સૅમ્યુઅલ્સ ફરી વાર બન્યો કૅરિબિયનોનો તારણહાર

11 December, 2012 07:58 AM IST  | 

સૅમ્યુઅલ્સ ફરી વાર બન્યો કૅરિબિયનોનો તારણહાર





મીરપુર : ઑક્ટોબરમાં શ્રીલંકામાં T20 વર્લ્ડ કપમાં જીત્યા પછીની ગઈ કાલે મીરપુરમાં રમાયેલી પહેલી T20 મૅચમાં વેસ્ટ ઇન્ડીઝે યજમાન બંગલા દેશને રોમાંચક મૅચમાં ૧૮ રનથી પરાજય આપ્યો હતો. વર્લ્ડ કપની ફાઇનલની જેમ જ ગઈ કાલે વેસ્ટ ઇન્ડીઝના વિજયનો હીરો હતો ઑલરાઉન્ડર માર્લન સૅમ્યુલ્સ. ક્રિસ ગેઇલ (છ રન) સસ્તામાં આઉટ થયા પછી મેદાનમાં આવેલા સૅમ્યુલ્સે ૨૪ બૉલમાં ૨૭ રન બનાવીને ધીમી શરૂઆત કરી હતી, પણ આખરી ઓવરમાં ૧૯ બૉલમાં ૫૮ રન ફટકારીને ટીમને ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૯૭ના ઊંચા સ્કોર સુધી એકલા હાથે લઈ ગયો હતો. મૅન ઑફ ધ મૅચ સૅમ્યુલ્સે ૪૩ બૉલમાં ૮૫ રનની ઇનિંગ્સમાં નવ સિક્સરો અને ત્રણ ફોર ફટકારી હતી.

છેલ્લી ઓવર ભારે પડી


બંગલા દેશનો પેસ બૉલર રુબેલ હુસેન છેલ્લી ઓવરમાં સૅમ્યુલ્સના સપાટામાં આવી ગયો હતો. સૅમ્યુલ્સે હુસેનની એ ઓવરમાં ચાર સિક્સર અને એક ફોર ફટકારી હતી અને કુલ ૨૯ રન બન્યા હતા. બંગલા દેશની ૧૮ રનની હારમાં તેમને હુસેનની આ ઓવર ભારે પડી હતી. હુસેને ચાર ઓવરમાં બે વિકેટ લઈને ૬૩ રન આપ્યા હતા. ચાર ઓવરમાં ૬૪ રનના જિમી ઍન્ડરસનના રેકૉર્ડ્સથી જરાક માટે રહી ગયો હતો.

એક જ વિકેટ પડી 


૧૯૮ રનના ટાર્ગેટ સામે બંગલા દેશે જબરો જવાબ આપ્યો હતા. ઓપનર તમિમ ઇકબાલ (૬૧ બૉલમાં અણનમ ૮૮) અને મહમદુલ્લાએ (૪૮ બૉલમાં અણનમ ૬૪ રન) બીજી વિકેટ માટે ૧૩૨ રનની ભાગીદારીએ કૅરિબિયનોને છેલ્લી સુધી અધ્ધરશ્વાસ રાખ્યા હતા. બંગલા દેશે ૨૦ ઓવરમાં ફક્ત એક જ વિકેટ અનામુલ હક (૨૨)ની ગુમાવી હતી. T20માં સેકન્ડ ઇનિંગ્સમાં કોઈ ટીમ ૨૦ ઓવર રમી હોય અને એક જ વિકેટ ગુમાવી હોય એવું પહેલી વાર બન્યું હતું. ટેસ્ટ અને વન-ડેમાં ધમાકેદાર એન્ટ્રી કરનાર સોહાગ ગાઝી જોકે પહેલી T20માં ખાસ કોઈ અસર પાડી શક્યા નહોતો અને ચાર ઓવરમાં ૪૪ રન આપીને એક જ વિકેટ લઈ શક્યો હતો.