15 March, 2026 12:43 PM IST | Mumbai | Rashmin Shah
પપ્પા વિશ્વનાથ અને ભાઈ સૅલી સાથે. પત્ની ચારુલતા સાથે.
સપના સમી ટુર્નામેન્ટ શરૂ થાય છે અને સંજુને ફાઇનલ સ્ક્વૉડમાં પસંદ કરવામાં નથી આવતો. એક કે બે મૅચ પૂરતો નહીં, લગાતાર ૪ મૅચ સુધી. એ ૪ મૅચ સુધી જે ચારેચાર મૅચ ઇન્ડિયા જીતે છે. સામાન્ય રીતે જીતેલી ટીમને ચેન્જ કરવાનું ટીમ-મૅનેજમેન્ટ કે કૅપ્ટન પસંદ નથી કરતા. સંજુ સૅમસનની આશા ઓસરવાની શરૂ થાય છે અને ઓસરતી આશા વચ્ચે સંજુ સૅમસનને પાંચમી મૅચમાં ફાઇનલ ઇલેવનમાં લેવામાં આવે છે. પત્યું. સપનું સાકાર થયું અને સાકાર થયેલા એ સપના વચ્ચે હવે જાતને પ્રૂવ કરવાની હતી. સંજુ કેવી રીતે એ તક છોડી શકે.
T20 વર્લ્ડ કપની છેલ્લી પાંચ જ મૅચ રમેલા સંજુ સૅમસને પાંચ ઇનિંગ્સમાં ૧૯૯.૩૭ના સ્ટ્રાઇકરેટ સાથે ૩૨૧ રન કર્યા અને તેને ટીમની બહાર બેસાડી રાખનારાઓની બોલતી બંધ કરી દીધી. નૉકઆઉટની ત્રણેત્રણ મૅચમાં તેણે હાફ સેન્ચુરી કરી તો સેમી-ફાઇનલ અને ફાઇનલમાં ભલભલાને પરસેવો પાડી દીધો. સેમી-ફાઇનલમાં ઇંગ્લૅન્ડ સામે તેણે માત્ર ૪૨ બૉલમાં ૮૯ રન કર્યા અને ફાઇનલમાં ન્યુ ઝીલૅન્ડ સામે આ જ સ્કોર ૪૬ બૉલમાં કર્યો. માત્ર પાંચ મૅચ રમેલા સંજુને પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ મળ્યો અને એ જ રાતે થયેલી પ્રેસ-કૉન્ફરન્સમાં સંજુએ મીડિયા સામે સચિન તેન્ડુલકરનો આભાર માન્યો. સંજુ કહે છે, ‘સચિનસરના શબ્દો હતા કે દરેક ડક (શૂન્ય) સાથે તારી પ્રૅક્ટિસ વધવી જોઈએ અને દરેક ડ્રૉપ (મૅચમાંથી)થી તારું ઝનૂન વધવું જોઈએ. જો તું એ કરી શક્યો તો તારી સક્સેસને કોઈ રોકી નહીં શકે.’
સંજુએ એ જ કર્યું અને મજાની વાત એ છે કે આજ સુધી તે આ જ ટ્રૅક પર ચાલતો આવ્યો છે; પછી એ તેની શરૂઆતના સ્ટ્રગલના દિવસો હોય કે પોતાની લવ-સ્ટોરી હોય, ડ્રૉપ થવાને કારણે આવેલું ડિપ્રેશન હોય કે મળેલી જ્વલંત સફળતા હોય.
કરીઅરની બેસ્ટ ટુર્નામેન્ટ રમી ચૂકેલા સંજુની કરીઅરના શરૂઆતના દિવસો જોવા જેવા છે.
