કોચ તરીકે કપિલ દેવે સચિન તેન્ડુલકરને કર્યો હતો નિરાશ

07 November, 2014 05:57 AM IST  | 

કોચ તરીકે કપિલ દેવે સચિન તેન્ડુલકરને કર્યો હતો નિરાશ




ઑલરાઉન્ડર કપિલ દેવે કોચ તરીકે સચિન તેન્ડુલકરને નિરાશ કર્યો હતો એ વાતનો ઉલ્લેખ સચિને પોતાની આત્મકથામાં કર્યો છે. તેના મતે ઑસ્ટ્રેલિયાના પ્રવાસમાં તે કપિલ દેવથી ઘણો નિરાશ થયો હતો, કારણ કે કોચ તરીકે તેમણે ટીમની સ્ટ્રૅટેજીમાં ભાગ નહોતો લીધો. પોતાના પુસ્તકમાં સચિને લખ્યું હતું કે ‘કપિલ દેવ પાસે મને ઘણી અપેક્ષા હતી. બીજી વખત હું કૅપ્ટન બન્યો ત્યારે મારી સાથે કોચ તરીકે કપિલ દેવ હતા, જેઓ ભારતના સૌથી મહાન બૅટ્સમૅન હતા તથા વિશ્વના સૌથી શ્રેષ્ઠ ઑલરાઉન્ડર પૈકીના એક હતા એથી ઑસ્ટ્રેલિયાના પ્રવાસ દરમ્યાન મને તેમની પાસે ઘણી અપેક્ષા હતી. હું હંમેશાં કહેતો રહ્યો છું કે કોચની ભૂમિકા ઘણી મહત્વની હોય છે જે ટીમની સ્ટ્રૅટેજી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ઑસ્ટ્રેલિયાના પ્રવાસમાં કપિલથી શ્રેષ્ઠ બીજું કોણ હોઈ શકે જે મને મદદ કરી શકે. પરંતુ કપિલ દેવની ભાગીદારીની પદ્ધતિ તથા વિચારપ્રક્રિયા સીમિત હતી. પરિણામે તમામ જવાબદારી કૅપ્ટન પર આવી જતી હતી. સ્ટ્રૅટેજીની ચર્ચામાં તેઓ હાજર નહોતા રહેતા અને પરિણામે અમને મેદાન પર મદદ નહોતી મળતી.’

સચિન તેન્ડુલકરે લખ્યું છે કે ‘પાકિસ્તાન સામેની ૧૪ ડિસેમ્બર ૧૯૯૭ની શારજાહ સિરીઝની મૅચમાં પરિસ્થિતિ મારે અનુકૂળ નહોતી. હું સિલેક્ટરોના કહેવાથી સિરીઝમાં ચોથા નંબરે બૅટિંગ કરી રહ્યો હતો. સૌરવ તથા નવજોત સિદ્ધુએ સારી શરૂઆત કરી હતી. મેં ઑલરાઉન્ડર રૉબિન સિંહને ઝડપથી રન બનાવવા માટે મોકલ્યો હતો, પરંતુ તે આઉટ થઈ ગયો. મારા આ નિર્ણયની ઘણી ટીકા થઈ હતી અને એને કારણે જ મૅચ હારી ગયા એમ કહેવામાં આવ્યું હતું.’

સચિન એકલો રૂમમાં ગોંધાઈ રહ્યો હતો

મુલતાન ટેસ્ટમાં તેન્ડુલકર ૧૯૪ રને હતો ત્યારે કૅપ્ટન દ્રવિડે દાવ ડિક્લેર કરતાં નારાજ

૨૦૦૪ની મુલતાન ટેસ્ટ-મૅચમાં સચિન તેન્ડુલકર ૧૯૪ રને રમતમાં હતો ત્યારે સ્ટૅન્ડ ઇન કૅપ્ટન રાહુલ દ્રવિડે અચાનક દાવ ડિક્લેર કરી દીધો હતો. પરિણામે નારાજ સચિને પોતે અનુભવેલી લાગણી વિશે પોતાની આત્મકથામાં વિસ્તારપૂર્વક લખ્યું છે. સચિનના મતે આ નિર્ણય પાછળ કોઈ તાર્કિક કારણ નહોતું. તેણે રાહુલ દ્રવિડને કહ્યું હતું કે મને એકલો મૂકી દેવામાં આવે જેથી ડબલ સેન્ચુરીની તક ગુમાવ્યાના દુ:ખમાંથી હું બહાર આવી શકું. જોકે મેં રાહુલને ખાતરી કરાવી દીધી હતી કે આ નિર્ણયથી મારી રમતમાં કોઈ ફરક પડશે નહીં, પરંતુ જે ઘટના બની હતી એનાથી હું ઘણો નિરાશ હતો.’

જોકે સચિનના મતે આવા નિર્ણય બાદ મારા અને રાહુલ દ્રવિડના સંબંધોમાં કોઈ તિરાડ નહોતી પડી. ત્યાર બાદ બન્નેએ સાથે રમીને ઘણું સારું પ્રદર્શન કર્યું હતું.