સચિનની બૅટિંગઍવરેજ અશ્વિન કરતાં પણ ખરાબ

27 November, 2012 03:24 AM IST  | 

સચિનની બૅટિંગઍવરેજ અશ્વિન કરતાં પણ ખરાબ




સચિન તેન્ડુલકર રવિવારે વાનખેડેટેસ્ટના બીજા દાવમાં ૮ રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તેની છેલ્લી હાફ સેન્ચુરી ૧૦ ટેસ્ટઇનિંગ્સ પહેલાં હતી. આ ૧૦ ઇનિંગ્સમાં તેણે ફક્ત ૧૫૩ રન બનાવ્યા છે અને તેની બૅટિંગઍવરેજ ૧૫.૩ છે.

ભારતના ટૉપ-ઑર્ડરના બૅટ્સમેનોમાં છેલ્લી ૧૦ ઇનિંગ્સની આ લોએસ્ટ ઍવરેજ છે. પુજારાની ઍવરેજ ૭૯.૦૦, વિરાટની ૬૧.૦૦, સેહવાગની ૪૦.૦૦ અને ગંભીરની ૨૭.૦૦ છે. ધોનીની ૩૭.૦૦ની સરેરાશ છે, જ્યારે આઠમા નંબરે બૅટિંગ કરવા આવતા સ્પિનર રવિચન્દ્રન અશ્વિને છેલ્લી ૧૦ ઇનિંગ્સમાં ૩૦૩ રન બનાવ્યા છે અને તેની ૩૮.૦૦ની ઍવરેજ છે.

૨૮ ઇનિંગ્સથી સદી નથી

સામાન્ય રીતે ટેસ્ટક્રિકેટમાં સચિનની દર ૬.૨ ઇનિંગ્સમાં એક સદી રહી છે, પરંતુ તેણે છેલ્લે જાન્યુઆરી ૨૦૧૧માં ૫૧મી સદી ફટકારી ત્યાર પછીની ૨૮ ઇનિંગ્સમાં તેની એક પણ સદી નથી. તેણે સેન્ચુરી વિનાનો આટલો લાંબો સમયગાળો પહેલી વાર જોયો છે. આ પહેલાંનો સૌથી લાંબો પિરિયડ ૨૦૦૫થી ૨૦૦૭ દરમ્યાન હતો જેમાં ૧૭ ઇનિંગ્સમાં તેની એકેય સદી નહોતી.

જોકે સચિને ભૂતકાળમાં અનેકવાર ટીકાકારોને ખોટા પાડતી ઇનિંગ્સ રમી બતાવી છે.

ચાર વખત પનેસરનો શિકાર

સચિને રવિવારે સતત બીજા દાવમાં ઇંગ્લિશ લેફ્ટી સ્પિનર મૉન્ટી પનેસરના બૉલમાં વિકેટ ગુમાવી હતી. આ પહેલાં પણ તે બે વખત પનેસરની બોલિંગમાં આઉટ થયો હતો.