સંજુ સૅમસને ફટકારી સીઝનની પહેલી સદી

12 April, 2017 07:36 AM IST  | 

સંજુ સૅમસને ફટકારી સીઝનની પહેલી સદી



ગઈ કાલે પુણેમાં રમાયેલી મૅચમાં બૅટ્સમૅન સંજુ સૅમસને ફટકારેલી સદીને કારણે દિલ્હીએ પુણેને ૯૭ રનથી હરાવ્યું હતું. સંજુની સદીને કારણે દિલ્હીએ આપેલા ૨૦૬ રનના લક્ષ્યાંક સામે પુણેની ટીમ ૧૦૮ રનમાં ઑલઆઉટ થઈ હતી. પુણેની ટીમ તરફથી રજત ભાટિયાએ સૌથી વધુ ૧૬ રન કર્યા હતા. દિલ્હીના સ્પિનર અમિત મિશ્રાએ ૩ ઓવરમાં ૧૧ રન આપી ત્રણ વિકેટ લીધી હતી.

સીઝનની પહેલી સદી

સંજુ સૅમસનની સદી (૧૦૨) અને છેલ્લી ઓવરોમાં ક્રિસ મૉરિસની (નૉટઆઉટ ૩૮) આક્રમક ઇનિંગ્સને કારણે દિલ્હીએ ગઈ કાલે પુણે સામે જીત માટે ૨૦૬ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશનના મેદાનમાં દિલ્હીને બૅટિંગ માટેનું આમંત્રણ મળતાં એણે નિર્ધારિત ઓવરમાં ચાર વિકેટના નુકસાન પર ૨૦૫ રન કર્યા હતા. ખરાબ શરૂઆત બાદ સંજુએ દિલ્હીની ઇનિંગ્સને સંભાળતાં સૅમ બિલિંગ્સ (૨૪) અને રિષભ પંત (૩૧) સાથે પાર્ટનરશિપ કરી હતી. તેણે ૬૩ બૉલમાં પાંચ સિક્સર અને ૮ ચોગ્ગાની મદદથી ૧૦૨ રન કર્યા હતા. આ સંજુની ત્ભ્ન્ની પહેલી સદી છે. દિલ્હીની ટીમે ૨૦૧૨ બાદ પહેલી વખત ૨૦૦ કરતાં વધુ રન કર્યા હતા.

સિક્સર સાથે પૂર્ણ કરી સદી

રિષભ પંત કમનસીબે  રન-આઉટ થયો હતો. જોકે તે આઉટ થયા છતાં સંજુએ આક્રમક બૅટિંગ ચાલુ રાખી હતી. ૧૯મી ઓવરના પહેલા બૉલમાં સંજુએ ઍડમ ઝૅમ્પાના બૉલમાં સિક્સર સાથે સદી પૂરી કરી હતી. ત્યાર બાદ બીજા જ બૉલમાં તે બોલ્ડ થયો હતો. સંજુને બદલે આવેલા ક્રિસ મૉરિસે ચાર બૉલમાં ૧૬ રન કર્યા હતા. તેણે બેન સ્ટોક્સે ફેંકેલી છેલ્લી ઓવરમાં બે સિક્સર અને બે ચોગ્ગાની મદદથી ૨૩ રન કર્યા હતા.

સ્મિથને બદલે રહાણે કૅપ્ટન

ખરાબ તબિયતને કારણે સ્ટીવન સ્મિથને બદલે કૅપ્ટન્સી સંભાળનારા અજિંક્ય રહાણેએ પહેલાં ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે આ નિર્ણય ટીમ માટે ખોટો સાબિત થયો હતો. પેટમાં થયેલી ગરબડને કારણે સ્મિથ આ મૅચ નહોતો રમી શક્યો. પિતાના અવસાનને કારણે મનોજ તિવારી પણ આ મૅચ નહોતો રમી શક્યો.