ઓપનિંગ બૉલ
૧૯૯૪ની ૧૧ નવેમ્બરે કેરલમના વિઝિંજમમાં જન્મેલા સંજુના પપ્પા વિશ્વનાથ સૅમસન દિલ્હી પોલીસમાં કૉન્સ્ટેબલ હતા તો મમ્મી િલલી સૅમસન પોતાના બન્ને દીકરાઓને સંભાળતાં. સંજુનું નાનપણ દિલ્હીમાં પસાર થયું અને દિલ્હીમાં જ તેણે ક્રિકેટ રમવાની શરૂઆત કરી. સંજુનો મોટો ભાઈ સૅલી પણ ક્રિકેટ-ફીલ્ડમાં છે, પણ અનફૉર્ચ્યુનેટલી તેને સ્ટેટ કે નૅશનલ ટીમમાં રમવાનો ચાન્સ મળ્યો નહીં. હા, કેરલમ તરફથી તે જુનિયર લેવલે ક્રિકેટ રમ્યો છે. હમણાં જ કેરલમમાં શરૂ થયેલી કેરલા ક્રિકેટ લીગમાં સૅલી કોચી બ્લુ ટાઇગર્સનો કૅપ્ટન છે.
ફરી પાછા આવીએ સંજુ પર.
સૅલીની જેમ જ સંજુએ પણ નાનપણથી જ ક્રિકેટની શરૂઆત કરી દીધી, પણ કમનસીબે દિલ્હીની અન્ડર-૧૩ ટીમમાં તેનું સિલેક્શન થયું નહીં અને પપ્પાનું હૃદય તૂટી ગયું. વિશ્વનાથ સૅમસનને લાગ્યું કે દિલ્હીમાં રહેતા હોવાથી તે પોતાના દીકરાઓને પૂરતો સમય આપી શક્યા નહીં. તેમણે નિર્ણય લઈ લીધો અને દિલ્હી પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને આખી ફૅમિલી સાથે કેરલમ શિફ્ટ થઈ ગયા. હેતુ માત્ર એક જ કે સંજુની ક્રિકેટ-કરીઅર પર તે ધ્યાન આપી શકે. સંજુ કહે છે, ‘પપ્પા જો મારી પાછળ ન ઊભા હોત તો કદાચ હું અહીં સુધી પહોંચી ન શક્યો હોત.’
સંજુની વાતમાં સહેજ પણ અતિશિયોક્તિ નથી.
ક્રિટિકલ સિચુએશન
સંજુ સૅમસનના પપ્પા વિશ્વનાથ સૅમસને પોતાના દીકરાના સપના માટે સૌથી સેફ ગણાતી પોતાની પોલીસ-કરીઅરથી માંડીને પોતાની સુખ-સુવિધાઓનો ત્યાગ કર્યો અને એની પાછળ તેમનો પોતાનો ભૂતકાળ હતો.
વિશ્વનાથ સૅમસન એક સમયે બહુ સરસ ફુટબૉલ રમતા, પણ ઘરની જવાબદારીઓ વચ્ચે તે ફુટબૉલની કરીઅર પર ધ્યાન આપી શક્યા નહીં અને તેમણે સરકારી નોકરી સ્વીકારી લેવી પડી. પોતે ઇચ્છતા નહોતા કે દીકરા સાથે પણ એવું જ બને. જો દિલ્હીમાં પોતે રહેશે તો દિલ્હીની ક્રિકેટ-કૉમ્પિટિશન વચ્ચે સંજુ વધારે સારો પર્ફોર્મન્સ નહીં આપી શકે અને મેન્ટલી અપસેટ થઈને ક્રિકેટ છોડી દેશે અને જો એવું બનશે તો પોતે પોતાની જાતને ક્યારેય માફ નહીં કરી શકે એવું ધારીને વિશ્વનાથ સૅમસને નોકરીમાંથી રાજીનામું આપીને માતૃભૂમિ એવું કેરલમ સ્ટેટ પકડ્યું જ્યાં સંજુ સામે આગળ વધવાનો સ્કોપ હતો. જૉબ છોડતા હતા ત્યારે તેમને રોકવાનું કામ તેમના સહકર્મચારીઓએ કર્યું હતું તો કેટલાકે તો તેમના આ નિર્ણયને ગાંડપણ સાથે પણ સરખાવ્યો હતો. વિશ્વનાથ સૅમસન કહે છે, ‘મને એ ટૅગ મંજૂર હતો પણ અફસોસ મંજૂર નહોતો એટલે લોકોને લાગતું હતું છતાં પણ હું મારા નિર્ણય પર અડગ રહ્યો અને ગવર્નમેન્ટ જૉબ છોડી દીધી.’
