સાઇના ફરી બની નંબર થ્રી આજે જીતી જશે તો નંબર ટૂ

26 October, 2012 05:43 AM IST  | 

સાઇના ફરી બની નંબર થ્રી આજે જીતી જશે તો નંબર ટૂ



પૅરિસ: લંડન ઑલિમ્પિક્સની બ્રૉન્ઝ મેડલિસ્ટ બૅડમિન્ટન પ્લેયર સાઇના નેહવાલ ગઈ કાલે ફરી વર્લ્ડ રૅન્કિંગ્સમાં ચોથા પરથી ત્રીજા નંબર પર આવી ગઈ હતી. તેણે આ પ્રગતિ રવિવારે ડેન્માર્ક ઓપન જીતવાને કારણે કરી હતી. સાઇના રૅન્કિંગ્સમાં ૮૦,૩૬૧.૭૪૪૪ પૉઇન્ટ ધરાવે છે. ગઈ કાલે તે ફ્રેન્ચ ઓપન સુપર સિરીઝની ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ હતી અને જો આજે જીતીને સેમી ફાઇનલમાં જશે તો ૬૪૨૦ પૉઇન્ટ મેળવશે. એ સાથે તે નંબર ટૂ પર આવી જશે અને અત્યારે ૮૫,૯૨૬.૭૧૫૩ પૉઇન્ટ સાથે આ રૅન્ક ધરાવતી ચીનની લંડન ઑલિમ્પિક્સની ગોલ્ડ મેડલિસ્ટ લી ઝુરીને ત્રીજા નંબર પર ધકેલી દેશે.

બાવીસ વર્ષની સાઇના વર્લ્ડ રૅન્કિંગ્સમાં વધુમાં વધુ બીજી રૅન્ક સુધી પહોંચી છે. આ સિદ્ધિ તેણે ડિસેમ્બર ૨૦૧૦માં મેળવી હતી.

પુરુષોમાં ભારતનો પારુપલ્લી કશ્યપ બાવીસમા નંબરે છે અને ભારતીયોમાં તે બેસ્ટ પ્લેયર ગણાય છે.

પૅરિસમાં ૩૭ મિનિટમાં પહોંચી ક્વૉર્ટરમાં

સાઇનાએ ગઈ કાલે બીજા રાઉન્ડમાં વિશ્વની ૨૭મા ક્રમની થાઇલૅન્ડની પ્લેયર સૅપ્સીરી ટેરેટૅનાચાઇને ૩૭ મિનિટમાં ૨૧-૧૬, ૨૧-૧૩થી પરાજય આપ્યો હતો. સાઇનાએ આ પહેલાં સૅપ્સીરીને આ વર્ષે માર્ચમાં ઑલ ઇંગ્લૅન્ડ ચૅમ્પિયનશિપમાં હરાવી હતી.