આશા છે કે અભિષેક શર્મા ફિટ થઈને રમવા ઊતરે, કારણ કે અમે બેસ્ટ ટીમ સામે રમવા ઇચ્છીએ છીએ : સલમાન અલી આગા

15 February, 2026 10:25 AM IST  |  Sri Lanka | Gujarati Mid-day Correspondent

ભારત સાથેના નો-હૅન્ડશેક વિવાદ વિશે તેણે કહ્યું હતું કે ‘મૅચ ક્રિકેટની સ્પિરિટ સાથે જ રમાવી જોઈએ. હું શું અપેક્ષા રાખું છું એનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ મને લાગે છે કે રમત એ જ રીતે રમવી જોઈએ જે રીતે ક્રિકેટની શરૂઆતથી રમાતી આવી છે.

સલમાન અલી આગા અને ગઈ કાલે કોલંબોમાં પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન મેદાન પર ઊતર્યો હતો અભિષેક શર્મા.

ભારત સામેની T20 વર્લ્ડ કપ મૅચ પહેલાં પાકિસ્તાની T20 કૅપ્ટન સલમાન અલી આગાએ મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. પેટની સમસ્યાનો સામનો કરી રહેલા ભારતીય ઓપનર અભિષેક શર્મા વિશે તેણે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘આપણે જાણીએ છીએ કે અભિષેક શર્મા સારો ખેલાડી છે. અમને ખરેખર આશા છે કે તે ફિટ થઈને રમવા ઊતરે, કારણે કે અમે સારી અને બેસ્ટ ટીમ સામે રમવા ઇચ્છીએ છીએ.’

કોલંબોમાં જ મૅચો રમવાના ફાયદા અને ટૉસ વિશે વાત કરતાં સલમાન અલી આગાએ કહ્યું હતું કે ‘અમે અહીંના વાતાવરણથી ટેવાઈ ગયા છીએ બસ એટલો જ અમારી પાસે ફાયદો છે. પહેલાંથી જ અહીં રહેતા હોવાથી અમે મૅચ જીતીશું એ નક્કી નથી. ટૉસના પરિણામથી કોઈ ફરક નથી પડતો. તમારે ૪૦ ઓવર માટે સારું ક્રિકેટ રમવું પડશે, નહીં તો તમે જીતી શકશો નહીં.’

ભારત સાથેના નો-હૅન્ડશેક વિવાદ વિશે તેણે કહ્યું હતું કે ‘મૅચ ક્રિકેટની સ્પિરિટ સાથે જ રમાવી જોઈએ. હું શું અપેક્ષા રાખું છું એનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ મને લાગે છે કે રમત એ જ રીતે રમવી જોઈએ જે રીતે ક્રિકેટની શરૂઆતથી રમાતી આવી છે. બાકીનું તેમના પર નિર્ભર છે તેઓ શું કરવા માગે છે.’

પાકિસ્તાન સામે કેવો રહ્યો છે અભિષેક શર્માનો રેકૉર્ડ?

અભિષેક શર્મા ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં T20 ફૉર્મેટમાં જ રમે છે. તે પાકિસ્તાન સામે એશિયા કપ દરમ્યાન ૩ મૅચ રમ્યો છે, એમાં તેણે ૧૧૦ રન કર્યા હતા. ૧૮૯.૬૫ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને તેણે ૧૧ ફોર અને ૭ સિક્સ પણ ફટકારી છે. ભારત માટે અભિષેક શર્મા ૩૯ T20 મૅચ રમ્યો છે, એમાં તેણે બે સદી અને ૮ ફિફ્ટીના આધારે ૧૨૯૭ રન કર્યા છે.

t20 world cup indian cricket team abhishek sharma pakistan cricket news sports news sports