કેરલમમાં સંજુના કોચ પપ્પા પોતે બન્યા. રોજ સવારે તે ૪ વાગ્યે સંજુ અને સૅલીને જગાડી દે અને બન્નેને પોતાની જૂની મારુતિ કારમાં લઈને પ્રૅક્ટિસ માટે જાય. વરસાદ હોય કે ધગધગતો તડકો, બચ્ચાઓનું શરીર તાવથી તૂટતું હોય કે પોતે શરદી અને ખાંસીથી સતત પીડાતા હોય - વિશ્વનાથ સૅમસને સંજુ-સૅલીની પ્રૅક્ટિસમાં કોઈ બાંધછોડ નહોતી કરી. અરે, સેકન્ડ-હૅન્ડ મારુતિ લેવા પાછળ પણ બાળકોની કરીઅર જ મહત્ત્વની હતી. વિશ્વનાથ સૅમસન કહે છે, ‘શરૂઆતમાં અમારે લોકલ બસમાં જવું પડતું. સંજુ-સૅલીની ભારેખમ ક્રિકેટકિટ અને બસનું ટ્રાવેલિંગ. બનતું એવું કે મેદાન સુધી પહોંચતાં સુધીમાં તે બન્નેની એનર્જી ખર્ચાઈ જતી, જે તેમના પર્ફોર્મન્સમાં દેખાતું એટલે મારી પાસે હતા એ દોઢ લાખ રૂપિયામાંથી ૯૦,૦૦૦ રૂપિયાની કાર લીધી અને પ્રૅક્ટિસમાં જવાનું શરૂ કર્યું.’
સંજુ જ્યારે બૅટિંગની પ્રૅક્ટિસ કરતો ત્યારે પપ્પા કલાકો સુધી તેને બોલિંગ કરતા. સંજુની સ્ટ્રેન્થ વધે એ માટે પપ્પા પોતે ટાર્ગેટ રાખતા કે આજે તેણે ૧૦૦૦ બૉલ રમવાનું છે, જેના માટે તે ૧૦૦૦ બૉલની બોલિંગ કરતા. નૅચરલી પપ્પા થાકી જાય એટલે બોલિંગ પડતી મૂકીને આડેધડ બૉલના ઘા કરતા, પણ સંજુએ ઑથેન્ટિક ક્રિકેટ જ રમવાનું. સંજુ આજે ગ્રાઉન્ડ પર જે ક્લાસી શૉટ્સ ફટકારે છે એની પાછળ તેના પપ્પાની આ જ મહેનત બોલે છે.
સ્ટ્રેઇટ ડ્રાઇવ
સંજુ સૅમસનની મહેનત ફળી અને ૨૦૧૧માં તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું. એ પછી પણ એકધારો ચમકદાર પર્ફોર્મન્સ ચાલુ રહ્યો અને ૨૦૧૩માં રાજસ્થાન રૉયલ્સે સંજુને માત્ર ૧૮ વર્ષની ઉંમરે પોતાની ટીમમાં લઈ લીધો અને પહેલા જ વર્ષે સંજુ IPLનો બેસ્ટ યંગ પ્લેયર બન્યો. સતત બે વર્ષ સુધી IPLમાં ધમાકેદાર પર્ફોર્મ કરનારા સંજુને ટીમ ઇન્ડિયામાં સ્થાન મળ્યું ૨૦૧પમાં અને ઝિમ્બાબ્વે સામેની T20 ટુર્નામેન્ટ માટે સિલેક્ટ કર્યો. અલબત્ત, એ પછી પણ ટીમ ઇન્ડિયાની વન-ડે ટીમ માટે સંજુએ છેક ૬ વર્ષ રાહ જોવી પડી અને ૨૦૨૧માં તેને શ્રીલંકા સામે પહેલી વન-ડે રમવા મળી. સંજુ કહે છે, ‘મારા અપ્સ ઍન્ડ ડાઉનના સમયમાં મને બે વ્યક્તિએ હંમેશાં મદદ કરી છે. એક છે સચિન તેન્ડુલકર અને બીજા છે વિશ્વનાથ સૅમસન એટલે કે મારા પપ્પા.’
