17 June, 2025 09:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વૉશિંગ્ટન સુંદર અને સાઈ સુદર્શન.
યંગ સ્પિનર વૉશિંગ્ટન સુંદરની ખૂબ જ ટૂંકા સમયમાં યુથ ક્રિકેટથી ઇન્ટરનૅશનલ ક્રિકેટ સુધીની શાનદાર સફર તેના યુવા સાથી સાઈ સુદર્શન માટે પ્રેરણારૂપ રહી છે. ચેન્નઈમાં જન્મેલો સાઈ સુદર્શન કહે છે, ‘મેં તેની સાથે (જુનિયર સ્તરે) થોડી મૅચ રમી છે. અમે તેની પાસેથી ઘણી પ્રેરણા લઈએ છીએ અને તેણે ખૂબ જ ઓછા સમયમાં ભારત માટે રમવાનું શરૂ કર્યું એ મારા મગજમાં હતું. તેણે IPLમાં સારું પ્રદર્શન કર્યું પછી તે દેશ માટે રમ્યો. એથી ચેન્નઈનો એક પ્લેયર ભારત માટે રમી રહ્યો છે એ મારા માટે ખૂબ જ પ્રેરણાદાયક હતું. તેને જાણીને અને તેની સાથે રમવાથી મને લાગ્યું કે હું પણ એ જ રીતે રમી શકું છું.’
ચેન્નઈનો સ્પિનર વૉશિંગ્ટન સુંદર પણ કહે છે, ‘મારા ઘણા કોચ અને મિત્રો પણ સતત તેના (સાઈ સુદર્શનના) ક્રિકેટ-કરીઅર વિશે વાત કરતા હતા. તે પોતાની રમતમાં સુધારો કરીને આગળ વધી રહ્યો છે. જ્યારે પણ મેં તેને ટીવી પર જોયો ત્યારે તેની કુશળતા અને કાર્યનિષ્ઠામાંથી ઘણું શીખ્યો જે ચોક્કસપણે ઘણા યુવા પ્લેયર્સને પ્રેરણા આપે છે.’
ઇંગ્લૅન્ડમાં કેવો રહ્યો છે રેકૉર્ડ?
પચીસ વર્ષનો વૉશિંગ્ટન સુંદર ઇંગ્લૅન્ડ સામે ત્રણ ટેસ્ટ-મૅચમાં બે વિકેટ જ લઈ શક્યો છે. ભારત માટે લિમિટેડ ઓવર્સના ફૉર્મેટમાં રમી ચૂકેલો ૨૩ વર્ષનો સાઈ સુદર્શન આ સિરીઝમાં ટેસ્ટ-ડેબ્યુ કરશે. બન્ને પ્લેયર્સ ઇંગ્લૅન્ડ સામે પહેલી વાર તેમની ધરતી પર રમશે.