સહારાએ માલ્યાની F1 ટીમનો ૪૨.૫ ટકા ઇક્વિટી હિસ્સો પાંચ અબજ રૂપિયામાં ખરીદ્યો

13 October, 2011 08:12 PM IST  | 

સહારાએ માલ્યાની F1 ટીમનો ૪૨.૫ ટકા ઇક્વિટી હિસ્સો પાંચ અબજ રૂપિયામાં ખરીદ્યો



ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડામાં ઇન્ડિયન ગ્રાં પ્રિ નામની F1 રેસ ૩૦ ઑક્ટોબરે શરૂ થશે. યુબી ગ્રુપના માલિક માલ્યાએ આ હિસ્સો વેચી તો દીધો છે, પરંતુ માલ્યાએ પોતે ૪૨.૫ હિસ્સો પોતાની પાસે જ રાખ્યો છે અને ટીમ પ્રિન્સિપાલના સવોર્ચ્ચ હોદ્દે પણ પોતે જ રહેશે.

માલ્યાએ થોડા દિવસ પહેલાં જ જાહેરાત કરી હતી કે તેઓ ફોર્સ ઇન્ડિયા કોઈને પણ નથી વેચી રહ્યા. જોકે હવે તેમણે અમુક ઇક્વિટી હિસ્સો વેચવાનું નક્કી કરી લીધું છે. માલ્યાએ સ્પાયકર ફેરારી F1 નામની ટીમ ૨૦૦૭ની સાલમાં ૯ કરોડ યુરો (અંદાજે સાડાચારથી પોણાપાંચ અબજ રૂપિયા)માં ખરીદી હતી અને એને ફોર્સ ઇન્ડિયા નામ આપ્યું હતું. જોકે હવે આ ટીમ સહારા ફોર્સ ઇન્ડિયા તરીકે ઓળખાશે. F1 રેસની આ વર્ષની સીઝનમાં ફોર્સ ઇન્ડિયા ૪૮ પૉઇન્ટ સાથે છઠ્ઠા નંબરે છે.

વિજય માલ્યા આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ની રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર ટીમના ઓનર છે, જ્યારે સુબ્રોતો રૉય પુણે વૉરિયર્સ ટીમની માલિકી ધરાવે છે. વિજય માલ્યાનું યુબી ગ્રુપ દારૂ બનાવતી ભારતીય કંપનીઓમાં ટોચ પર ગણાય છે. સહારા ગ્રુપ ફાઇનૅન્સિયલ સર્વિસીઝ, રિયલ એસ્ટેટ તથા મિડિયા ક્ષેત્રે આગળ પડતું ગણાય છે તેમ જ અમુક સ્ટાર હોટેલોમાં પણ ઇક્વિટી હિસ્સો ધરાવે છે.