સચિનની વાત થોડો સમય બાજુ પર રાખીને ફરી આપણે સૅમસન ફાધર-સન પર આવીએ તો તમને જાણીને અચરજ થશે કે વિશ્વનાથ સૅમસને આજ સુધીમાં ક્યારેય સંજુનાં વખાણ નથી કર્યાં. સંજુ કહે છે, ‘મારા પપ્પા હંમેશાં મારા ક્રિટિક રહ્યા છે. હું ૧૦૦ રન કરીને આઉટ થાઉં તો તે મને ફોન કરીને કહેશે કે મેં ક્યાં-ક્યાં કઈ-કઈ ભૂલ કરી. ધારો કે ૧૦૦ રને હું નૉટઆઉટ રહ્યો હોઉં તો તે મને કહેશે કે કયા-કયા શૉટ્સમાં હું રન લેવામાં કાચો પડ્યો. જો મેં એ ધ્યાન રાખ્યું હોત તો હું ૧૦૦ રન પર નહીં, ૧૨૫ કે ૧૫૦ રન પર હોત.’
સંજુ ઘણી વાર તેના પપ્પાને કહે કે કંઈક સારું તો બોલો અને તેના પપ્પાનો જવાબ હોય : જે દિવસે સારું કહીશ એ દિવસે તારો પ્રોગ્રેસ અટકી જશે.
તમારો સાચો ગુરુ એ જ જે તમને રગેરગથી ઓળખતો હોય અને તમારા વિકાસને અટકાવવા ન માગતો હોય. વિશ્વનાથ સૅમસન એવા જ એક ગુરુ છે અને એવા જ ગુરુ તે સચિન તેન્ડુલકરને માને છે. એક સમય હતો કે સંજુ ટૅલન્ટેડ હોવા છતાં ટીમ ઇન્ડિયામાં અંદર-બહાર થતો, તેને ફૉર્મ સાથ નહોતું આપતું. એ સમયે સચિન તેન્ડુલકરે તેની સાથે વ્યક્તિગત વાત કરીને તેને સમજાવ્યું કે ‘તારી પાસે ટૅલન્ટ છે. બસ, એટલું જ યાદ રાખ અને જ્યારે પણ રમવા મળે ત્યારે એનો આનંદ લે. સિલેક્શનના પ્રેશરમાં તું તારી ગેમને બગાડવાની ભૂલ ન કરતો.’
સંજુ માટે આ સલાહ ગોલ્ડન વર્ડ્સ બની તો એવી જ બીજી સલાહ તેને IPL સમયે મળી. રાજસ્થાન રૉયલ્સ માટે રમતા સંજુને સચિન તેન્ડુલકર મેદાન પર મળ્યો. સચિને સંજુની બૅટિંગ-ટેક્નિક અને ખાસ કરીને ‘શૉટ સિલેક્શન’ બાબતે કેટલીક મહત્ત્વની ટિપ્સ આપી. સંજુ કહે છે, ‘જ્યારે ક્રિકેટના ભગવાન તમને આવીને કહે કે તમે સારું રમો છો ત્યારે તમારો આત્મવિશ્વાસ સાતમા આસમાને પહોંચી જાય.’
હમણાંની જ વાત કરીએને. હમણાં પૂરા થયેલા વર્લ્ડ કપની છેલ્લી પાંચ મૅચમાં સંજુએ શાનદાર પ્રદર્શન કર્યું ત્યારે સચિન તેન્ડુલકરે ટ્વીટ કરીને સંજુનાં વખાણ કર્યાં અને લખ્યું, ‘સંજુ, તારી ધીરજ અને હાર્ડકોર મહેનતનું ફળ આજે તને મળ્યું છે.’
સંજુ માટે સચિનના આ શબ્દો T20 વર્લ્ડ કપમાં મળેલા પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટના ખિતાબથી પણ વધારે મોટા છે.
કવર ડ્રાઇવ
હમણાં જ પૂરા થયેલા T20 વર્લ્ડ કપમાં સંજુ પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ બન્યો ત્યારે ચારુલતા રમેશ નામની એક લેડીએ ઇન્સ્ટાગ્રામ પર સંજુ સાથે પોતાનો ફોટો શૅર કર્યો અને લખ્યું ઃ My trophy holding his trophy.
