નહીં દેતા.’


શોએબે આત્મકથામાં પોતે ઘણી વખત બૉલ-ટૅમ્પરિંગ કર્યું હોવાની વાત કરવાની સાથે પોતાના દેશના બોલરોએ પણ આવું કર્યું હોવાનું લખ્યું છે. શોએબે ખાસ કરીને સચિન વિશે લખ્યું છે કે તે મારા શૉર્ટ-પિચ્ડ બૉલથી બહુ ડરતો હતો.


શોએબે સચિન અને રાહુલ દ્રવિડમાં મૅચ જિતાડવાની કાબેલિયત નથી એવું પણ લખ્યું છે જેના કારણે ભારતભરમાં અને વિશ્વભરના ભારતતરફી ક્રિકેટપ્રેમીઓમાં શોએબ પ્રત્યે રોષ જાગ્યો છે.


અકરમ વિશેનો આક્ષેપ પણ ખોટો ૬૨ વર્ષના સરફરાઝે શોએબના આક્ષેપો વિશે એવું પણ કહ્યું હતું કે ‘સચિન અને દ્રવિડ હજારો રન કરનાર વિશ્વના ગ્રેટેસ્ટ બૅટ્સમેનો છે એટલે શોએબ તેમની કાબેલિયત વિશે સવાલ ઉઠાવે એ વાતમાં શું દમ છે. શોએબ કહે છે કે વસીમ અકરમે તેની કરીઅર બગાડવાનો પ્રયત્ન કયોર્ હતો. શોએબનો આ આક્ષેપ પણ ખોટો છે. અકરમ ૨૦૦૩માં રિટાયર થઈ ગયો હતો અને શોએબ આ વર્ષના વલ્ર્ડ કપ સુધી રમ્યો હતો. અકરમે તેની કારકર્દિી બગાડી એવી તેની વાતમાં પણ દમ નથી.’


શાહરુખ વિશે શોએબનું ડબલ સ્ટાન્ડર્ડ


કલકત્તા નાઇટ રાઇડર્સના કો-ઓનર શાહરુખ ખાને મૅચ ફીની બાબતમાં પોતાની સાથે છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ પણ શોએબ અખ્તરે આત્મકથામાં કયોર્ છે. સરફરાઝે એ બાબતમાં  ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શોએબનું આ બધુ પોતાની બુક વેચવા માટેનું માત્ર પબ્લિસિટી સ્ટન્ટ છે. આઇપીએલમાં પહેલાં તેણે શાહરુખની વાહ-વાહ કરી હતી અને હવે તેના પર ચીટિંગનો આરોપ મૂકે છે. આવા માણસ પર ભરોસો કેવી રીતે કરાય. શોએબ પહેલાં પણ જુઠ્ઠો હતો અને હવે આત્મકથામાં પણ જૂઠ્ઠું કહ્યું છે. તે એક નંબરનો જુઠ્ઠો છે.’


બૅન્ગલોરમાં પણ ફંક્શન રદ


શોએબ અખ્તરની આત્મકથા ‘કન્ટ્રોવર્શિયલી યૉર્સ’ના વિમોચન વિશે મુંબઈમાં બે સમારંભો રદ થયા પછી આજે બૅન્ગલોરમાં પણ એવું એક ફંકશન યોજાવાનું હતું અને એમાં શોએબ અખ્તર હાજરી આપવાનો હતો, પરંતુ એ ફંકશન પણ કૅન્સલ કરી નાખવામાં આવ્યું હતું.

શોએબ માફી માગે : દેશમુખ

શોએબે અખ્તરે સચિન તેન્ડુલકર અને રાહુલ દ્રવિડને ઉતારી પાડતી જે કમેન્ટ આત્મકથામાં લખી છે એ બદલ તેણે બન્ને મહાન પ્લેયરોની તેમ જ ભારતની માફી માગવી જોઈએ એવી માગણી ભારતીય ક્રિકેટ બોર્ડે કર્યા બાદ ગઈ કાલે મુંબઈ ક્રિકેટ અસોસિએશનના પ્રમુખ વિલાસરાવ દેશમુખે પણ કહ્યું હતું કે ‘શોએબની કમેન્ટ્સની ખૂબ ટીકા થવી જોઈએ. શોએબે સચિન અને દ્રવિડની માફી માગવી જોઈએ.’

શોએબ અખ્તરે બૉલ સાથે ચેડાં કયાર઼્ હોવાની આત્મકથામાં કબૂલાત કરી છે એ જોતાં આઇસીસી અને પાકિસ્તાન બોર્ડે તેની સામે પગલાં ભરવાં જ જોઈએ. શોએબે આવો દાવો કરીને પાકિસ્તાનને કલંક લગાડ્યું છે. તે પ્લેયરો માટેના નિયમો અગાઉ ઘણી વખત તોડી ચૂક્યો છે - સરફરાઝ નવાઝ