06 July, 2025 12:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજુ સૅમસન
ભારતીય વિકેટકીપર-બૅટર સંજુ સૅમસન કેરલા ક્રિકેટ લીગ (KCL)ના ઇતિહાસનો સૌથી મોંઘો પ્લેયર બની ગયો છે. બીજી સીઝન માટે કોચી બ્લુ ટાઇગર્સે તેને ૨૬.૮૦ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. બ્લુ ટાઇગર્સે તેમના પર્સનો અડધાથી વધુ ભાગ સૅમસન પર ખર્ચ કર્યો છે. દરેક ટીમે ઑક્શનમાં તેમને ફાળવાયેલા ૫૦ લાખ રૂપિયાના પર્સમાં ૧૬થી ૨૦ પ્લેયર્સ ખરીદવાના હતા.
આ પહેલાં પહેલી સીઝનમાં ઑલરાઉન્ડર એમ. એસ. અખિલને ત્રિવેન્દ્રમ રૉયલ્સે સૌથી વધુ ૭.૪૦ લાખમાં ખરીદ્યો હતો. આ વખતે ડિફેન્ડિંગ ચૅમ્પિયન એરીઝ કોલ્લમ સેઇલર્સે તેને ૮.૪૦ લાખ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. KCLની બીજી સીઝન છ ટીમો વચ્ચે ૨૧ ઑગસ્ટથી ૬ સપ્ટેમ્બર વચ્ચે રમાશે. IPLમાં રાજસ્થાન રૉયલ્યનું નેતૃત્વ કરનાર સંજુ સૅમસન પહેલી વાર પોતાના રાજ્યની આ T20 લીગમાં રમશે.