ચારુલતા સંજુની વાઇફ છે અને ચારુલતાના શબ્દોમાં રહેલી આ કાવ્યાત્મકતા પાછળ તેના પપ્પા જવાબદાર છે. ચારુલતા અને સંજુની લવસ્ટોરી કોઈ ફિલ્મની સ્ટોરીથી સહેજ પણ ઓછી ઊતરતી નથી. ચારુ અને સંજુ બન્ને તિરુવનંતપુરમની માર ઇવાનિયોસ કૉલેજમાં ભણતાં. ચારુએ કેમિસ્ટ્રીમાં ગ્રૅજ્યુએશન કર્યું અને એ પછી તેણે હ્યુમન રિસોર્સમાં પોસ્ટ-ગ્રૅજ્યુએશન કર્યું. નજીકના સમયમાં તે એમ્પ્લૉયમેન્ટ માટેની એક વિશિષ્ટ પ્રકારની મોબાઇલ ઍપ્લિકેશન શરૂ કરવાની છે. બાય ધ વે, ચારુના પપ્પા બી. રમેશકુમાર જાણીતા મલયાલમ ન્યુઝપેપર ‘માતૃભૂમિ’ના ચીફ ન્યુઝ-એડિટર છે અને મલયાલમના બહુ જાણીતા લેખક પણ છે.
ચારુ અને સંજુ બન્ને પહેલી વાર સોશ્યલ મીડિયા પર મળ્યાં. ફેસબુક પર સંજુએ જ સામેથી ચારુને ફ્રેન્ડ-રિક્વેસ્ટ મોકલી અને એ એક ‘Hi’એ બન્નેની લાઇફ બદલી નાખી. વાતો ધીમે-ધીમે વધવાની શરૂ થઈ અને પછી એ પર્સનલ મુલાકાતોમાં અને ડેટમાં કન્વર્ટ થતી રહી. અલબત્ત, બન્ને વચ્ચે ધર્મની એક મોટી લક્ષ્મણરેખા હતી. ચારુ હિન્દુ અને સંજુ ક્રિશ્ચિયન. સંજુના ઘરમાં તો આ સંબંધ સ્વીકાર્ય હતા, પણ ચારુની ફૅમિલીમાં વિરોધ થવાની સંભાવના હતી અને એટલે જ બન્નેએ નક્કી કર્યુ કે આ સંબંધોને જાહેરમાં આવવા દેવા નહીં અને લગાતાર ૭ વર્ષ સુધી તેમણે રિલેશનશિપને અન્ડર-કવર રાખી.
એ દિવસોમાં સંજુ ડોમેસ્ટિક ક્રિકેટ રમતો અને IPLની તેની શરૂઆત હતી, પણ ટીમ ઇન્ડિયાનું સપનું તેનું અધૂરું હતું. ચારુ પણ ઇચ્છતી કે સંજુ અત્યારે સંબંધો પર ધ્યાન આપવાને બદલે કરીઅર પર ધ્યાન આપે. સંજુ કહે છે, ‘ઘણી વાર તો અમે એકબીજાને છ-છ મહિના સુધી મળી શકતાં નહીં અને કેટલીક વાર તો એકેક વીક સુધી અમારી વાત પણ ન થાય, પણ થૅન્ક ગૉડ કે ચારુએ ક્યારેય એ બધા માટે પ્રેશર કર્યું નહીં અને હું મારી કરીઅર પર ધ્યાન આપી શક્યો.’
તમને જાણીને નવાઈ લાગશે પણ સંજુ સાથે ક્રિકેટ રમતા સાથીઓને પણ ખબર નહોતી કે સંજુ કોઈના પ્રેમમાં છે. બધાને છેક એ સમયે ખબર પડી જ્યારે સંજુએ ૨૦૧૮માં પહેલી વાર તેનો અને ચારુલતાનો ફોટોગ્રાફ સોશ્યલ મીડિયા પર શૅર કર્યો.
વિનિંગ શૉટ
૨૦૧૮ની બાવીસમી ડિસેમ્બરે કેરલમના કોવલમમાં બન્નેએ સ્પેશ્યલ મૅરેજ ઍક્ટ હેઠળ મૅરેજ કર્યાં અને બન્ને ફૅમિલીએ પણ એકબીજાને સહર્ષ સ્વીકારી. બી. રમેશકુમારે જ્યારે ચારુ અને સંજુની લવસ્ટોરી સાંભળી ત્યારે તેમની આંખો ભીની થઈ ગઈ હતી. દીકરી સતત એક એવી વ્યક્તિને સપોર્ટ કરી રહી છે જે દેશનું નામ રોશન કરવા માટે મહેનત કરે છે અને એ પછી પણ દીકરીના ફેસ પર કોઈ ફરિયાદ નથી એ જાણ્યા પછી કયા બાપની આંખો ભીની ન થાય.
એકધારા ચડાવ-ઉતાર સાથેની કરીઅર ધરાવતા સંજુના જીવનના આ અપ્સ ઍન્ડ ડાઉન ચારુલતાએ બહુ નજીકથી જોયા છે. સંજુ કહે છે, ‘હું બહુ સહજ રીતે તૂટી પડ્યો હોત, પણ ચારુએ મારા બૅકબોન બનવાનું કામ કર્યું જે માટે હું આખી જિંદગી તેનો આભારી રહીશ.’
ચારુને સંજુ પોંડતી (તામિલમાં પત્ની) કહે છે. હજી હમણાં જ ચારુને આ સંબોધન કરીને સંજુએ સોશ્યલ મીડિયા પર લાંબી પોસ્ટ મૂકીને લખ્યું હતું, ‘તને મળ્યો ત્યારથી લઈને આજ સુધી મારી સાથે રહેવા બદલ, હું જેવો છું એવો સ્વીકારવા માટે અને મારી સાથે હંમેશાં સત્ય અને ઈમાનદારીથી રહેવા માટે આભાર. તેં મારો સૌથી સારો અને સૌથી ખરાબ એમ બન્ને સમય જોયો છે અને દરેક વખતે મારી સાથે ઊભી રહી છે. ક્રિકેટ મારા જીવનમાં કેટલું મહત્ત્વ ધરાવે છે એ સમજવા અને મારા એ ઝનૂનથી લઈને આ સપના સુધી સાથે રહેવા માટે તારો આભાર.’
સંજુ સૅમસનની નેટવર્થ
૧૦૦ કરોડ રૂપિયાની નેટવર્થ ધરાવતા સંજુ સૅમસન પાસે શું-શું છે?
૧. કેરલમના તિરુવનંતપુરમ શહેરમાં આલીશાન બંગલો
આ બંગલામાં સંજુનું પોતાનું જિમ છે. આખો બંગલો સ્માર્ટ હોમ ટેક્નૉલૉજીથી સજ્જ છે. આ બંગલામાં ૭ રૂમ છે અને એમાં જ સ્વિમિંગ-પૂલ પણ છે. સંજુના આ બંગલાની કિંમત અંદાજે ૭ કરોડ રૂપિયા છે.
૨. ગાડીઓનો કાફલો
સંજુ પાસે ૬ પ્રીમિયમ કાર છે જેમાં રેન્જરોવરની ઑટોબાયોગ્રાફી અને સ્પોર્ટ મૉડલ છે તો સાથોસાથ સંજુ પાસે આઉડી Q8, BMWની ગ્રાંકૂપે અને લેક્સસની લેટેસ્ટ કારનો સમાવેશ થાય છે. આ ૬ કારની કિંમત અંદાજે પાંચ કરોડ રૂપિયા છે.
૩. પ્રૉપર્ટી ઇન્વેસ્ટમેન્ટ તિરુવનંતપુરમ ઉપરાંત સંજુ પાસે મુંબઈ, બૅન્ગલોર અને હૈદરાબાદમાં પણ પ્રૉપર્ટી છે.
સાચું જ કહ્યું છેને, દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે.
જો કોઈને એવું લાગતું હોય કે મેં સંજુ માટે ઘણો ભોગ આપ્યો છે તો એ ખોટું છે. હું તેનો પિતા છું. મેં જે કર્યું એ મારી ફરજ છે જે મેં નિભાવી છે એટલે મને એવી કોઈ વાત સાંભળવી નથી કે સંજુ માટે મેં ઘણું કર્યું. ના, નહીં. દરેક પિતા પોતાનાં સંતાનો માટે આટલું તો કરે જ. - વિશ્વનાથ સૅમસન